3 કોલેજોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ભાજપ નેતાના એકાઉન્ટથી ઈમેલ આવતા તંત્રમાં દોડધામ
Image Source: Twitter
Bomb Threats In Bengaluru colleges: બેંગલુરુની 3 એન્જિનિયરિંગ કોલેજોમાં બોમ્બ હોવાની ધમકી મળતા સનસની ફેલાઈ ગઈ છે. બીએમએસ કોલેજ ઓફ એન્જિનિયરિંગ (BMSCE), એમએસ રામૈયા ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી (MSRIT) અને બેંગલોર ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી (BIT)ને શુક્રવારે ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. આ ઈમેલ ભાજપ નેતાના એકાઉન્ટમાંથી આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ ધમકીભર્યો ઈમેલ મેસેજ મળ્યા બાદ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ધમકીની પુષ્ટિ કરવા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને વિશેષ ટીમોને તેહનાત કરવામાં આવી હતી. તેના સ્ત્રોતને શોધવા માટે હનુમંત નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. કોલેજ પ્રશાસને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સાવચેતીના પગલાં ઉઠાવ્યા છે. પોલીસ CCTV ફૂટેજની તપાસ કરી રહી છે અને પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી
સંબંધિત કોલેજોના પ્રિન્સિપાલોએ કહ્યું કે અમે અમારા વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષાને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ અને અધિકારીઓ સાથે સંપૂર્ણ સહયોગ કરીશું. પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અમે પોલીસ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. નાયબ પોલીસ કમિશનરે જણાવ્યું કે, તમામ જરૂરી તકેદારી લેવામાં આવી છે અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જો કે, કલાકો સુધી સર્ચ ઓપરેશન કર્યા બાદ અધિકારીઓએ કહ્યું કે અમને કોઈ વિસ્ફોટકો નથી મળ્યા. અધિકારીએ કહ્યું, 'તે નકલી ઈમેલ હતો, પરંતુ અમે તેને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. હનુમંત નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. અમે ઈમેલના સ્ત્રોતની તપાસ કરી રહ્યા છીએ.
ભાજપ નેતાના એકાઉન્ટમાંથી મોકલવામાં આવ્યા ઈમેલ
એક અહેવાલ પ્રમાણે ધમકીભર્યા ઈમેલ તમિલનાડુ યુનિટના ભાજપના નેતા એસ શેખરના એકાઉન્ટમાંથી મોકલવામાં આવ્યા હતા. શેખર લોકપ્રિય અભિનેતા અને પૂર્વ ધારાસભ્ય પણ છે. ઈમેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ષડયંત્રના ભાગરૂપે પસંદગીની કોલેજોમાં બોમ્બ મુકવામાં આવ્યા છે. તેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, આ ધમકીઓ ડીએમકે સાથે જોડાયેલા જાફર સાદિકના કેસ પરથી મીડિયાનું ધ્યાન હટાવવા માટે છે. તમિલનાડુના DGP શંકર જિવાલ પર આ ઓપરેશનને અંજામ આપવા માટે કોઈમ્બતુરમાં પાકિસ્તાની ISI સેલને સહયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. ઈમેલમાં કોલેજોને નિર્દેશ આપવામાં આવ્યો કે, તમે આ જોખમ અંગે શેખર અથવા તમિલનાડુમા IPS અધિકારી વી બાલાકૃષ્ણનની ભાગીદારીનો ઉલ્લેખ ન કરે.