મારો પુત્ર મારા પૂર્વ પતિ જેવો લાગતો હતો, તેથી મેં હત્યા કરીઃ સૂચના સેઠની ચોંકાવનારી કબૂલાત

‘મેં પૂછ્યું બેગ આટલી ભારે કેમ છે...’, જુઓ સૂચના સેઠ સાથે 12 કલાક વિતાવનાર ડ્રાઈવરે શું કહ્યું

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
મારો પુત્ર મારા પૂર્વ પતિ જેવો લાગતો હતો, તેથી મેં હત્યા કરીઃ સૂચના સેઠની ચોંકાવનારી કબૂલાત 1 - image

Bengaluru CEO Suchana Seth Child Murder Case : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરનારી 39 વર્ષીય સૂચના સેઠે કરેલી ચાર વર્ષના પુત્રની હત્યાના કેસમાં એક પછી એક અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. આઠમી જાન્યુઆરીની રાત્રે પુત્રની હત્યા કર્યા બાદ તે ગોવાથી કેબમાં બેંગલુરુ જવા નીકળી હતી. કેબ ડ્રાઈવર રેજોન ડિસૂઝાએ હત્યારી સાથે 12 કલાકની મુસાફરીનું અંગે આખું વર્ણન કર્યું છે. કર્ણાટક પોલીસે 4 વર્ષના પુત્રની હત્યારી માતાને કર્ણાટકના ચિત્રદુર્ગ પાસેથી ધરપકડ કરી હતી. પોલીસે કારમાં પડેલી બેગમાંથી પુત્રના મૃતદેહને પણ કબજે કર્યો છે. બીજી તરફ, સૂચના સેઠે ચોંકાવનારી કબૂલાત કરી છે કે ‘મારો પુત્ર તેના પિતા જેવો દેખાતો હતો, તેથી મેં તેની હત્યા કરી. મારો પુત્ર મને મારા પૂર્વ પતિ અને તેની સાથે તૂટેલા સંબંધની યાદ અપાવતો હતો.’

‘રાત્રે અર્જન્ટ બેંગલુર જવા હોટલથી ફોન આવ્યો’

ડ્રાઈવર ડિસૂઝાએ કહ્યું કે, ‘મને આઠ અને નવમી જાન્યુઆરીની રાત્રે હોટલથી કૉલ આવ્યો હતો. મને કહ્યું કે, એક મુસાફરને અર્જન્ટ બેંગલુરુ ડ્રોપ કરવાના છે. વહેલી તકે કેબ મોકલવા કહ્યું હતું. રાત્રે લગભગ 12.30 કલાકનો ટાઈમ નક્કી કરાયો. આશરે 550 કિલોમીટરથી વધુની મુસાફરી હતી, જેમાં લગભગ 12 કલાકનો સમય લાગવાનો હતો.’ 

‘લાંબી મુસાફરી હોવાથી અમે બે ડ્રાઈવર ગયા હતા’

ડ્રાઈવરે કહ્યું કે ‘લાંબી મુસાફરી હોવાથી અમે બે ડ્રાઈવરો પહોંચ્યા હતા કારણ કે અર્જન્ટ બેંગલુરુ પહોંચવાનું હતું. અમે એવું હતું કે, રસ્તામાં વાહન રોકીશું, ઉંઘ પૂરી નહીં થાય એવું વિચારીને અમે બે ડ્રાઈવર કાર લઈને પહોંચ્યા હતા. રાત્રે લગભગ એક વાગે મેડમ (સૂચના સેઠ) કારમાં બેઠા અને તેમણે કહ્યું કે મારી બેગ લઈને આવો. મેં હૉટલના રિસેપ્શન પરથી કાળા રંગની બેગ ઉઠાવી.’

‘શું બેગમાં દારૂની બોટલ છે?’

