ધોતી પહેરીને આવેલા ખેડૂતને મોલમાં પ્રવેશ નહોતો આપ્યો, હવે મોલ 7 દિવસ બંધ રાખવા આદેશ
GT World Mall Farmer Controversy : બેંગ્લોરના પ્રખ્યાત GT World Mallનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં ધોતી પહેરેલા ખેડૂતને મોલની અંદર પ્રવેશ નહોતો આપવામાં આવ્યો. આ ઘટના બાદ ભારે હોબાળો થયો હતો. ખેડૂત સંગઠનોએ ભારે વિરોધ કર્યો અને મોલ મેનેજર સામે કાર્યવાહી કરવાની માંગ કરતા અંતે કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે આ મામલે કડક કાર્યવાહી કરી છે.
શું છે સમગ્ર મામલો ?
આ ખેડૂત તેના પુત્ર સાથે ફિલ્મ જોવા માટે મોલમાં આવ્યો હતો. વૃદ્ધ ખેડૂતને તેના પોશાક-ધોતીને કારણે મોલમાં પ્રવેશવાની ના પાડી હતી. આ ઘટનાથી દુઃખી થયેલા ખેડૂત અને તેના પુત્ર નાગરાજને વીડિયોમાં સુરક્ષા કર્મચારીઓ અને મોલના મેનેજર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. વીડિયોમાં ખેડૂત અને તેના પુત્ર કહી રહ્યાં હતા કે કેવી રીતે તેમના કપડાના કારણે તેમને મોલમાં પ્રવેશ આપ્યો ન હોતો.
કર્ણાટક વિધાનસભા સત્રમાં આ મુદ્દો ઉઠતા કર્ણાટકના શહેરી વિકાસ મંત્રી બિર્થી સુરેશે મેનેજમેન્ટ સામે કડક કાર્યવાહીનું વચન આપ્યું હતું. એસેમ્બલીમાં બોલતા સુરેશે કહ્યું, "કાયદા મોલ પર પણ લાગુ થશે. સરકાર સાત દિવસ માટે મોલ બંધ કરી રહી છે. મેં બેંગ્લોર મ્યુનિસિપલ કોર્પોરેશન (BBMP) અધિકારીઓ સાથે વાત કરી છે અને આ ઘટનામાં કડક કાર્યવાહી કરતા મોલને સાત દિવસ બંધ કરવાનો આદેશ આપ્યો છે."
વધુ વાંચો : એકટ્રેસ જાહ્નવી કપૂરની તબીયત બગડતાં મુંબઇની હોસ્પિટલમાં દાખલ
ખેડૂત સંગઠનોનો વિરોધ :
આ ઘટનાથી નારાજ સ્થાનિક ખેડૂત સંગઠનોએ વિરોધ કર્યો હતો અને મોલ મેનેજમેન્ટને ખેડૂતની માફી માંગવાની માંગ કરી હતી. અભિનેત્રી અને મોડલ ગૌહર ખાને પણ ઈન્સ્ટાગ્રામ પર આ ઘટનાની કડક નિંદા કરતા લખ્યું કે, "આ એકદમ શરમજનક ઘટના છે. મોલ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આ ભારત છે અને આપણને આપણી સંસ્કૃતિ પર ગર્વ હોવો જોઈએ."
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ બેંગ્લોરમાં પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારે એક વ્યક્તિને તેના પોશાકના કારણે મેટ્રો સ્ટેશન પર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી. બાદમાં BMRCLએ આ ઘટનામાં સામેલ લોકોને સસ્પેન્ડ કર્યા હતા.