અઘોર તથા તંત્રશાસ્ત્રના શ્રીરામ! અઘોરી બાબા કીનારામના જીવનનો રસપ્રદ કિસ્સો
ભારતના અત્યંત પ્રાચીન અને પ્રભાવશાળી એવા મંત્ર તેમજ તંત્રશાસ્ત્રનાં એક પ્રમુખ ગ્રંથ - મંત્રમહાર્ણવ (લેખકઃ રામકુમાર રાય)નું થોડા દિવસો પહેલાં હું અધ્યયન કરી રહ્યો હતો, એ વેળા શ્રીરામના અનન્ય તાંત્રિક સ્વરૃપ અંગે રોચક વિગતો પ્રાપ્ત થઈ. પાછલાં વર્ષોમાં મેં કરેલી તંત્રસાધનાઓમાં શ્રીરામના તાંત્રિક મંત્રની સાધનાનો પણ સમાવેશ થાય છે. અનુભવના આધારે ખાતરીપૂર્વક એટલું કહી શકું કે એ સાધના અત્યંત શક્તિશાળી પુરવાર થઈ હતી.
મહાન જાંબવન દ્વારા હનુમાનજીને ભગવાન રામનો એક તાંત્રિક મંત્ર આપવામાં આવ્યો હતો : (સંસ્કૃત : हुं जानकी वल्लभाय स्वाहा- ગુજરાતી : 'હું જાનકીવલ્લભાય સ્વાહા'). મંત્રમહોદધિ, મંત્રમહાર્ણવ અને રુદ્રયામલ તંત્ર સહિત અનેક શાસ્ત્રો એ વાતની પુષ્ટિ કરે છે કે આ મંત્રનો પ્રભાવ એટલો વધારે છે કે શત્રુઓના ક્ષેત્રમાં પ્રવેશ કરતાં પહેલાં આકરી તપસ્યા થકી જાગૃત કરવામાં આવેલા આ મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે તો અકલ્પનીય પરિણામો પ્રાપ્ત થઈ શકે. જાંબવન દ્વારા હનુમાનજીને સૂચના આપવામાં આવી હતી કે શત્રુક્ષેત્રમાં જતાં પહેલાં આ મંત્રનું સાત વખત ઉચ્ચારણ થવું જોઈએ.
યુવાનોમાં એક વ્યાપક ભ્રમણા એ છે કે તાંત્રિક મંત્રોનું અમુકતમુક વખત ઉચ્ચારણ કરવાથી તે જાગૃત થઈ જાય છે! વાસ્તવિકતા એ છે કે જ્યાં સુધી તંત્રશાસ્ત્રમાં અપાયેલાં વિધિ-વિધાનો મુજબ તેને સક્રિય અર્થાત્ જાગૃત ન કરવામાં આવે, ત્યાં સુધી મંત્રની ઊર્જાનો ખાસ કંઈ ઉપયોગ કરી શકાતો નથી. 'શારદાતિલક' ગ્રંથ અનુસાર, કોઈ પણ મંત્રને જાગૃત કરવા માટે તેમાં જેટલાં વર્ણ (સામાન્ય ભાષામાં - શબ્દ) હોય, એટલા જાપ થવા જરૃરી છે. સાથોસાથ, દશાંશ હોમ અને બ્રહ્મભોજ તો ખરાં જ! મંત્રને જાગૃત કરવા માટે વસ્તુતઃ ૩૬ પ્રકારના વિધિ-વિધાનો અથવા પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે; જેમાં આત્મશુદ્ધિકરણ, પવિત્રીકરણથી શરૃ કરીને મહાગણપતિ આહ્વાન, સ્વસ્તિવાચન, પૃથ્વીપૂજા, ન્યાસ, મુદ્રા, વિનિયોગ, મૂળ મંત્રજપ, તર્પણ, માર્જન, યજ્ઞા સહિતના પાસાંનો સમાવેશ થાય છે.
જાંબવન દ્વારા હનુમાનજીને અપાયેલાં મંત્રમાં કુલ દસ વર્ણ છે. આથી, એ મંત્રને 'રામ દશાક્ષરમંત્રપ્રયોગ' તરીકે પણ ઓળખવામાં આવે છે. દસ અક્ષરનો મંત્ર હોવાને કારણે એને સંપૂર્ણપણે જાગૃત કરવા માટે દસ લાખ મંત્રોનું મહાપુરુશ્ચરણ કરવું અત્યાવશ્યક છે; પરંતુ એનો અર્થ એમ નથી કે ૩૧ કે ૫૧ હજાર મંત્રજપનું અનુષ્ઠાન કરનાર સાધક માટે એ મંત્ર વ્યર્થ જશે! સાધકના મુખમાંથી ઉચ્ચારાતો પ્રત્યેક મંત્ર પોતાની સાથે અવિશ્ચસનીય ઊર્જા લઈને પ્રગટ થાય છે. આથી, લઘુપુરુશ્ચરણ (ઓછી સંખ્યામાં મંત્રજપ) કરવાથી પણ મંત્રનો પ્રભાવ અચૂકપણે જોવા મળે છે.
