‘મશીન પર નજર રાખજો કે...’ ન્યાય યાત્રાના સમાપનમાં ઉઠ્યો ઈલેક્ટોરલ બૉન્ડ-EVMનો મુદ્દો
મુંબઈમાં ‘ભારત જોડો ન્યાય યાત્રા’નું સમાપન પ્રસંગે ઈન્ડિયા ગઠબંધનના ઘણા નેતાઓ ઉપસ્થિત રહ્યા
આ પ્રસંગે રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓએ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સાધ્યું નિશાન
Lok Sabha Elections 2024 : કોંગ્રેસ નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ યોજાયેલી ‘ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra)’નું મુંબઈમાં સમાપન સમારોહ યોજાઈ હતો. આ પહેલા રાહુલ ગાંધીએ આજે સવારે દક્ષિણ મુંબઈમાં મહાત્મા ગાંધીના ઘર મણિભવનથી ન્યાય સંકલ્પ પદયાત્રા યોજી હતી. આ યાત્રામાં પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) અને મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધી (Tushar Gandhi) પણ જોડાયા હતા.
ઈલેક્ટોરલ બૉન્ડ અને EVMનો મુદ્દો ઉઠ્યો
આ દરમિયાન રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કહ્યું કે, ‘જો ભારત ‘મોહબ્બત’નો દેશ છે, તો કેમ નફરત ફેલાવાઈ રહી છે? અમે કહીએ છીએ કે, ભાજપ નફરત ફેલાવે છે, પરંતુ તે નફરતનો કોઈ આધાર હોવો જોઈએ. આપણા દેશમાં રોજબરોજ ગરીબો, ખેડૂતો, દલિતો, મહિલાઓ અને યુવાઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અન્ય કોંગ્રેસ નેતાઓએ પણ ભાજપ પર નિશાન સાધ્યું હતું.
ઈન્ડીયા ગઠબંધનના નેતાઓએ ભાજપ-મોદી પર સાધ્યું નિશાન
સમાપન પ્રસંગે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલીને ઈલેક્ટોરલ બૉન્ડ (Electoral bond)નો મુદ્દો ઉઠાવ્યો, તો ફારૂક અબ્દુલ્લાએ ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા હતા. આમ આદમી પાર્ટી (AAP)ના લીડર સૌરભ ભારદ્વાજ (Saurabh Bhardwaj), બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ (Tejashwi Yadav) સહિતના નેતાઓએ પણ BJP અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આકરા પ્રહારો કર્યા હતા. ન્યાય યાત્રના સમાપનમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, શરદ પવાર, શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરે સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઈલેક્ટોરલ બોન્ડ ભાજપનો વ્હાઇટ કોલર ભ્રષ્ટાચાર : એમ.કે.સ્ટાલિન
એમ.કે.સ્ટાલી (Tamil Nadu CM M.K.Stalin)ને કહ્યું કે, ‘ઈલેક્ટોરલ બોન્ડ ભાજપનો વ્હાઈટ કોલર ભ્રષ્ટાચાર છે. હું મારા પ્રિય મિત્ર રાહુલ ગાંધી સાથે તમામનું સ્વાગત કરું છું. હું અહીં મારા ભાઈ રાહુલ ગાંધીને શુભેચ્છા પાઠવવા આવ્યો છું. ‘ઈન્ડિયા ગઠબંધન (INDIA Alliance)’ બનશે. આ ભારત માટે છે. હવે ભારતને આ જ એકતાની જરૂર છે. ઈલેક્ટોરલ બોન્ડ ભાજપના ભ્રષ્ટાચારની સાબિતી છે. ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, અમારું એકમાત્ર લક્ષ્ય ભાજપને હરાવવાનું છે. ભાજપ ભારત માટે સૌથી મોટો ખતરો છે. ભારતને બચાવવા માટે હું તમામ લોકોને વિનંતી કરું છું, વનક્કમ...’
આ લોકો મશીન ચોર છે, મશીન પર નજર રાખજો : ફારૂક અબ્દુલ્લા
ફારૂક અબ્દુલ્લા (Farooq Abdullah)એ કહ્યું કે, ‘હું આ જગ્યાને સલાહ કરું છું, જેણે આટલા બધા સેનાનીઓ આપ્યા.’ તેમણે રાહુલ ગાંધી માટે કહ્યું કે, ‘તેમણે કન્યાકુમારીથી કાશ્મીર અને મણિપુરી મુંબઈ સુધીની યાત્રા કરી. તેમણે અસલી ભારત જોયું. આપણે આ ભારતને બચાવવાનું છે. ભલે તે હિંદુ હોય, મુસ્લિમ હોય, સિખ હોય અથવા ખ્રિસ્તી હોય, તમામ ભારતીયો છે.’ આ ઉપરાંત તેમણે EVM મામલે નિશાન સાધતા કર્યું કે, ‘આ લોકો મશીન ચોર છે. મહેરબાની કરીને મશીન પર નજર રાખજો કે, તમારો વોટ ક્યાં જઈ રહ્યો છે અથવા કોઈ અન્યનો વોટ જઈ રહ્યો છે.’