પત્નીને મારા દેહથી દૂર રાખજો, માતા-પિતાને આપો પુત્રની કસ્ટડી... આપઘાત પહેલા અતુલ સુભાષે જણાવી હતી અંતિમ ઈચ્છા
Atul Subhash Last Wishes: બેંગલુરુમાં એન્જિનિયર અતુલ સુભાષના આપઘાતની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે. અતુલ સુભાષે 24 પાનાની પોતાની સુસાઈડ નોટમાં પત્ની અને સાસરીયાઓની સાથે-સાથે જૌનપુરની ફેમિલી કોર્ટના જજ પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે પોતાની પત્ની અને પુત્રને લઈને એક ભવિષ્યવાણી પણ કરી છે. આ ઉપરાંત અતુલે સુસાઈડ નોટમાં કેસની ટ્રાયલ અને પુત્રની કસ્ટડી સહિત પોતાની 12 અંતિમ ઈચ્છાઓ જણાવી છે.
અતુલ સુભાષે ભવિષ્યવાણી કરી હતી કે, મારા મૃત્યુ બાદ પત્ની સહાનુભૂતિ મેળવવા માટે મારા બાળકને કોર્ટમાં લાવવાનું શરૂ કરી દેશે. જ્યારે હું કોર્ટમાં આવતો હતો ત્યારે તે બાળકને કોર્ટમાં એટલા માટે નહોતી લાવતી કે ક્યાંક હું તેને જોઈ ના લઉં. હવે હું કોર્ટને અપીલ કરું છું કે આ નાટકને મંજૂરી આપવામાં ન આવે. આ ઉપરાંત વધુ 11 અંતિમ ઈચ્છાઓ અતુલે જણાવી છે.
આપઘાત પહેલા અતુલ સુભાષે જણાવી હતી અંતિમ ઈચ્છા
1. તમામ કેસની સુનાવણી લાઈવ થવી જોઈએ અને દેશના લોકોને આ કેસ અંગે ખબર હોવી જોઈએ. તેમને કાયદાકીય વ્યવસ્થાની ભયંકર સ્થિતિ અને કાયદાના દુરુપયોગ વિશે જાણવું જોઈએ જે આ મહિલાઓ કરી રહી છે.
2. સુસાઈડ નોટ અને અપલોડ કરેલા વિડીયોને અતુલ સુભાષનું નિવેદન અને પુરાવા તરીકે માનવાની મંજૂરી આપવી જોઈએ.
3. અતુલે કહ્યું કે મરા કેસની સુનાવણી યુપીના બદલે બેંગલુરુમાં કરવામાં આવે કારણ કે, બેંગલુરુની અદાલતો યુપીની તુલનામાં વધુ કાયદાનું પાલન કરે છે. યુપીના જે જજ પર તેમણે આરોપ લગાવ્યા છે, તે દસ્તાવેજો સાથે ચેડાં પણ કરી શકે છે.
4. અતુલે પોતાના બાળકોની કસ્ટડી પોતાના માતા-પિતાને આપવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, મારા માતા-પિતા બાળકોનો સારા મૂલ્યો સાથે ઉછેર કરી શકે છે.
5. મારી પત્ની અથવા તેના પરિવારને મારા મૃતદેહથી દૂર રાખજો.
6. એન્જિનિયરે માગ કરી છે કે, જ્યાં સુધી મને ત્રાસ આપનારોને સજા ન મળે ત્યાં સુધી મારું અસ્થિ વિસર્જન કરવામાં ન આવે. જો કોર્ટ એ ચુકાદો આપે કે, ભ્રષ્ટ જજ અને પત્ની તથા અન્ય ત્રાસ આપનારા દોષી નથી, તો મારી રાખને કોર્ટની બહાર કોઈ ગટરમાં વહેતી કરી દેજો.
7. ત્રાસ આપનારાઓને વધુમાં વધુ સજા થવી જોઈએ. જોકે, અતુલે કહ્યું કે, મને કાયદો અને વ્યવસ્થા પર વધુ વિશ્વાસ નથી રહ્યો. જો મારી પત્ની જેવા લોકોને જેલમાં ન મોકલવામાં આવે તો આવા લોકોની હિંમત વધી જશે અને તેઓ ભવિષ્યમાં સમાજના અન્ય પુત્રો પર વધુ ખોટા કેસ કરતી રહેશે.
8. અતુલે માગ કરી કે, મારા માતા-પિતા અને નાના ભાઈ વિરુદ્ધ ચાલી રહેલા ખોટા કેસને ખતમ કરી દેવા જોઈએ.
9. અતુલ સુભાષે માગ કરતા કહ્યું કે, મારી પત્ની અને સાસરિયાઓ સાથે કોઈ વાટાઘાટ, સમાધાન કે મધ્યસ્થી થવી ન જોઈએ અને ગુનેગારોને સજા મળવી જોઈએ.
આ પણ વાંચો: મારા અસ્થિ કોર્ટ બહાર ફેંકી દેજો: પત્નીના ત્રાસથી પતિનો આપઘાત, સુસાઇડ નોટ વાંચી રડી પડશો
10. પોતાની પત્નીને છરી ગણાવતા અતુલે કહ્યું કે તેને કેસ પાછો ખેંચવા દેવાની મંજૂરી ન આપવી જોઈએ. જ્યાં સુધી તે સ્પષ્ટપણે એ ન સ્વીકારે કે તેણેખોટા કેસ દાખલ કર્યા છે.
11. અતુલ સુભાષે આગળ કહ્યું કે, જો અત્યાચાર અને બળજબરી પૂર્વક વસૂલી ચાલુ જ રહે તો કદાચ મારા વૃદ્ધ માતા-પિતાએ ઔપચારિક રીતે કોર્ટમાંથી ઈચ્છામૃત્યુની માગ કરવી જોઈએ.