સ્કૂલ, કોલેજ, ઈન્ટરનેટ બંધ... યુપી, બિહાર, રાજસ્થાન સહિત અનેક રાજ્યો દલિત સંગઠનોએ માથે લીધા

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
સ્કૂલ, કોલેજ, ઈન્ટરનેટ બંધ... યુપી, બિહાર, રાજસ્થાન સહિત અનેક રાજ્યો દલિત સંગઠનોએ માથે લીધા 1 - image


Bharat Bandh Impact : સુપ્રીમ કોર્ટે SC અને ST કેટેગરીના અનામતમાં ક્રિમી લેયરની જોગવાઈ કરવાનો ચુકાદો આપ્યા બાદ દેશભરમાં દલિત અને આદિવાસી સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ સંગઠનોએ આજે 21 ઓગસ્ટે ભારત બંધની જાહેરાત કર્યા બાદ તેની સામાન્ય અસર જોવા મળી છે. સંગઠનો દ્વારા ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ સહિત અનેક રાજ્યોમાં વિરોધ કરવામાં આવ્યો છે, જોકે આ રાજ્યોની તેની આંશિક અસર જોવા મળી છે. 

બિહારના કેટલાક જિલ્લાઓમાં ભારત બંધની વધુ અસર

ભારત બંધની સૌથી વધુ અસર બિહારમાં દરભંગા, નવાદા, જહાનાબાદ સહિત કેટલાક જિલ્લાઓમાં જોવા મળી છે. અહીં દેખાવકારોએ ઘણા સ્થળો પર દુકાનો બંધ કરાવી છે અને અનામત મુદ્દે સૂત્રોચ્ચાર પણ કર્યા છે. આ ઉપરાંત બસ્તીમાં પણ દેખાવો કરાયા હતા. જ્યારે પટણામાં કાર્યકરોનો વિરોધ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જ્યારે યુપીના વારાણસીમાં આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિ (એબીએસએસ) દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલ દરમિયાન બસપાના કાર્યકરો વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સ્કૂલ, કોલેજ, ઈન્ટરનેટ બંધ... યુપી, બિહાર, રાજસ્થાન સહિત અનેક રાજ્યો દલિત સંગઠનોએ માથે લીધા 2 - image

ઝારખંડમાં બસો-શાળાઓ બંધ

ઝારખંડનાં કેટલાક શહેરોમાં બંધની અસર જ્યારે મોટા શહેરોમાં ઓછી અસર જોવા મળી છે. બંધના કારણે રાજ્યમાં જાહેર પરિવહનની બસો થંભી ગઈ છે, જ્યારે શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી હેમંત સોરેને પણ હડતાળના કારણે પલામૂની મુલાકાત રદ કરી દીધી છે.

આ પક્ષોનું ભારત બંધને સમર્થન

કોંગ્રેસ, આરજેડી, ડાબેરી પક્ષો અને સમાજવાદી પાર્ટી જેવા વિપક્ષી પક્ષોએ પણ દલિત અને આદિવાસી સંગઠનો દ્વારા જાહેર કરાયેલા ભારત બંધને સમર્થન આપ્યું છે. જ્યારે એનડીએના સાથી પક્ષ LJPએ પણ બંધને સમર્થન આપ્યું છે. આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી, આઝાદ સમાજ પાર્ટી જેવા દલિત વિચારધાર ધરાવતા પક્ષો પણ બંધના સમર્થનમાં જોડાયા છે. 

સ્કૂલ, કોલેજ, ઈન્ટરનેટ બંધ... યુપી, બિહાર, રાજસ્થાન સહિત અનેક રાજ્યો દલિત સંગઠનોએ માથે લીધા 3 - image

ટ્રેન અટકાવાઈ, રસ્તાઓ ભાષણ, ટ્રાફિકને અસર

બિહારમાં ભારત બંધની વ્યાપક અસર જોવા મળી છે, જેના કારણે ટ્રાફિકને અસર થઈ છે. સમર્થકોએ અનેક રસ્તાઓ પર અને હાઈવે પર ટાયર સળગાવીને રસ્તા જામ કરી દીધા છે. જ્યારે કેટલાક સ્થળો પર રસ્તા પર જ ધરણાના કાર્યક્રમો અને ભાષણો કરવામાં આવી રહ્યા છે. મોતીહારી અને બક્સરમાં ટ્રેન અટકાવવાની સાથે માર્કેટ પણ બંધ જોવા મળ્યા છે. સુરક્ષાને ધ્યાને રાખી કેટલીક શાળાઓ પણ બંધ રખાઈ છે.

ભાજપ શાસિત ઓડિશામાં પણ અસર, સુરક્ષા વધારાઈ

ભાજપ શાસિત ઓડિશા રાજ્યમાં પણ બંધની આંશિક અસર જોવા મળી છે. બંધના કારણે રેલવે વ્યવહાર તેમજ ટ્રાફિકમાં સામાન્ય અસર અડચણો ઉભી થઈ છે. રાજ્યમાં સચિવાલય, મુખ્ય વિભાગોની બિલ્ડિંગો અને અન્ય મહત્વના સ્થળો પર સુરક્ષા વધારી દેવાઈ છે. દેખાવકારોએ ભુવનેશ્વર અને સંબલપુરમાં ટ્રેન અટકાવી દીધી હી, જેના કારણે લોકોએ બસમાં જવાની નોબત આવી છે.

સ્કૂલ, કોલેજ, ઈન્ટરનેટ બંધ... યુપી, બિહાર, રાજસ્થાન સહિત અનેક રાજ્યો દલિત સંગઠનોએ માથે લીધા 4 - image

રાજસ્થાનમાં 16 જિલ્લામાં શાળાઓ બંધ

રાજસ્થાનના ભરતપુર, જયપુર જેવા જિલ્લાઓમાં બંધની ઘણી અસર જોવા મળી છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ રાખવા પડ્યા છે. આ ઉપરાંત 16 જિલ્લામાં શાળાઓ બંધ કરવામાં આવી છે અને વહિવટીતંત્ર એલર્ટ પર છે. તંત્રને આશંકા છે કે, કેટલાક તત્વો બંધના નામે હિંસા ભડકાવી શકે છે. કેટલીક યુનિવર્સિટીઓ અને શાળાઓમાં પરીક્ષાઓ પણ સ્થગિત કરી દેવાઈ છે. કોટામાં કોચિંગ સેન્ટરો બંધ કરવાનો આદેશ અપાયો છે.


Google NewsGoogle News