‘હું બેગ લઈને આવ્યો, તો મને બેગ ભારે લાગી. મેં પૂછ્યું કે, બેગ આટલી ભારે કેમ છે? શું આમાં દારૂની બોટલો છે? તેમણે કહ્યું, હા... અમને તે સમયે શંકા થઈ ન હતી. અમને જાણ ન હતી કે, બેગની અંદર ચાર વર્ષના બાળકનો મૃતદેહ હશે. ત્યારબાદ ગાડીમાં બેગ રાખી હું પણ બેસી ગયો અને અમે બેંગલુરg જવા રવાના થયા. મહિલા મુસાફરી વખતે એકદમ ચૂપ હતી. ગાડી સ્ટાર્ટ કર્યા બાદ અમે ગાર્ડ સેક્શન પર પહોંચ્યા (ગોવા કર્ણાટક સરહદ), તો ત્યાં ખૂબ ટ્રાફિક હતો. ત્યાં પોલીસ પણ હતી. મેં પોલીસને પૂછ્યું હતું કે, સર અહીં કેટલો સમય લાગશે? પોલીસવાળાએ કહ્યું, ટ્રાફિક ખૂલવામાં ચારેક કલાકનો સમય થશે.’

‘મેડમે એરપોર્ટ પરત જવાનો ઈનકાર કર્યો’

મેં કેબમાં પરત આવી બે કલાક વધુ બોલી કહ્યું કે, મેડમ ટ્રાફિક જામ છે, પાંચ-છ કલાક લાગશે. તમે કહો તો યુ-ટર્ન લઈને એરપોર્ટ પર છોડી દઉં. તમે ઈચ્છો તો ફ્લાઈટ બુક કરાવી શકો છો. ત્યારે મેડમે કહ્યું, ના... જ્યારે ટ્રાફિક ખુલશે, ત્યારે જઈશું, કોઈ વાંધો નહીં. ત્યારે તેમની વાત સાંભળી મને વિચિત્ર લાગ્યું કારણ કે તેમને અર્જન્ટ બેંગલુરુ જવું હતું, બીજી તરફ ટ્રાફિક જામ થયા બાદ ‘નો પ્રોબલેમ’ કહ્યું.

‘ગોવા પોલીસનો ફોન આવ્યો, તો મેડમ સાથે વાત કરાવી’

બાદમાં અમે ડાયરેક્ટ બેંગલુરુ જવા રવાના થયા. કર્ણાટક સરહદ ક્રોસ કર્યા બાદ અચાનક ગોવા પોલીસનો કૉલ આવ્યો અને કહ્યું કે, તમે રાત્રે હોટલમાંથી એક મહિલાને લઈને ગયા છો, તેમની પાસે કોઈ બાળક છે? તો મેં કહ્યું, નથી... મેં પૂછ્યું કે શું થયું? તેમણે કહ્યું કે, તેમને હોટલમાંથી કૉલ આવ્યો હતો કે, હોટલના રૂમમાં લોહી મળ્યું છે. અમને શંકા છે કે, તેમની સાથે એક બાળક હતું, જે ગૂમ છે. મેં કહ્યું, મેડમ સાથે વાત કરી લો, મેડમે પોલીસ સાથે વાત કરી. બાદમાં પોલીસે કહ્યું, 15 મિનિટ આપો, ફરી કૉલ કરું છું. અમે આગળ ગયા, ત્યારે ફરી પોલીસનો કૉલ આવ્યો કે, મેડમે જે સરનામું આપ્યું છે તે ફેક છે. પછી અમને થયું કે, 100 ટકા કંઈક ગડબડ છે.

‘પોલીસે અમને સીધા જ પોલીસ મથકે જવા કહ્યું’

ગોવા પોલીસે કહ્યું કે, રસ્તામાં કોઈ પોલીસ મથક આવે તો વાહન ત્યાં જ અટકાવી દેજો અને અમને કૉલ કરો. અમે વાહન ચલાવતી વખતે ગૂગલ જોયું, તો નજીકમાં કોઈપણ પોલીસ મથક ન દેખાયું. જો મેં યૂ-ટર્ન લીધો હોત તો એલાર્મ વાગે. તેથી અમે તેમ ના કર્યું અને કાર આગળ જવા દીધી. પછી પોલીસ મથક શોધવાનું શરૂ કર્યું.

