'માં ગંગાની સામે અહંકારથી નહીં, શીશ ઝુકાવીને આવ્યો છું', મોદીના ગઢ કાશીમાં રાહુલ ગાંધીનો હુંકાર
ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થઈ હતી જેનો આજે 35મો દિવસ છે
Rahul Gandhi Bharat Jodo Nyaya Yatra Varanasi : રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા વડાપ્રધાન મોદીના મતવિસ્તાર વારાણસીમાં પહોંચી હતી. અહીં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક જનસભાને સંબોધી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કરતા કર્યા હતા.
'માં ગંગાની સામે અહંકારથી નહીં, શીશ ઝુકાવીને આવ્યો છું.' રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે જેનો આજે 35મો દિવસ છે. આ યાત્રા મણિપુરથી શરુ થઈને આસામ, પશ્ચિમ બંગાળ, ઝાંરખંડ, છત્તીસગઢ તેમજ બિહાર થઈને ઉત્તર પ્રદેશમાં મોદીના મતવિસ્તાર કાશીમાં પહોંચી ગઈ હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ સંબોધન કર્યું હતું જેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 'દેશને એક કરવો એ જ આ દેશની દેશભક્તિ છે. હું તમને દેશની શક્તિ વિશે જણાવવા માંગુ છું. હું માં ગંગાની સામે અહંકારથી નહીં, શીશ ઝુકાવીને આવ્યો છું.'
દેશમાં બેરોજગારી વધી રહી છે, પરંતુ વડાપ્રધાન મોદીને આ દેખાતું નથી : રાહુલ ગાંધી
આ ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું કે 'અમે 4000 કિલોમીટરની ભારત જોડો યાત્રા કરી હતી. આ યાત્રા દરમિયાન ખેડૂતો, મજૂરો, મહિલાઓ અને વેપારીઓ મને મળ્યા હતા અને તેમની દુર્દશા વ્યક્ત કરી હતી.' કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે 'હું બીજેપી અને આરએસએસના લોકોને પણ મળ્યો, પરંતુ આખી યાત્રા દરમિયાન મને ક્યાંય નફરત દેખાઈ નહીં.' રાહુલ ગાંધીએ બરોજગારીના મુદ્દે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે 'દેશમાં બેરોજગારી ઝડપથી વધી રહી છે, પરંતુ વડાપ્રધાન મોદીને આ દેખાતું નથી.'
આ યાત્રા મણિપુરથી શરૂ થઈ હતી
ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થઈ હતી અને 67 દિવસમાં 6,713 કિલોમીટરનું અંતર કાપશે. આ સમય દરમિયાન, તે 15 રાજ્યોના 110 જિલ્લામાંથી પસાર થશે અને 20 માર્ચે મુંબઈમાં સમાપ્ત થશે. આ યાત્રા એવા સમયે યોજાઈ રહી છે જ્યારે એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે.