મધ્યપ્રદેશ: આજથી ભોજશાળાનો સર્વે શરૂ, ધાર પહોંચી ASIની ટીમ, નમાજને કોઈ અસર થશે નહીં

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
મધ્યપ્રદેશ: આજથી ભોજશાળાનો સર્વે શરૂ, ધાર પહોંચી ASIની ટીમ, નમાજને કોઈ અસર થશે નહીં 1 - image


Image Source: Wikipedia 

નવી દિલ્હી, તા. 22 માર્ચ 2024 શુક્રવાર

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) આજથી મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં સ્થિત ભોજશાળાનું સર્વેક્ષણ શરૂ કરશે. ભોજશાળાનું સત્ય શું છે. એ જાણવા માટે એએસઆઈની ટીમ ધાર પહોંચી ગઈ છે. હાઈકોર્ટના આદેશ પર ભોજશાળાના સર્વે માટે આજથી ખોદકામ શરૂ થશે. ભોજશાળા મામલે ઈન્દોરમાં થયેલી અરજી પર સુનાવણી બાદ ફેબ્રુઆરી મહિનામાં સર્વેના આદેશ આપ્યા હતા. 

ઘણા વર્ષોથી ભોજશાળાને લઈને વિવાદ છે. તેની પર હિન્દુ અને મુસ્લિમ પોતાનો હક જણાવે છે. હિન્દુ પક્ષનું કહેવુ છે કે અહીં સરસ્વતી મંદિર છે જ્યારે મુસ્લિમ પક્ષ ભોજશાળાને નમાજ પઢવાનું સ્થળ ગણાવે છે. નિષ્ણાતોની ટીમ ખોદકામ કરીને એ જોશે કે ભોજશાળાનું જ્યારે નિર્માણ થયુ હતુ ત્યારે તેની બનાવટ કઈ શૈલીની છે અને પથ્થરો પર કયા પ્રકારના ચિન્હ અંકિત છે. ટીમ પોતાનો રિપોર્ટ હાઈકોર્ટને સોંપશે. જેના આધારે સુનાવણી આગળ વધશે.

ભોજશાળામાં ભારતીય વાસ્તુકલા અને હિન્દુ ચિન્હ

આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ પણ કહ્યુ છે કે 1902માં પણ સર્વે થયો હતો. તે સર્વેની જાણકારી અધિકારીઓએ કોર્ટ સમક્ષ મૂકી. પૂર્વમાં થયેલા સર્વેમાં જાણવા મળ્યુ હતુ કે ભોજશાળાની વાસ્તુકલા ભારતીય શૈલીની છે. ભોજશાળામાં હિંદુ ચિન્હ, સંસ્કૃતના શબ્દ વગેરે જોવા મળ્યા છે. વિષ્ણુ પ્રતિમા પણ છે. તેના પ્રમાણ અરજીકર્તાએ કોર્ટમાં રજૂ કર્યા છે. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે ભોજશાળામાં હિંદુ સમાજને નિયમિત પૂજાનો અધિકાર છે. ત્યાં મુસ્લિમ સમાજ નમાજ પઢે છે. નમાજ પઢવા પર રોક લગાવવી જોઈએ કેમ કે ત્યાં હિન્દુ મંદિર છે.

રાજાભોજે બનાવ્યુ હતુ સરસ્વતી સદન

ભોજશાળાનો ઈતિહાસ એક હજાર વર્ષથી પણ જૂનો છે. હિન્દુ સંગઠનો અનુસાર ભોજશાળા ધારના રાજા ભોજે બનાવી હતી. સરસ્વતી સદન તરીકે ભોજશાળા શિક્ષણનું મોટુ કેન્દ્ર હતુ. રાજવંશ કાળમાં અહીં સૂફી સંત કમાલ મૌલાનાની દરગાહ બની ગઈ. મુસ્લિમ સમાજ અહીં નમાજ પઢવા લાગ્યો.

જે બાદ એ દાવો કરવામાં આવ્યો કે ધારમાં ભોજશાળા નથી પરંતુ દરગાહ છે. અંગ્રેજોના શાસનકાળમાં જ ભોજશાળાને લઈને વિવાદ ઉઠ્યો હતો ત્યારે વર્ષ 1902માં લોર્ડ કર્જન ધાર, માંડૂના પ્રવાસે આવ્યા હતા. તેમણે ભોજશાળની સારસંભાળ માટે 50 હજાર રૂપિયા ખર્ચ કરવાની મંજૂરી આપી હતી. ત્યારે સર્વે પણ કરવામાં આવ્યો હતો. 1951એ ધાર ભોજશાળાને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે થયેલા નોટિફિકેશનમાં ભોજશાળા અને કમાલ મૌલાની મસ્જિદનો ઉલ્લેખ છે.

નમાજને અસર થશે નહીં

શુક્રવારથી સર્વે શરૂ થયાની અટકળો લાગી રહી હતી કે શુક્રવારે થનારી નમાજ પર તેની અસર થશે. તેને લઈને ધાર એસપીએ કહ્યુ કે ધારની ભોજશાળામાં કાલથી સર્વે થશે. સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. હાઈકોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે. ભોજશાળામાં નમાજ થશે અને તેને કોઈ અસર થશે નહીં. 


Google NewsGoogle News