‘કર્ણાટકમાં સાઈન બોર્ડ લેન્ગ્વેજમાં મુશ્કેલી પડી’

‘કર્ણાટકમાં તમામ બોર્ડ ત્યાંની ભાષામાં હતાં, તેથી કંઈ સમજાયું નહીં. ત્યારબાદ મારી સાથે જે ડ્રાઈવર હતો, તેણે કહ્યું કે, હવે એક રેસ્ટોરન્ટ પાસે રોકું છું. તું એક કામ કર, વૉશ રૂમ જઈ ત્યાં જ ઊભો રહે. મેં જીપીએસથી નજીકનું પોલીસ મથક શોધવાનો પ્રયાસ કર્યો પણ ના મળ્યું. પછી મેં એક ગાર્ડને પૂછ્યું, તો તેણે કહ્યું કે, 500 મીટર આગળ મંગલા પોલીસ મથક છે. મેં પોલીસ મથકે પહોંચતા પહેલા જ પોલીસને કૉલ કર્યો અને કહ્યું કે, હું પહોંચી રહ્યો છું. ત્યારબાદ હું સીધો પોલીસ મથક ગયો અને ત્યારે મેડમે કહ્યું કે, અહીં કેમ લાવ્યા. મેં કહ્યું કે, મારા પર પોલીસના બહુ કૉલ આવતા હતા. તેમને તમારી સાથે વાત કરી છે.’

‘બાળકની લાશ મળ્યા બાદ પણ સૂચના સેઠ શાંત હતી’

‘મેં કારમાંથી ઉતરીને કર્ણાટક પોલીસને ફોન આપ્યો અને પોલીસે ગોવા પોલીસ સાથે વાત કરી. કારની તપાસ કરવામાં આવી, મેડમ સાથે વાત કરી, ગાડીમાં રાખેલી બેગને ખોલવામાં આવી ત્યારે તેમાં કપડાં નીચે છુપાવેલી બાળકની લાશ મળી. ત્યારે પણ મહિલા નોર્મલ હતી. કોઈ ગભરામણ ન હતી. આ દરમિયાન તેણે મૃતદેહ સાથે 12 કલાક સુધી મુસાફરી કરી અને એ વખતે પણ તે બિલકુલ શાંત હતી. તેણે કોઈ સાથે વાત પણ નહોતી કરી. તેને એકવાર માત્ર હોટલથી કૉલ આવ્યો હતો.’

આખરે હત્યાનો ભાંડાફોડ કેવી રીતે થયો?

ગોવા પોલીસના જણાવ્યા પ્રમાણે હોટલ સંચાલકે સોમવારે પોલીસને ફોન કરીને કહ્યું કે તેમના સ્ટાફે એક રૂમમાં લોહીના ડાઘા જોયા છે. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા જેમાં સૂચના સેઠ તેના પુત્ર સાથે આ હોટલ રૂમમાં આવતી દેખાઈ, પરંતુ ચેકઆઉટ વખતે તેની સાથે તેનો પુત્ર ન હતો. એ વખતે તેના હાથમાં એક મોટી બેગ હતી. આ ઉપરાંત તેણે હોટલ સ્ટાફને ગોવાથી બેંગલુરુ જવા એક ટેક્સી કરી આપવાનું કહ્યું હતું. ત્યારે હોટલમાં હાજર સ્ટાફે તેને કહ્યું હતું કે કેબનું ભાડું ખૂબ વધારે રહેશે. એટલે તમારે ફ્લાઈટમાં બેંગલુરુ જવું જોઈએ. આમ છતાં તેણે ટેક્સી કરવાની જીદ કરી હતી. આ બધું સાંભળીને પોલીસે શંકા ગઈ.

પોલીસના મતે હત્યાનું આગોતરું આયોજન કરાયું હતું

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ સૂચના સેઠે હત્યા કરતા પહેલા જ બાળકને કફ સિરપનો હાઈ ડોઝ આપ્યો હતો. બાદમાં બાળક ગાઢ નિદ્રામાં હતું ત્યારે જ તેણે ઓશીકા કે કપડાંથી મોં દબાવીને તેની હત્યા કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકના શરીર પર કોઈ પણ પ્રકારના ઘાનો ઉલ્લેખ નથી. આ કેસના તપાસ અધિકારીના મતે, આ બધી બાબતો જોતા સ્પષ્ટ થાય છે કે આ હત્યાનું આગોતરું આયોજન કરાયું હતું. પોસ્ટમોર્ટમ કરનારા ડૉક્ટરનું પણ કહેવું છે કે બાળકની હત્યા કોઈ હથિયાર વડે નથી કરાઈ, પરંતુ ઓશીકા કે કપડાંથી ગૂંગળાવીને કરાઈ છે. બાળકનું મૃત્યુ શ્વાસ રુંધાઈ જવાથી થયું હતું.

