'મોકો મળતા જ ફરી ગોળી મારીશું', ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરને મળી ધમકી
Chandrashekhar Azad News: ભીમ આર્મી પ્રમુખ અને આઝાદ સમાજ પાર્ટીના સંસ્થાપક ચંદ્રશેખર આઝાદને ગોળી મારવાની ધમકી અપાઈ છે. ઉત્તરપ્રદેશની નગીના બેઠકથી લોકસભા ચૂંટણી લડી રહેલા ચંદ્રશેખર આઝાદને ધમકી મળી છે, જેનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભીમ આર્મી પ્રમુખને ધમકી આપતા કહ્યું કે, ભીમ આર્મીના ચંદ્રશેખરને મારા માસીના દીકરાએ ગોળી મારી હતી. આ વખતે મોકો મળશે તો ફરી ગોળી મારીશું.
અતુલ સિંહ નામના વ્યક્તિએ સહારનપુરના કુતુબશેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા જણાવ્યું છે કે, તેના ફોન પર એક વ્યક્તિએ જાતિ સૂચક અપશબ્દો કહ્યા હતા. ફોન પર કહ્યું કે, તને ત્યાં આવીને મારીશ. તારા ભીમ આર્મી અધ્યક્ષ ચંદ્રશેખરને પહેલા પણ મારા માસીના દીકરાએ ગોળી મારી હતી અને હવે ફરી મોકો મળતા જ તેને ગોળી મારીશું. ત્યારે હવે આ મામલે એસએસપી સહારનપુરથી ફરિયાદ કરાઈ બાદમાં કુતુબશેર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાયો છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
આ ધમકીને લઈને ચંદ્રશેખર આઝાદે કહ્યું કે, કાયદો વ્યવસ્થાના નંબર એકની શાબાશી લેનારી સરકારમાં ધમકીબાઝ ગેંગ સક્રિય છે. મોત તો એક દિવસ આવવાની જ છે, ધમકીઓથી ડરવાનો નથી. જનતાની પ્રાર્થના મારી સાથે છે, ચૂંટણી પણ જીતીશ. અભિમાની લોકોને જનતા જવાબ આપશે, તેઓ ગરીબ અને દલિતના દીકરાની જીત થતી જોઈને ડરી ગયા છે. મરવાથી ડરવાનો નથી, ગરીબો-દલીતો માટે જીવ આપવા પણ તૈયાર છું.
જણાવી દઈએ કે, ચંદ્રશેખર આઝાદને Z+ સુરક્ષા મળી છે. જોકે, ગત વર્ષ 2023માં ચંદ્રશેખર આઝાદ પર ઉત્તરપ્રદેશના સહારનપુર જિલ્લાના દેવબંધમાં જીવલેણ હુમલો થયો હતો. કેટલાક હથિયારધારી લોકોએ ભીમ આર્મી ચીફ પર ગોળીઓ ચલાવી હતી. જેમાં તેને ઈજા થઈ હતી. આ ઘટનામાં ગોળી તેને સ્પર્શીને નિકળી ગઈ હતી.