ભોલેબાબાના સત્સંગમાં ૫૦ હજારથી વધુ લોકોની ભીડ હતી. ભાગદોડ થતા જ લાશોનો ઢગલો થઇ ગયો
હાથરસ હાદસામાં 130 કરતા વધુના મોત થયા હોવાનું અનુમાન
ઘટના સ્થળે એમ્બ્યુલન્સ અને પ્રાથમિક સારવારનો પણ અભાવ હતો.
લખનૌ,૨ જુલાઇ,૨૦૨૪,મંગળવાર
ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લાના સિકંદરારાઉ થાણા ક્ષેત્રમાં આવેલા ફૂલરાઇ ગામમાં એક બાબાના સત્સંગમાં ભાગડોડ મચતા 130 થી વધુ લોકોના મુત્યુ થયા છે. જો કે મુતકોના આંકડા બાબતે વિસંગતતા જોવા મળી રહી છે. એટાના એસએસપીના જણાવ્યા અનુસાર ધાર્મિક કાર્યક્રમમાં ભાગદોડના કારણે 70 લોકોના મોત થવાની સૂચના મળી હતી. મૃતકોમાં મહિલાઓ અને બાળકોની સંખ્યા વધારે છે. મરનારાની સંખ્યા વધી શકે છે કારણ કે હોસ્પિટલમાં ગંભીર સારવાર લઇ રહેલા લોકોની સંખ્યા વધારે છે. ફૂલરાઇ ગામમાં ભોલેબાબા પ્રવચન કાર્યક્રમ દરમિયાન દર્દનાક ઘટના બની હતી.
ભોલેબાબાના સત્સંગમાં હજારોની સંખ્યામાં ભીડ ઉમટે છે
નારાયણ સાકાર હરિ યા સાકાર વિશ્વ હરી ઉર્ફે ભોલેબાબા ઉત્તરપ્રદેશના એટા જિલ્લાના વતની છે. પટિયાલી તાલુકાના ગાંવ બહાદૂરમાં જન્મેલા બાબા ખૂદને ઇન્ટેલિજન્સ બ્યૂરોના પૂર્વ કર્મચારી હોવાનો દાવો કરતા રહે છે. 26 વર્ષ પહેલા નોકરી છોડીને ધાર્મિક પ્રવચન આપવા લાગ્યા હતા. ભોલેબાબા પશ્ચિમી ઉત્તરપ્રદેશ ઉપરાંત ઉતરાખંડ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી સહિત દેશભરમાં લાખો અનુયાયીઓ ધરાવે છે.
જો કે આજના ડિજિટલ સમયમાં તેઓ સોશિયલ મીડિયાથી દૂર રહે છે. તેઓ પોતાના અનુયાયીઓને પ્રત્યક્ષ મળતા રહે છે અને પ્રવચન આપે છે. પશ્ચિમી યુપીના અલીગઢ અને હાથરસ જિલ્લામાં નારાયણ સાકાર હરિનો કાર્યક્રમ દર મંગળવારે આયોજિત થાય છે જેમાં હજારોની સંખ્યામાં ભીડ ઉમટે છે. ભોલેબાબાના સત્સંગમાં તેમના અનુયાયીઓ અને સ્વયંસેવકો ભકતોની જમવાની પણ વ્યવસ્થા કરે છે.
પંડાલમાં મૃત લોકોની લાશો ખૂબ સમય સુધી પડી રહી હતી
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર સત્સંગના પંડાલમાં મૃતલોકોની લાશો ખૂબ સમય સુધી પડી રહી હતી. ટેંપો અને બીજી ગાડીઓ દ્વારા લાશોને મોર્ચરી પહોંચાડવામાં આવી હતી. ઘટના સ્થળે એમ્બ્યુલન્સ અને પ્રાથમિક સારવારનો પણ અભાવ હતો. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે મૃતકોની સંખ્યા ૨૦૦ કરતા પણ વધારે છે. પોલીસ પ્રશાસને એક રોડ પર બેરિકેટિંગ લગાવ્યું હતું.આ બેરેકેટિંગ રાત્રે બંધ કરવામાં આવ્યું હતું.
બંધ બેરિકેટિંગ ખોલવામાં આવતા ગાડીઓનો પ્રવાહ પસાર થવા લાગ્યો અને લોકોમાં જે ભાગદોડ મચી તેનાથી લોકોના મોત થયા હતા. કેટલાકનું એમ પણ કહેવું હતું કે સિકયોરિટી સંભાળનારાઓએ શ્રધ્ધાળુઓને અટકાવતા લોકોનો જમાવડો થયો હતો. એમાં શ્વાસ રુંધાવાથી પણ કેટલાકના મોત થયા હતા. સત્સંગસભામાં જેટલી સંખ્યા પહોંચવી જોઇએ તેના કરતા વધુ શ્રધ્ધાળુઓનો જમાવડો થયો હતો. આવા સંજોગોમાં સુરક્ષા અને વ્યવસ્થા પડી ભાગી હતી. આયોજકોએ સત્સંગસભાના આયોજન બાબતે મંજુરી લીધી પરંતુ આવનારા લોકોને સંભાળવા માટેનું કોઇ આયોજન કર્યુ ન હતું.