મધ્ય પ્રદેશના ભોજ શાળા વિવાદમાં હિન્દુ-મુસ્લિમ બાદ જૈન સમાજે પણ ઝંપલાવ્યું, સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
Dhar Bhojshala Controversy : મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ભોજ શાળા વિવાદમાં હિન્દુ અને મુસ્લિમ પક્ષ બાદ જૈન સમાજે પણ ઝંપલાવ્યું છે. જૈન સમાજે ભોજ શાળા પર દાવો કરી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ પહેલા હિન્દુ અને મુસ્લિમ પક્ષે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી છે. જૈન સમાજનો દાવો છે કે, ભોજ શાળામાં 1875માં ખોદકામ કરાયું, ત્યારે જૈન યક્ષિણી અંબિકાની મૂર્તિ નીકળી હતી. આ મૂર્તિ હાલ બ્રિટિશ મ્યુઝિયમમાં સચવાયેલી છે.
જૈન ધર્મ સંબંધિત અનેક અવશેષો મળ્યા
જૈન સમાજે દાવો કર્યો છે કે, જૈન યક્ષિણી અંબિકાની મૂર્તિ સાથેનો શિલાલેખ પણ સચવાયેલો છે, જે અંબિકા દેવીના જૈન ધર્મ સાથે સંબંધ હોવાનો પુરાવો છે. જ્યારે હિન્દુ સમાજ આ મૂર્તિની વાગ્દેવી સરસ્વતીની હોવાનું કરી રહ્યા છે, તે દાવો વાસ્તવિકતામાં સાચો નથી. આ ઉપરાંત ખોદકામ દરમિયાન જૈન તીર્થંકરો, દેવી-દેવતાઓની મૂર્તિઓ, જૈન તીર્થંકરો સંબંધિત લાખણ, કાચબો, વાનર, શંખ, જૈન શિલ્પો અને શિલાલેખો પણ મળી આવ્યા છે. આજ તર્કના કારણે ભોજ શાળા પર જૈન સમાજનો દાવો યોગ્ય છે.
આ પણ વાંચો : રાજસ્થાનમાં ચૂંટણી પહેલા ભાજપ અધ્યક્ષની રાજીનામાની તૈયારી, જાણો શું છે કારણ
ASIનો બે હજાર પાનાનો રિપોર્ટ
ASIએ 15 જુલાઈના રોજ ભોજ શાળા મામલાનો 2000 પાનાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ મામલે હાઈકોર્ટે તમામ પક્ષોને કહ્યું છે કે, તેઓ સુપ્રીમ કોર્ટના નિર્દેશની રાહ જુએ. હિન્દુ ફોરમ ફૉર જસ્ટિસ તરફથી અરજી કરનાર આશિષ ગોયલે કહ્યું કે, મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેન્ચના ન્યાયાધીશ ધર્માધિકારી અને ન્યાયાધીશ રમણ કાંતની ખંડપીઠે ભોજશાળા કેસની સુનાવણી કરી છે.
30મી જુલાઈએ સુનાવણી
અમે સુપ્રીમ કોર્ટમાં આપેલા વચગાળાના સ્ટેને હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ કેસની સુનાવણી 30 જુલાઈએ થશે. હવે 30 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ જ હાઈકોર્ટ પોતાનો નિર્ણય આપશે.
ASIએ 22 માર્ચે શરૂ કર્યો હતો સરવે
ઉલ્લેખનીય છે કે, ભોજ શાળા મંદિર હતી કે મસ્જિદ તે અંગે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. અહીં મંગળવારે પૂજા થાય છે અને શુક્રવારે નમાજ પઢવામાં આવે છે. ત્યારે આ વિવાદનો મામલો હાઈકોર્ટની ઈન્દોર બેંચ સમક્ષ પહોંચ્યો હતો, જેમાં કોર્ટે ASIને સરવે કરવાનો આદેશ આપ્યો હતો. ASIએ 22 માર્ચથી 27 જૂન સુધી સરવે કર્યો હતો, આ દરમિયાન ખોદકામ કરાયું, ત્યારે તેની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરવામાં આવી છે. સરવે કરવા માટે ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર (GPR) અને ગ્લોબલ સિસ્ટમ (GPS)નો પણ ઉપયોગ કર્યો હતો.