Get The App

ભારતીય કિસાન સંઘે કેન્દ્ર સરકારની વધારી મુશ્કેલી, ‘જીનેટિકલી મોડિફાઈડ પોલિસી’ મુદ્દે ગંભીર આક્ષેપ કરી ખોલ્યો મોરચો

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
ભારતીય કિસાન સંઘે કેન્દ્ર સરકારની વધારી મુશ્કેલી, ‘જીનેટિકલી મોડિફાઈડ પોલિસી’ મુદ્દે ગંભીર આક્ષેપ કરી ખોલ્યો મોરચો 1 - image


Bharatiya kisan Sangh : ભારતીય કિસાન સંઘે નેશનલ જીએમ (ઘઉં પાક) પોલિસી બનાવવા માટે કેન્દ્ર સરકાર સામે મોરચો માંડ્યો છે. કિસાન સંઘે પોતાની માંગમાં કહ્યું છે કે, જીનેટિકલી મોડિફાઈડ પાક મામલે નીતિ બનાવતા પહેલા ખેડૂતોના અભિપ્રાયને લેવામાં આવે. અને તેના માટે ભારતીય કિસાન સંઘે દેશભરમાં જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે.

જીએમ નીતિ પર ચર્ચા થવી જોઈએ : સંઘ

ભારતીય કિસાન સંઘના જણાવ્યા પ્રમાણે તેઓ 600 થી વધુ જિલ્લા કેન્દ્રો પર લોકસભા અને રાજ્યસભાના સાંસદોને મેમોરેન્ડમ સબમિટ કરી રહ્યા છે. આ મેમોરેન્ડમ્સમાં સંઘનું કહેવું છે કે, આગામી શિયાળુ સત્રમાં લોકસભા અને રાજ્યસભા દ્વારા જીએમ નીતિ પર ચર્ચા થવી જોઈએ, જેથી સમગ્ર વિચારધારાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય નીતિ તૈયાર કરી શકાય.

આ પણ વાંચો :‘...તો બાંગ્લાદેશી ઘૂસણખોરો અને રોહિંગ્યાઓને લાત મારીને બહાર કાઢીશું’ CM યોગીનો ઝારખંડમાં ચૂંટણી પ્રચાર

સુપ્રીમ કોર્ટે ચાર મહિનામાં પૂર્ણ કરવાનો આદેશ કર્યો હતો 

કિસાન સંઘ અખિલ ભારતીય મહાસચિવ મોહિની મોહન મિશ્રાના જણાવ્યા પ્રમાણે જુલાઈમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને તમામ હિતધારકો સાથે પરામર્શ કર્યા પછી જીએમ નીતિ બનાવવા અને ચાર મહિનાની અંદર તેને  પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, મિશ્રાએ આરોપ લગાવ્યો હતો કે, અત્યાર સુધી સરકાર કે કોઈપણ સમિતિએ ખેડૂતોનો સંપર્ક કર્યો નથી, જેના કારણે આ કાર્યપ્રણાલી પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

ખેડૂત સંઘનું જીએમ પાક સામે વિરોધ પ્રદર્શન

ભારતીય કિસાન સંઘનું કહેવું છે કે, જીએમ પાક દેશમાં જરૂરી નથી અને રાસાયણિક ખેતી અને જીએમ કૃષિ પર્યાવરણ અને ખેડૂતો માટે હાનિકારક હોઈ શકે છે. એસોસિએશન માને છે કે, જીએમ પાકો જૈવ વિવિધતામાં ઘટાડો અને ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરી શકે છે. બીટી કપાસ તેનું એક ઉદાહરણ છે, તેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ઘણા ખેડૂતોએ આત્મહત્યા પણ કરી છે. ખેડુત સંઘના મતે ભારતને જીએમ ફાર્મિંગની નહીં પણ ઓછા યાંત્રિકીકરણની કૃષિ પ્રણાલીની જરૂર છે.

સુપ્રીમ કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટે જુલાઈ 2024 માં કેન્દ્ર સરકારને આદેશ કર્યો હતો કે, કૃષિ વિજ્ઞાનિકો, રાજ્ય સરકારો, ખેડૂત સંગઠનો અને ગ્રાહક સંગઠનો સાથે પરામર્શ કર્યા પછી જીએમ પાક પર રાષ્ટ્રીય નીતિ બનાવે. કોર્ટે સરકારને નીતિમાં પર્યાવરણ અને આરોગ્ય પર જીએમ પાકની અસરનું મૂલ્યાંકન કરવા કહ્યું હતું અને આ માટે નિયમો, ધોરણો, આયાત-નિકાસ નિયમો, લેબલિંગ, પેકેજિંગ અને જાહેર શિક્ષણના મુદ્દાઓ પર વિસ્તૃતમા ચર્ચા કરવી જોઈએ.

આ પણ વાંચો :‘PM મોદી ઔર અદાણી એક હૈ, તો સૈફ હૈ’, રાહુલ ગાંધીના આરોપ અંગે ભાજપ પ્રવક્તાના ઉડાઉ જવાબ

ભારતીય કિસાન સંઘનું આંદોલન ચાલુ રહેશે

ભારતીય કિસાન સંઘના અખિલ ભારતીય ઝુંબેશ વડા રાઘવેન્દ્ર સિંહ પટેલે જણાવ્યું હતું કે, 600 થી વધુ જિલ્લાઓમાં સાંસદોને મેમોરેન્ડમ સુપરત કરવામાં આવી રહ્યા છે. આ મેમોરેન્ડમ્સમાં ખેડૂતોએ વિનંતી કરી છે કે, તેઓ મુદ્દો શિયાળુ સત્રોમાં ઉઠાવે અને જીએમ નીતિ પર વ્યાપક ચર્ચા થવી જોઈએ, જેથી ભારતના કૃષિ ક્ષેત્રને સુરક્ષિત અને બિનસાંપ્રદાયિક રીતે આગળ લઈ શકાય.

ભારતીય કિસાન સંઘે આ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી છે અને દેશભરમાં જીએમ પાકોની નીતિ પર હિતધારકોની અભિપ્રાય લેવો જોઈએ. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ અંગે કેવી પ્રતિક્રિયા આપે છે અને ખેડૂતોની ચિંતાને ધ્યાનમાં રાખીને નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવે છે કે કેમ તે જોવાનું રહ્યું.


Google NewsGoogle News