VIDEO : બિહારમાં સરકારી બાબુને ત્યાં નોટોનો ઢગલો પકડાયો, બંડલ ગણવા મશીન મંગાવવા પડ્યા
Raid on DEO in Bihar | બિહારના બેતિયા જિલ્લામાં ડીઈઓ એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારીને ત્યાં ચલણી નોટોનો ઢગલો પકડાયો છે. વિઝિલન્સની ટીમે ગુરુવારે દરોડા પાડ્યા તો તેમના ઘરેથી મોટાપાયે રોકડ પકડાઈ હતી. આ રકમ એટલી વધારે હતી કે આખો બેડ ભરાઈ ગયો હતો અને નોટોની ગણતરી કરવા માટે મશીન મંગાવવા પડ્યા હતા.
અનેક ઠેકાણે દરોડા
અધિકારીની ઓળખ રજનીકાંત પ્રવીણ તરીકે થઈ છે. તેમના ઘરે દરોડાની કાર્યવાહી કરવા ટીમ પહોંચી ત્યારે તેઓ પૂજા કરી રહ્યા હતા. વિઝિલન્સની ટીમે બેતિયામાં રજનીકાંત પ્રવીણના નિવાસ, સમસ્તીપુરમાં તેમના સાસરિયા અને દરભંગામાં પણ કેટલાક ઠેકાણે કાર્યવાહી હાથ ધરી હતી.
ભાડાના મકાનમાં રહેતા હતા અધિકારી
વિઝિલન્સની ટીમની તપાસમાં જાણવા મળ્યું કે કાળી કમાણી કરનાર આ ડીઈઓ ઑફિસર બેતિયાના વસંત વિહાર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા. વિઝિલન્સની ટીમે એ જ ઘરમાં દરોડાની કાર્યવાહી કરી હતી. 8 સભ્યોની ટીમે દરોડાની કાર્યવાહી કરી હતી.
ડીઈઓની પત્ની પણ ખેલાડી!
ડીઈઓ રજનીકાંત ઉપરાંત તેમની પત્ની સુષ્મા વિશે પણ આવી જ માહિતી મળી છે, જે દર્શાવે છે કે તે પણ એક ખેલાડી છે. પત્ની સુષ્મા તિરુટ એકેડેમી પ્લસ ટુ સ્કૂલમાં શિક્ષિકા છે. પરંતુ તેમણે ત્યાંથી શૈક્ષણિક રજા લીધી અને દરભંગામાં એક મોટી ખાનગી શાળા ચલાવે છે. વિઝિલન્સના સૂત્રોનું કહેવું છે કે રજનીકાંત અને તેમના પરિવાર પાસે પટના, દરભંગા, મધુબની અને મુઝફ્ફરપુરમાં મિલકતો હોવાની જાણ થઈ છે. આ કારણે, વિઝિલન્સ ટીમ ઘણા જિલ્લામાં દરોડા પાડી રહી છે.