ઉપર જે મંત્ર અંગે વાત કરી, એમાં જે પ્રથમ વર્ણ 'હું' છે એ શિવસ્વરૃપ અર્થાત્ શૈવઊર્જાના દ્યોતક સમો બીજમંત્ર છે. 'જાનકીવલ્લભાય' અર્થાત્ માતા જાનકીના પતિ પરમેદ્ધરની શ્રીરામ અને 'સ્વાહા' એ શક્તિ (કે જેને કેટલાક સ્થાનો પર પાર્વતીસ્વરૃપ અર્થાત્ શાક્તઊર્જાનું દ્યોતક માનવામાં આવે છે એ)નું રૃપક છે. તમામ તાંત્રિક સાધનાઓ અંગે એક બાબત ખાસ સમજવા જેવી એ છે કે મોટાભાગના તાંત્રિક મંત્રોમાં સંગિનીશક્તિની ઊર્જાને જાગૃત કરવાની જરૃરિયાત ઊભી થાય છે. શ્રીરામની જેમ જ જો એક સાધકે શ્રીકૃષ્ણની પણ તાંત્રિક સાધના કરવી હોય, તો સર્વપ્રથમ એમની સંગિનીશક્તિ અર્થાત્ત્ દેવી રાધાની ઊર્જાને જાગૃત કરવી પડે છે. વૃંદાવનથી માંડીને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં આજે પણ શ્રીકૃષ્ણના તંત્રસ્વરૃપને પૂજનારા સાધકોની સંખ્યા ઓછી નથી. વર્ષ ૨૦૨૨માં ચમૌલી ખાતે જેમણે અંતિમ દ્ધાસ લીધા એવા ભારતના તંત્રસમ્રાટ નાગાબાબાએ પણ વૃંદાવનમાં શ્રીકૃષ્ણની તાંત્રિક સાધના કરી હોવાનું વર્ણન મળી આવે છે.
એમ માનવું ભૂલભરેલું ગણાશે કે ભગવાન રામને માત્ર તાંત્રિકો જ પૂજે છે! અઘોરપંથ અને અઘોરીસમુદાય પણ શ્રીરામની ગૂઢાતિગૂઢ અઘોરસાધ ના થકી સમય સમયાંતરે એમને સિદ્ધ કરવાના પ્રયત્નો કરતાં રહે છે. આજથી ચારસો વર્ષ પહેલાં, સોળમી સદીમાં થઈ ગયેલાં મહાન અઘોરી બાબા કીનારામ પણ પ્રખર રામભક્ત હતા. એમણે તો પોતાના જીવનમાં અઘોરીઓની કુળદેવી માતા સર્વેદ્ધરી, ભગવાન અઘોરેદ્ધર શિવ અને વૈષ્ણવપંથના આરાધ્ય એવા શ્રીરામ એમ ત્રણેયની ઉપાસનાઓ કરી હતી. અઘોરી બાબા કીનારામના જીવનનો એક રસપ્રદ કિસ્સો અહીં યાદ આવી રહ્યો છે, જે મેં લગભગ એકાદ વર્ષ પહેલાં વારાણસીના અઘોરસંસ્થાન - ક્રીં કુંડ, અઘોરપીઠ - દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી પુસ્તિકામાં વાંચ્યો હતો. સંતાનવિહોણી એક સ્ત્રી વારાણસીના ઘણાં બધાં તો-મહંતોસિદ્ધોના દ્વારે જઈને એમની પાસે સંતાનપ્રાપ્તિની માંગણી કરી રહી હતી. એક દિવસ એ સ્ત્રી મહાન રામભક્ત ગોસ્વામી તુલસીદાસ પાસે પહોંચી. એમણે તુલસીદાસજી સમક્ષ સંતાનપ્રાપ્તિનું વરદાન આપવા માટે આજીજી કરી.
તુલસીદાસજીએ રામશલાખા (ભવિષ્યકથન માટેની એક એવી પદ્ધતિ, જેમાં સાધક ભગવાન રામને પ્રશ્નો પૂછી શકે છે એ)માં જોયું અને પોતાના ઈષ્ટ શ્રીરામનું સ્મરણ કરીને કેટલાક પ્રશ્નો પૂછયા. એમણે નિરાશા સાથે પેલી સ્ત્રીને એટલું જ જણાવ્યું કે તેના ભાગ્યમાં સંતાનસુખ લખાયેલું નથી.
