ભગવાન રામ : ભારતના ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય ચક્રના ચાલક બળ
હજુ થોડા જ વર્ષો પહેલા ગામમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને મળે તે સાથે જ 'એય ..રામ રામ' કહીને ઉષ્માભર્યો આવકાર આપતી. રામ તમારા અને મારા સૌમાં વસે છે તેની તે સહજ સ્વીકૃતિ હતી.
Ram Mandir Ayodhya : અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો ઐતિહાસિક અવસર હોઈ સમગ્ર ભારત રામમય બની ગયું છે. ઘેર ઘેર ઉત્સવ અને ઉલ્લાસનો માહોલ છે. જાહેર માર્ગો, શેરી અને ફળિયા તોરણો તેમજ રામ ભગવાનના કટ આઉટથી સજાવવામાં આવ્યા છે. અમુક અંતરે મંડપ કે શામિયાણામાં રામ ભગવાનની મૂર્તિ જાહેર દર્શન માટે મુકાઈ છે. નાનકડી દેરી હોય કે ગામના ચોરાનું મંદિર બધે જ જાણે રામ ભગવાન સાચે જ અયોધ્યામાં જન્મ લેવાના હોય તેવું ગજબનું વાતાવરણ છે. ઉર્જા અને આંદોલનો સમગ્ર ભારત મંડળમાં વ્યાપી ગયા છે. કચેરીઓમાં અડધા દિવસની રજા હોઈ અવસરનો ઉત્સાહ બેવડાયો છે.
રામને વસવું ગમે તેવું નગર
રામ ભગવાન જાણે ધાર્મિક સાથે સામાજિક અને સાંસ્કૃતિક ક્રાંતિના પ્રતિક હોય તેમ છેલ્લા કેટલાયે દિવસોથી સફાઈ કર્મચારીઓ જ નહીં પણ પ્રત્યેક રહીશો તેમના વિસ્તારને વધુ નિષ્ઠા સાથે નિયમિત સાફ સફાઈ સાથે સ્વચ્છ રાખે છે અને રંગોળી, આસોપાલવથી સજાવે છે એટલા માટે કે રામ મંદિર બનવાનું છે. નાગરિકો હોંશભેર એકબીજાને કહેતા સાંભળી શકાય છે કે 'અમારા વિસ્તાર અને ચોકમાં પણ રામના ફોટા, અસ્થાયી મૂર્તિથી ઉજવણી થવાની છે. રામને વસવાનું ગમે તેવી ભૂમિ બનાવાઈ છે.' પોળ, ફળિયા, શેરી અને સોસાયટીઓમાં અચાનક સંપનું વાતાવરણ સર્જાયું છે. ભાગ્યે જ જોવા મળે તેવા મિલનસાર વાતાવરણમાં કઈ રીતે રામ મહોત્સવની ઉજવણી કરાવી તેની મીટીંગનો દોર જામતા રહીશો અને પાડોશીઓ એકબીજાથી વધુ નજીક આવ્યા છે. નજીકના અન્ય લઘુમતી ધર્મના નાગરિકો પણ મતભેદ ભૂલી સહભાગી થઇ રહ્યા છે.
પ્રાણપ્રતિષ્ઠા પૂરતો જ બદલાવ
અયોધ્યા નગરી જાણે મોટાભાગના ભારતમાં ઉતરી આવી હોય તેવા આ ઉમળકાથી એક સુખદ સામાજિક બદલાવ આ રીતે જોઈ શકાય છે. આવી જ સ્વચ્છતા, સંઘભાવના, સમભાવ અને સમરસતા ભારત જેવા દેશમાં ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવાન શિવ અને ગણપતિ પ્રત્યેની શ્રદ્ધા અને તેમના તહેવાર અને ઉત્સવ વખતે જ શક્ય બને છે. પશ્ચિમના દેશોમાં કડક કાયદા, નિયમો અને નાગરિકોની શિસ્ત અને ઘડતરથી જે મેળવાય છે તે ભારતમાં ધર્મ અને ઇષ્ટ દેવ દેવીઓની ઉજવણી થકી સહજ અમલમાં આવી શકે છે. અલબત ઉત્સવ કે તહેવાર પૂરો થયા પછી નાગરિકો જે બગાડ, ઉપાડયા વિનાનો કચરો મુકીને તેમની ધાર્મિક ભાવના અને શિસ્ત, સંપ કામચલાઉ હતો તેની પ્રતીતિ કરાવે છે તે જોઇને દુખ થાય. નેતાઓ પણ હાથમાં સાવરણો લઈને મંદિર કે ચોકની સફાઈ કરે તે દંભ માત્ર જ લાગે. ખરેખર તો નાગરિકોમાં એવો ભાવ જાગવો જોઈએ કે ભગવાન રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પુરતી જ ભગવાનની હાજરી નથી હોતી પણ પ્રત્યેક ક્ષણમાં અને કણમાં રામ વસેલા છે. સુક્ષ્મ રીતે તે હાજરાહજૂર છે તેથી તેમને ગમે તેવી રીતે રહીએ અને વર્તન કરીએ. તેમને વસવું ગમે તેવી જ સ્વચ્છતા કાયમ રાખીએ.
