રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા' પશ્ચિમ બંગાળમાં પ્રવેશી, મમતા બેનર્જી પર સૌની નજર
Image: X/INC
નવી દિલ્હી,તા. 25 જાન્યુઆરી 2024,ગુરુવાર
રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા' પશ્ચિમ બંગાળમાં પ્રવેશી છે. ભારત જોડો ન્યાય યાત્રા આજે સવારે આસામથી કૂચ બિહાર પહોંચી હતી. જ્યારે રાહુલ ગાંધી કૂચ બિહાર પહોંચ્યા ત્યારે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અધીર ચૌધરીએ તેમનું સ્વાગત કર્યું હતુ. બંગાળના કૂચ બિહારમાં પ્રવેશ પર રાહુલ ગાંધીએ કહ્યંથ કે, પશ્ચિમ બંગાળ આવીને હું ખુશ છું. અમે તમને સાંભળવા અને તમારી સાથે ઊભા રહેવા માટે અહીં છીએ.
રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપ-આરએસએસ નફરત, હિંસા અને અન્યાય ફેલાવી રહ્યા છે, તેથી ઇન્ડિયા ગઠબંધન આખા દેશમાં 'અન્યાય' સામે લડશે. કોંગ્રેસ સાંસદે એમ પણ કહ્યું કે, દેશભરમાં અન્યાય પ્રવર્તી રહ્યો છે તેથી અમે આ યાત્રામાં 'ન્યાય' શબ્દ ઉમેર્યો છે .
બંગાળમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા લોકસભાની છ બેઠકોને આવરી લેશે. બંગાળમાં કુલ 523 કિમીનો પ્રવાસ થશે. આ યાત્રા જલપાઈગુડી, અલીપુરદ્વાર, ઉત્તર દિનાજપુર, દાર્જિલિંગ, માલદા અને મુર્શિદાબાદ જિલ્લામાંથી પસાર થશે. આ યાત્રા બંગાળમાં કુલ પાંચ દિવસ ચાલશે, જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી છ જિલ્લા અને છ લોકસભા બેઠકોની મુલાકાત લેશે.
ટીએમસી સુપ્રીમોએ બુધવારે એકલા લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસ અને ટીએમસી બંને ભારત ગઠબંધનનો ભાગ છે, પરંતુ મમતા બેનર્જીએ એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરીને ભારત ગઠબંધનને મોટો ઝટકો આપ્યો હતો.
મમતા બેનર્જીએ કહ્યું કે, મારી કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ ચર્ચા થઈ નથી. મેં હંમેશા કહ્યું છે કે, અમે બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડીશું. દેશમાં શું થશે તેની મને ચિંતા નથી પરંતુ અમે સેક્યુલર પાર્ટી છીએ અને બંગાળમાં છીએ અને અમે એકલા જ ભાજપને હરાવીશું. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા આપણા રાજ્યમાંથી પસાર થઈ રહી છે પરંતુ અમને તેની જાણ કરવામાં આવી ન હતી.