એ સ્ત્રી હતાશ વદન સાથે ત્યાંથી બહાર તો નીકળી ગઈ, પરંતુ તેણે હિંમત ન હારી. અઘોરી બાબા કીનારામ વિશે તેણે ઘણું સાંભળ્યું હતું. આથી, તે સીધી એમના દ્વારે પહોંચી અને જે માંગણી તેણે તુલસીદાસજી સમક્ષ કરી હતી, એ જ માંગ એણે બાબા કીનારામ સમક્ષ પણ મૂકી. બાબા કીનારામે પોતાની ધૂણી (જેને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં 'ધૂના' તરીકે પણ ઓળખવામાં આવે છે એ)માંથી ચપટી ભસ્મ લીધી અને સ્ત્રીને આપી. પાણીમાં ભેળવીને તેનું સેવન કરવાની સલાહ બાબા કીનારામ પાસેથી એ સ્ત્રીને મળી. બાબાએ આશીર્વાદ આપતાં કહ્યું કે, 'જા, તારા ઘરે સંતાનનો જન્મ થશે.' અત્યંત ઉત્સાહ અને આંખમાં હરખના અશ્રુ સાથે એ સ્ત્રી ઘરે આવી અને બાબા કીનારામના સૂચન મુજબ અભિમંત્રિત ભસ્મનો પ્રયોગ કર્યો. બરાબર નવ મહિના પછી તેના ઘરે પુત્રનો જન્મ થયો. થોડા વર્ષો પછી પોતાની સાથે ત્રણ સંતાનોને લઈને એ સ્ત્રી ગોસ્વામી તુલસીદાસજીના દર્શનાર્થે ગઈ. તેની મહેચ્છા હતી કે ત્રણેય સંતાનોને તુલસીદાસજીના આશિષ પ્રાપ્ત થાય. એ સ્ત્રીને જોયા પશ્ચાત્ ગોસ્વામી તુલસીદાસજીને તરત રામશલાખાએ કરેલું ભવિષ્યકથન યાદ આવી ગયું, જેમાં સ્પષ્ટપણે સંતાનયોગ ન હોવાની વાત જણાવવામાં આવી હતી. તુલસીદાસજીને ભારે આશ્ચર્ય થયું.
પેલી સ્ત્રી અને એમના સંતાનોને આશીર્વાદ આપ્યા પછી તેઓ પોતાના પૂજાકક્ષમાં બેઠા અને ભગવાન રામને આર્તનાદે આહ્વાન આપ્યું. તુલસીદાસજીની ભક્તિમાં એ ક્ષમતા હતી કે સ્વયં શ્રીરામે પણ સદેહે એમની સમક્ષ ઉપસ્થિત થવું પડતું. ભગવાનનું પ્રાગટ્ય થતાંની સાથે જ તુલસીદાસજીએ એમને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતાં પૂછયું કે, 'હે દશરથનંદન, આપે જ મને એ સ્ત્રીના ભાગ્યનો ચિતાર આપ્યો હતો. તેના નસીબમાં સંતાનસુખ ન હોવાની વાત આપે જ મને જણાવી હતી. આમ છતાં, આ કઈ રીતે શક્ય બન્યું? મારા વેણની મને કોઈ ચિંતા નથી, પરંતુ મારી રામભક્તિ ઉપર આંગળી ચીંધવામાં આવે એ મને સ્વીકાર્ય નથી, હે ભક્તવત્સલ. જો આપનું કથન આ રીતે મિથ્યા સાબિત થવા માંડયું, તો ભક્તોનો વિદ્ધાસ હલબલી જશે.'
ભગવાન રામે અત્યંત સહજ અને સૌમ્ય સ્મિત આપતાં આ સમગ્ર ઘટના પર પ્રકાશ પાડયો, 'હે તુલસીદાસ, જ્યાં મારા એક ભક્તે રામશલાખામાં જોઈને એ સ્ત્રીનું ભવિષ્ય ભાખ્યું... ત્યાં બીજા ભક્તે પોતાના તપોબળ અને ભક્તિરૃપ ભસ્મ એના હાથમાં મૂકીને મને વચનમાં બાંધી દીધો. આપે મને પૃચ્છા કરી અને કીનારામે તો સીધું સંતાનપ્રાપ્તિનું વચન જ આપી દીધું. જો હું એમના વચનનું માન ન રાખું, તો અનર્થ થઈ જાય! હવે આપ જ જણાવો, હું શી રીતે એ સ્ત્રીને સંતાનરૃપી વરદાન આપ્યા વિના રહી શકું?' આ છે રામ-નામનો મહિમા, જેને ભારતવર્ષના મહાનતમ અઘોરીમાંના એક એવા બાબા કીનારામે પણ પામ્યો હતો!