આપણે ભગવાન જુએ છે તેવી શ્રદ્ધા સાથે કે પછી ભગવાનના ડરથી મોટા ગુના કરતા અટકી જતા હોઈએ છીએ પણ ભગવાન આપણું બેજવાબદાર અને ઉધ્ધત વર્તન, બીજાને હાની પહોંચાડતું જીવન કે સામી વ્યક્તિની લાગણી દુભાવતું વર્તન જાણે જોતા જ ન હોય તેવો આપણો વ્યવહાર હોય છે.
અલબત્ત આજે સમાજમાં જે પણ સંસ્કારી, ઉદાહરણીય અને પ્રેરણા સમાન નાગરિકો છે તેઓના કારણે દેશ આજે ટકી રહ્યો છે. આવા લોકો રામ અને રામ રાજ્યની કલ્પના પ્રમાણે જીવન જીવે છે અને આચરણ કરે છે. આપણે રામ રાજ્ય એટલે જાણે તે લાવવાની જવાબદારી માત્ર શાસકની હોવી જોઈએ તેવા ખ્યાલમાં રાચીને નાગરિક તરીકેની ફરજો કે ધર્મને સંપૂર્ણ નજરઅંદાજ કરીએ છીએ. વિદેશની સિસ્ટમની પ્રસંશા કરતા એ ન ભૂલવું જોઈએ કે આખરે તો આપણે તેઓના નાગરિકોને તે માટેનો જશ આપીએ છીએ. રામ રાજ્ય આખરે તો આપણે બનાવવાનું છે. ભગવાન રામને ગમે તે રીતે રહીશું એટલે આપો આપ રામ રાજ્ય આકાર પામશે.
ઓશોનું રામ દર્શન
ઓશોએ વિચાર પ્રેરક વાત કહી છે કે ભગવાન રામ તો આપણા સમાજ અને સંસ્કૃતિમાં છેલ્લા અમુક પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ હેઠળના વર્ષો બાદ કરો તો સહજ રીતે અભિન્ન અંગ સમાન રહ્યા હતા. ભારતના ગ્રામજનો કે નાના ગામના રહીશો તો સવારે એકબીજાને મળતા જ 'એય .. રામ રામ 'નો ટહુકો કરતા. અવાજમાં જ વાત્સ્તલ્યનો રણકો સાંભળી શકાતો. પરિચિત જ નહીં એમ જ કોઈ ગામના પાદરે પ્રવેશતી અજાણી વ્યક્તિનું પણ ધ્યાન ખેંચીને 'રામ રામ' કહીને તેને આત્મીય બનાવી દેવાતો હતો. બળદ ગાડા પર પસાર થનાર, ગાય ચરાવા જનાર કે શાકભાજી ખરીદતા જ મળે તેને 'રામ રામ'નો આવકાર તો મળે જ. કોઈ કથા કે તત્ત્વ જ્ઞાાનની જરૃર નહોતી. એક વ્યક્તિ બીજી વ્યક્તિને 'રામ રામ' કહીને બોલાવે તેનો અર્થ કે તમારું સંસારી નામ જે પણ હોય, તમારો પરિચય હોય કે ન હોય, તમે ચોર છો, લુંટારા છો, પાપી છો અમે કંઈ જાણતા નથી. અમે તો બસ એટલું જાણીએ છે કે તમારા હૃદયમાં પણ રામ વસે છે. અમારા અને આપણા સૌમાં રામ વસે છે.
