VIDEO: ભાજપ સાંસદે જીતની ખુશીમાં દારૂ પાર્ટી આપતા ટોળું બેકાબુ, પોલીસે કહ્યું- અમારો વાંક નથી, આબકારી વિભાગની જવાબદારી
MP K. Sudhakar Serve Alcohol Party : બેંગલુરુના ચિક્કરબલ્લાપુર બેઠક પરના ભાજપ (BJP) સાંસદે જીતની ખુશીમાં દારુની પાર્ટી આપી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ ઉપરાંત જ્યાં દારુ વહેંચાઈ રહ્યો છે, ત્યાં પોલીસનું વાહન પણ જોવા મળી રહ્યું છે. આ મામલે એવી પણ માહિતી સામે આવી છે કે, સાંસદે જ પોલીસ વિભાગ પાસે દારુ વહેંચવાની મંજૂરી માંગી હોવાનો પત્ર લખ્યો હતો, ત્યારબાદ તેમને મંજૂરી મળી છે. તો બીજીતરફ વિવાદ વધ્યા બાદ પોલીસે પણ નિવેદન આપ્યું છે.
દારુ વહેંચાતો હોવાનો વીડિયો વાયરલ
મળતા અહેવાલો મુજબ લોકસભા ચૂંટણીમાં જીત થયા બાદ ચિક્કરબલ્લાપુર બેઠક પરના સાંસદ કે.સુધાકરને દારુની પાર્ટી રાખી હતી, તેનો વીડિયો સોશિયલ મીડિયા પણ વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, સાંસદની જીતની ખુશીમાં મફત દારૂ અપાઈ રહ્યો છે અને લોકોની લાઈન પણ લાગી છે.
અમને માત્ર વ્યવસ્થા સંભાળવા કહેવાયું હતું : પોલીસ
આ મામલે ફરિયાદ થયા બાદ પોલીસે પણ નિવેદન આપ્યું છે. પોલીસે કહ્યું છે કે, આમાં અમારો વાંક નથી, આ ઈન્કમટેક્સ વિભાગની જવાબદારી છે. બીજીતરફ એક સમાચાર એજન્સી દ્વારા પણ વીડિયો શેર કરાયો છે, જેમાં લખાયું છે કે, ‘લોકસભા ચૂંટમીમાં ભાજપ સાંસદ કે.સુધાકરની જીતની ખુશી ઉજવતા લોકો દારુ લેવા માટે લાઈનમાં લાગ્યા છે.’ જ્યારે આ મામલો વધ્યો તો પોલીસે કહ્યું કે, ‘પોલીસને માત્ર વ્યવસ્થા સંભાળવા માટે કહેવાયું હતું, કોણ દારુ પી રહ્યું છે, તે ઈન્કમટેક્સ વિભાગ જોશે.’
ઈન્કમટેક્સ વિભાગે મંજૂરી આપી : પોલીસ અધિક્ષક
આ મામલે વિવાદ વધ્યા બાદ બેંગુલુરુ ગ્રામીણના પોલીસ અધિક્ષક સી.કે.બાબાએ કહ્યું કે, ‘ઈન્કમટેક્સ વિભાગે જ દારૂ વહેંચવાની મંજૂરી આપી છે અને પોલીસને વ્યવસ્થા સંભાળવાનો નિર્દેશ આપ્યો છે.’
સુધાકરે પાર્ટી માટે પોલીસ વિભાગને લખ્યો હતો પત્ર
આ મામલે એવા અહેવાલો સામે આવ્યા છે કે, સુધાકરે દારુની પાર્ટી યોજવા માટે પોલીસ વિભાગને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે સુરક્ષાની માંગણી કરવાની સાથે લખ્યું હતું કે, પાર્ટીમાં દારુ વહેંચવામાં આવશે. સુધાકરનો એક પત્ર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં પોલીસ વિભાગને લખાયું છે કે, ‘સ્થળની વ્યવસ્થા સંભાળો અને અહીં દારુ વહેંચવામાં આવશે. બપોરે 12.30 કલાકે કાર્યક્રમ શરૂ થશે અને ભોજન તથા દારુની વ્યવસ્થા કરવામાં આવશે.’