સંદેશખાલી જતી ફેક્ટ ફાઈન્ડિંગ ટીમને બંગાળ પોલીસે રોકી, છેવટે ચીફ જસ્ટિસ રસ્તા પર બેસી ગયા...
સંદેશખાલીમાં લગભગ એક મહિનાથી ભારે હોબાળો ચાલી રહ્યો છે
Sandeshkhali Violence: પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં છેલ્લા ઘણાં દિવસોથી હોબાળો ચાલી રહ્યો છે. ત્યારે સંદેશખાલીમાં પીડિતોને મળવા જઈ રહેલી ફેક્ટ ફાઈન્ડિંગ ટીમને પોલીસે રોકી હતી. ખાસ વાત એ છે કે, છ સભ્યોની ફેક્ટ ફાઈન્ડિંગ ટીમનું નેતૃત્વ પટના હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એલ. નરસિમ્હા રેડ્ડી કરી રહ્યા છે.
સંદેશખાલીમાં કલમ 144 લાગુ હોવાથી પોલીસે ફેક્ટ ફાઈન્ડિંગ ટીમને સંદેશખાલીથી 52 કિમી દૂર ભોજેરહાટ વિસ્તારમાં રોકી દીધી હતી, ત્યારબાદ હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ સહિત તમામ દેખાવ કરવા રસ્તા પર બેસી ગયા હતા. ટ્રાફિક જામ અને હંગામા બાદ પોલીસે તમામની ધરપકડ કરી અને કોલકાતાના લાલ બજાર સ્થિત પોલીસ હેડક્વાર્ટરમાં લાવી છોડી મુક્યા હતા.
આ લોકો ફેક્ટ ફાઈન્ડિંગ ટીમમાં છે
ફેક્ટ ફાઈન્ડિંગ ટીમમાં પૂર્વ ચીફ જસ્ટિસ એલ. નરસિમ્હા રેડ્ડી, પૂર્વ IPS રાજપાલ સિંહ, પૂર્વ રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ચારુ વલી ખન્ના, વકીલ ઓપી વ્યાસ અને ભાવના બજાજ સાથે વરિષ્ઠ પત્રકાર સંજીવ નાયકનો સમાવેશ થાય છે.
પોલીસ કાયદાનું પાલન કરતી નથી: ચારુ વલી ખન્ના
માનવાધિકાર ભંગની તપાસ માટે ફેક્ટ ફાઈન્ડિંગ ટીમ સંદેશખાલી પહોંચી હતી. ટીમના સભ્ય ચારુ વલી ખન્નાએ કહ્યું કે, અમે સંદેશખાલી જઈ રહ્યા હતા, પરંતુ પોલીસે અમને રોકી દીધા હતા. પોલીસે જાણી જોઈને અમને રોક્યા છે. પોલીસ અમને પીડિતોને મળવા દેતી નથી. પોલીસે જવાબ આપવો જોઈએ કે તેઓ અમને કેમ અટકાયતમાં લઈ રહ્યાં છે? મહિલાઓ સામે જે પ્રકારનું સતામણી થઈ રહી છે, મને નવાઈ લાગે છે કે આ મામલે પોલીસે શું કર્યું? પોલીસ પાસે અમને રોકવાનો કોઈ અધિકાર નથી.'
ઉલ્લેખનીય છે કે, સંદેશખાલીમાં મહિલાઓના એક જૂથે ફરાર તૃણમૂલ નેતા શેખ શાહજહાં અને તેના સહયોગીઓ તેમજ અન્ય લોકો પર તેમની જમીનો હડપ કરવા અને જાતીય શોષણ સહિતના ઘણાં આરોપો લગાવ્યા છે. સંદેશખાલી લગભગ એક મહિનાથી હોબાળો ચાલી રહ્યો છે.