બાળકની હત્યા નહીં કર્યાનું સૂચના સેઠનું રટણ

સૂચના સેઠ હોટલના જે રૂમમાં રોકાઈ હતી ત્યાંથી પોલીસને બે કફ સિરપની બોટલ મળી છે. તે પૈકી એક બોટલ તેણે હોટલ સ્ટાફ સાથે મંગાવી હતી જ્યારે એક તેની પાસે પહેલેથી હોઈ શકે છે. હાલ તો સૂચના સેઠ રટણ કરી રહી છે કે, 'મેં મારા પુત્રની હત્યા નથી કરી.' જોકે પોલીસનું અનુમાન છે કે બાળક ગાઢ નિદ્રામાં જતો રહે એ માટે જ આ સિરપનો ઉપયોગ કરાયો હશે અને પછી તેની હત્યા કરાઈ હશે. પોલીસ પૂછપરછમાં પણ સૂચના સેઠે કહી રહી છે કે 'હું સૂઈ રહી હતી ત્યારે મારો પુત્ર મૃત હાલતમાં મળ્યો હતો.

પતિ વેંકટ રમણે આપી પોસ્ટમોર્ટમની પરમિશન

સૂચના શેઠના લગ્ન 2010માં થયા હતા. 2019માં તેણે એક પુત્રને જન્મ આપ્યો. આ દરમિયાન દંપતિ વચ્ચે વિખવાદ વધી ગયો અને 2020માં મામલો કોર્ટ પહોંચ્યો અને બંનેએ છુટાછેડા લીધા. કોર્ટે આદેશ આપ્યો હતો કે, બાળકના પિતા રવિવારે પુત્રને મળી શકે છે. આ વાતથી સૂચના સેઠ ગુસ્સે ભરાઈ હતી. હાલ તો આને જ બાળકની હત્યાનું કારણ માનવામાં આવે છે. સૂચના સેઠ મૂળ બંગાળની રહેવાસી છે અને બેંગલુરુમાં રહે છે. તેના પૂર્વ પતિ કેરળના છે, જે હાલ ઈન્ડોનેશિયામાં છે. ગોવા પોલીસ દ્વારા તેમને તાત્કાલિક ભારત બોલવવામાં આવ્યા હતા અને તેમણે જ બાળકના પોસ્ટમોર્ટમની પરમિશન આપી હતી. 

મૃતદેહ મૂકેલી બેગ લઈને ટેક્સીમાં બેઠી

જોકે હોટલ સ્ટાફે ટેક્સી બોલાવી લીધી હોવાથી સૂચના સેઠ તેનો સામાન લઈને બેંગલુરુ જતી રહી હતી. તેથી ગોવા પોલીસે ટેક્સી ડ્રાઈવરને ફોન કર્યો અને સૂચના સેઠને તેના પુત્ર વિશે જણાવવા કહ્યું. ત્યારે તેણે પોલીસને કહ્યું કે 'મારો પુત્ર ગોવામાં એક સંબંધીના ઘરે છે.' પોલીસે તે સરનામું લઈને ત્યાં પણ તપાસ કરી, પરંતુ તે ખોટું નીકળ્યું. આમ, પોલીસની શંકા વધુ ઘેરી બની અને તેમણે ડ્રાઈવરને નજીકના પોલીસ મથકે પહોંચી જવાનું કહ્યું. છેવટે ડ્રાઈવર ચિત્રદુર્ગ પોલીસ મથકે પહોંચી ગયો અને સૂચના સેઠનો ભાંડાફોડ થયો. હાલ તે ગોવા પોલીસની અટકાયતમાં છે.


Google NewsGoogle News