ભગવંત માને જેલમાં કરી કેજરીવાલ સાથે મુલાકાત, કહ્યું- આંસુ આવી ગયા, તેમને નથી મળી રહી સુવિધાઓ
Arvind Kejriwal Meet Bhagwant Mann: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તિહાર જેલમાં બંધ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની મુલાકાત કરી હતી. ભગવંત માને કહ્યું કે, 'આ મુલાકાત દરમિયાન કેજરીવાલ સાથે મને ફોન પર વાત કરાવવામાં આવી હતી. 'મેં તેમને પૂછ્યું કે તમે કેમ છો? તો તેણે કહ્યું કે, મારી ચિંતા ન કરશો અને પંજાબની શું હાલત છે તે કહો? મેં તેમને કહ્યું કે પંજાબમાં બરોબર છે. તેમણે કહ્યું કે, કેજરીવાલને જેલમાં સુવિધાઓ નથી મળી રહી. કેજરીવાલને એક અપરાધીની સુવિધા પણ નથી મળી રહી.
મુલાકાત દરમિયાન વચ્ચે કાચની દિવાલ લગાવવામાં આવી
તિહારમાં જેલમાં બંધ કેજરીવાલને મળ્યા બાદ પંજાબના સીએમ ભગવંત માને કહ્યું, 'અરવિંદ કેજરીવાલ સાથે એવું વર્તન કરવામાં આવી રહ્યું છે, કે જાણે તેમણે કોઈ જધન્ય ગૂનો કર્યો હોય. આ મુલાકાત દરમિયાન વચ્ચે કાચની દિવાલ લગાવવામાં આવી હતી.
અરવિંદ કેજરીવાલ પ્રમાણિક અને ઈમાનદાર વ્યક્તિ છે: ભગવંત માન
ભગવંત માને કહ્યું કે, તિહાડ જેલમાં સીએમ કેજરીવાલ સાથે મને કોઈ આતંકવાદી હોય તેવી રીતે મળવા દેવામાં આવ્યાં. આ તો તાનાશાહીની હદ થઈ. મીડિયા સાથે વાત કરતાં ભગવંત માને કહ્યું કે, કેજરીવાલ સાથે લગભગ અડધો કલાક સુધી મુલાકાત ચાલી હતી. આ દરમિયાન મારું હૃદય ખૂબ ભારે થઈ ગયું હતું અને ઘણી મુશ્કેલથી મારી જાતને સંભાળી હતી. જે હાર્ડ કોર ગુનેગારો હોય તેવા પ્રકારની સુવિધા પણ અરવિંદ કેજરીવાલને મળતી નથી. જે કાચની દિવાલ પરથી વાત કરાવવામાં આવી તે કાચ પણ ખૂબ જ ગંદો હતો. તેમનો ચહેરો પણ બરોબર દેખાતો ન હતો. અરવિંદ કેજરીવાલ પ્રમાણિક અને ઈમાનદાર વ્યક્તિ છે અને તેમની સાથે આવું વર્તન કરવામાં આવી રહ્યું છે.
અરવિંદ કેજરીવાલનો વાંક શું છે? : ભગવંત માન
ભગવંત માને કહ્યું, 'અરવિંદ કેજરીવાલનો વાંક શું છે? તેઓએ હોસ્પિટલો બનાવી, મોહલ્લામાં ક્લિનિક્સ બનાવ્યાં, શાળાઓ બનાવી... શું આ તેમની ભૂલ છે? તમે તેમની સાથે એ પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે, જાણે તમે દેશના કોઈ મોટા આતંકવાદીને પકડ્યા હોય. દિલ્હીના મુખ્યમંત્રીએ મને INDIA બ્લોકના ઉમેદવારો માટે પક્ષના પ્રચાર માટે અલગ-અલગ સ્થળોએ જવા કહ્યું છે.