યંત્રવત્ અંગ્રેજી આવકાર આવકાર
'રામ રામ' અને વિદાય 'જય શ્રી કૃષ્ણ' હોઈ શકે.આપણે રામ નામને ભૂલ્યા અને પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાયા. 'રામ રામ'નું સ્થાન હવે શહેરોમાં, ગામોમાં 'હાઈ', ગુડ મોર્નિંગ, ગુડ નાઈટ અને 'સી યુ' એ લીધું. તમે જુઓ આવકારની પદ્ધતિ પણ આપણા વર્તનમાં કેવું નકારાત્મક પરિણામ લાવી દે છે. આ આપણી પોતીકી સંસ્કૃતિ કે સભ્યતા જ નથી.હવે આપણો અંગ્રેજી આવકાર યંત્રવત અને લુખ્ખો થઇ ગયો. આપણા ચહેરા પરની તે નિર્દોષતા જ ચાલી ગઈ. 'એય ..રામ રામ' ક્યારેય અવાજમાં ઉર્જા અને ઉમળકા ઉમેર્યા વગર બોલી જ ન શકાય. હવે તો 'ગુડ મોર્નિંગ' પણ ભુલાતું જાય છે અને બે પાડોશી એક જ લીફ્ટમાં હોય તો ખાસ ભારપૂર્વક પ્રયત્ન કરે છે કે સામી વ્યક્તિ જોડે ભૂલથી આંખો ન મળી જાય. આપણને કોઈ જોડે પરિચય કેળવાય તે ડરાવે છે. પરિચિતો મળે ત્યારે એકબીજાથી આંખો ચોરવાની સંતાકુકડી રમાતી હોય છે. કોણ પહેલા બોલાવે તેનો અહંકાર પાર્ટી પ્લોટમાં સૌથી પહેલા સ્થાન લઇ લેતો હોય છે. 'એય.. રામ રામ' ગયું અને આપણી સામાજિક સીસ્ટમ અને સંસ્કૃતિ ખોરવાઈ ગઈ. રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના અવસર નિમિત્તે ફરી 'એક ભારત શ્રેષ્ઠ ભારત' અંતર્ગત 'રામ રામ' અને 'જય શ્રી કૃષ્ણ'ના મીઠા આવકાર અને અભિવાદનની અગાઉની દુનિયા પરત લાવીએ. જરા વિચારો, રામ ભગવાન કઈ હદે સદીઓથી આપણા સાથે વણાઈ ચુક્યા છે. વ્યક્તિનું મૃત્યુ થાય અને સ્મશાન સુધીની અંતિમ યાત્રામાં ડાઘુઓ 'રામ બોલો ભાઈ રામ' કે પછી 'રામ નામ સત્ય હૈ' બોલતા આગળ ધપે છે. 'શ્રી રામ જય રામ જય જય રામ'ની ધૂન પણ ખરી.
રામ નામે પથરા તરે
'રામ નામે પથરા તરે' કહેવત જ પુરવાર કરે છે કે રામનું નામ લેવાથી પથ્થર પણ તરી જતો હોય તો આપણે તો ભવસાગર તરી જ જઈએ. રામ નામનો જાપ મોક્ષની નગરીના દ્વાર ખોલી દે છે. અરે રામની જગ્યાએ ભાવ સાથે 'મરા મરા'નો મંત્ર બોલો તો પણ વાલિયા લુંટારામાંથી વાલ્મિકીની કક્ષાએ પહોંચી જવાય. બુદ્ધિજીવીઓ કહેશે હજુ થોડા જ વર્ષો પહેલા ગામમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને મળે તે સાથે જ 'એય ..રામ રામ' કહીને ઉષ્માભર્યો આવકાર આપતી. રામ તમારા અને મારા સૌમાં વસે છે તેની તે સહજ સ્વીકૃતિ હતી.
રામ નામના જપનું વિજ્ઞાન : દેવ-દેવીઓના મંત્ર મોક્ષ નગરીના દ્વાર ખોલી નાંખવા માટે પણ સક્ષમ; રામ માર્ગથી રાજ માર્ગ પણ પહોંચી જ શકાય છે ને રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે જે ઉત્સાહ, ઉમળકો, સંઘભાવના અને સ્વચ્છતાનું વાતાવરણ જોવા મળે છે તેવું કાયમ કેમ શક્ય નથી બનતું ?
- ભવેન કચ્છી