વધતી જતી વસ્તી અને કોંક્રિટનું જંગલ... 'ડૉલર' વરસાવતું બેંગલુરુ કેમ પાણી માટે તરસી રહ્યું છે?
ભારતનું આઈટી હબ અને સિલિકોન વેલી તરીકે ઓળખાતું બેંગલુરુ પાણી માટે તરસી રહ્યું છે
ગરમી વધવાથી પરિસ્થિતિ વધુ વણસી શકે તેવી લોકોને ભીતિ છે
Bengaluru water crisis: એક અંદાજ મુજબ કર્ણાટકના કુલ જીડીપીમાં બેંગલુરુનો હિસ્સો લગભગ અડધો છે. બેંગલુરુમાં લગભગ 25 હજાર આઈટી કંપનીઓ છે અને દર વર્ષે અહીં પાંચથી છ બિલિયન ડૉલર વિદેશી મૂડીરોકાણ આવે છે. આથી બેંગલુરુની સરખામણી અમેરિકાની સિલિકોન વેલી સાથે કરવામાં આવે છે. હાલ બેંગલુરુ શહેરમાં પાણીનું ભયંકર સંકટ છે. હાલ સ્થિતિ એવી છે કે ઘણી સોસાયટીઓમાં પીવાના પાણીના દુરુપયોગ માટે 5000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. આ બાબતની દેખરેખ માટે ખાસ ગાર્ડ પણ તૈનાત કરવામાં આવ્યા છે. કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે પણ જણાવ્યું હતું કે બેંગલુરુના તમામ વિસ્તારોમાં પાણીની સમસ્યા છે, આ સમસ્યાના પગલે તેમના ઘરનો બોરવેલ પણ સુકાઈ ગયો છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા બેંગલુરુમાં કોઈપણ ભોગે પાણી પહોંચાડવામાં આવશે.
બોરવેલ સુકાઈ રહ્યા છે!
સ્થાનિકો પાસેથી મળતી માહિતી અનુસાર બેંગલુરુમાં પાણીની સમસ્યા છેલ્લા 4-5 મહિનાથી વધી ગઈ છે. તેમજ પાણીની સમસ્યા માત્ર બેંગલુરુમાં જ નહીં પરંતુ કર્ણાટકના ઘણા ગામોમાં પાણીના સ્ત્રોતો ખતમ થવાથી સર્જાઈ છે. બેંગલુરુમાં ત્રણ હજારથી વધુ બોરવેલ છે. પરંતુ ભૂગર્ભજળના અભાવે બોરવેલ ધીમે ધીમે સુકાઈ રહ્યા છે. મહેસૂલ વિભાગના અહેવાલ મુજબ, તુમાકુરુ જિલ્લાના 746 ગામો અને ઉત્તર કન્નડ જિલ્લાના મોટાભાગના વોર્ડમાં બોરવેલ સુકાઈ રહ્યા છે. બેંગલુરુ શહેરી જિલ્લાના 174 ગામો અને 120 વોર્ડમાં પણ આવી જ સ્થિતિ છે. આ ઉપરાંત મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું કહેવું છે કે હાલ લોકો ગંભીર દુષ્કાળનો સામનો કરી રહ્યા હોવા છતાં પણ કેન્દ્ર સરકાર દ્વારા કર્ણાટકને કોઈ આર્થિક મદદ કરવામાં આવી રહી નથી.
આવી કટોકટીના કારણો
કાવેરી નદી પર બેંગલુરુ નિર્ભર છે. બેંગલુરુને દરરોજ 168 કરોડ લિટર પાણીની જરૂર પડે છે જયારે તેની જરૂરિયાત સામે બેંગલુરુને દરરોજ 145 કરોડ લિટર જ પાણી મળે છે. જયારે ઓછા વરસાદના કારણે કાવેરી નદીનું જળસ્તર ઘટી રહ્યું છે. જેથી પીવાના પાણી ની સાથે સાથે ખેતી માટે સિંચાઈના પાણીની પણ સમસ્યા વધી રહી છે.
આ ઉપરાંત બોરવેલ પણ સૂકાઈ જતા આ સમસ્યા વધુ ગંભીર બની રહી છે. તેમજ ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે આપેલી જાણકારી મુજબ બેંગલુરુ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી અને બેંગલુરુ વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડના 14,781 બોરવેલમાંથી 6,997 સંપૂર્ણપણે સુકાઈ ગયા છે.
વર્ષ 2011 સુધી બેંગલુરુની વસ્તી લગભગ 86 લાખ હતી, જે વધીને એક કરોડથી વધુ થઇ ગઈ છે. તેમજ વર્ષ 2025 સુધીમાં વસ્તી 1.25 કરોડને પાર થવાની ધારણા છે. એક સમયે 'ગાર્ડન સિટી' કહેવાતા બેંગલુરુમાં વસ્તી વધવાથી ત્યાં ઝડપથી ગામો અને કોલોનીઓ વિકસી રહી છે. જેના કારણે ત્યાનું વાતાવરણ પણ બદલાયું છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (IISc) અનુસાર, છેલ્લા ચાર દાયકામાં બેંગલુરુના જળાશયોમાં 79 ટકા અને ગ્રીન કવરમાં 88 ટકા ઘટાડો થયો છે. તેમજ તેની સામે કોંક્રીટ વિસ્તાર 11 ગણો વધી ગયો છે, જેના કારણે ભૂગર્ભજળ ઘટી રહ્યું છે. બેંગલુરુના શહેરી જિલ્લામાં 4,247 લોકોએ તળાવ અને તેની આસપાસના વિસ્તારોમાં કુલ 2,340 એકર જમીન પર અતિક્રમણ કર્યું છે. આ તળાવોને બસ સ્ટેશન, સ્ટેડિયમ અને રહેણાંક વિસ્તારમાં ફેરવવામાં આવ્યા છે.
આ સમસ્યાનો સામનો કરવાની તૈયારી શું છે?
કર્ણાટકની સરકારનું કહેવું છે કે કાવેરી નદી પરનો બંધ બેંગલુરુની પાણીની સમસ્યાનો ઉકેલ છે. પરંતુ હાલ તમિલનાડુ અને કર્ણાટક વચ્ચે કાવેરી નદીના પાણીને લઈને વિવાદ ચાલી રહ્યો છે, જેથી ડેમ બની શક્યો નથી. કર્ણાટક સરકારે પીવાના પાણીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે બજેટમાં 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી. જેથી બોરવેલને વધુ ઉંડા કરવા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત, પાણીની અછતને દૂર કરવા માટે, કાવેરી પ્રોજેક્ટના પાંચમા તબક્કાની પણ 2024-25ના બજેટમાં આ પ્રોજેક્ટ માટે 5500 કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે. જે આ વર્ષે મે સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. આ સાથે 110 ગામોના 12 લાખ લોકોને પીવાનું પાણી મળશે.