બૈજિંગ તિબેટીયનોને કચડી નાખવા માગે છે : તિબેટી આરઝી-હકુમતના નેતા પેન્યાત્સેરિંગ
- 1967માં ભારતમાં જ જન્મેલા ત્સેરિંગને 2021માં સિકયોંગ (બીજા નેતા = વડાપ્રધાન) પદે તિબેટીઓએ ચૂંટી કાઢ્યા હતા
ધર્મશાલા (હિમાચલ પ્રદેશ) : બૈજિંગ તિબેટના લોકોને કચડી રહ્યું છે, તેમ દેશવટો ભોગવતા તિબેટની આરઝી-હકુમત (વિદેશમાં રચાયેલી સરકાર)ના નેતા પેન્યા ત્સેરિંગે આક્રોશ ઠાલવતાં કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, માર્ચ ૧૦, ૧૯૫૯ના દિને ચીનની સરમુખત્યારશાહી સામ્યવાદી સરકાર સામે થયેલા વિપ્લવની ૬૫મી જયંતિની ઉજવણી કરવામાં ભારત સહિત દુનિયાભરમાં વસેલા ૧,૩૦,૦૦૦ તિબેટીઓ તૈયારી કરી રહ્યા છે. ત્યારે ત્સેરિંગનું આ નિવેદન ધ્યાનાકર્ષક બની રહ્યું છે.
તે સર્વવિદિત છે કે તિબેટમાં માઓ-ત્સે-તુંગની સરકારે વરસાવેલા જુલ્મ પછી હજ્જારો તિબેટીયન્સ, દલાઈલામાનાં નેતૃત્વ નીચે ભારતમાં આવીને વસ્યા છે, અને તેઓએ આરઝી-હકુમતની સ્થાપના પણ કરી હતી. ૨૦૧૧માં દલાઈ લામાએ પોતાની રાજકીય સત્તા ૧,૩૦,૦૦૦ તિબેટીઓએ ચૂંટી કાઢેલા સિકયોંગ (વડાપ્રધાન) ને સોંપી. પોતે માત્ર આધ્યાત્મિક વડા તરીકે જ રહ્યા અને રાજકીય વહીવટ પેનયા ત્સેરિંગને સોંપી દીધો. ૧૯૬૭માં ભારતમાં જ જન્મેલા ૨૦૨૧માં તિબેટીઓના વડાપ્રધાન (સિકયોંગ) બન્યા છે. તેઓએ પત્રકારોને જણાવ્યું હતું કે, ચીનાઓ તિબેટીયનોને નીચોવી રહ્યા છે અને અજગરની જેમ અમારો દેશ ગળી રહ્યા છે.
એવું પણ જાણવા મળ્યું છે કે, જો વર્તમાન દલાઈ લામા ૮૮ વર્ષના થયા છે. જો તેઓ પરિ-નિર્વાણ (નિધન) પામે તો, ચીનાઓ તેમના સ્થાને પોતે જ નિયુક્ત કરેલા દલાઇ લામાને લ્હાસા (તિબેટના પાટનગર)માં ગોઠવી દે.
આ અંગે ત્સેરિંગે કહ્યું હતું કે, ચીનાઓ આ નોબેલ પ્રાઇઝ વિજેતાનાં પરિનિર્વાણની રાહ જુવે છે. પરંતુ તેઓ નથી જાણતા કે નિયમિત યોગ અને પ્રાણાયામ વ. કરનારા મારા ધાર્મિક નેતાના બત્રીશે બત્રીશ દાંત હજી મોજુદ છે. તેઓ પોતે જ ભવિષ્ય વેતા પણ છે. તેઓ કહે છે કે, હું ૧૧૩ વર્ષ જીવવાનો છું. દરમિયાન વર્તમાન સામ્યવાદી સરકારનું પતન થઇ જશે. તેઓ કહે છે કે, અમે સંપૂર્ણ સ્વાતંત્ર્ય પણ માગતા નથી. વિદેશી સંબંધો અને સંરક્ષણ બાબતો ભલે બૈજિંગના હાથમાં રહે પરંતુ અમે આંતરિક સ્વાયત્તતા ઇચ્છીએ છીએ. ત્સેરિંગ તેઓના આધ્યાત્મિક ગુરૂને અનુસરનારા છે. પરંતુ, તેઓ પોતાની માતૃભૂમિ ભૂલી શકતા નથી. અનેકવાર હિમાલયના ઘાટોમાંથી તેઓએ તેનાં દર્શન કર્યા છે. તેઓ તો મનથી સંપૂર્ણ સ્વતંત્ર તિબેટ ઇચ્છે છે.
તેઓ ભારત પ્રત્યે અપાર અહોભાવ ધરાવે છે અને તે પણ જાણે છે કે ૨૦૨૦માં ચીની સૈનિકોએ લડાખ, દોકલામ અને અરૂણાચલ પ્રદેશમાં ભારતના હાથે કેવો માર ખાધો હતો. તેઓ સ્વતંત્ર તિબેટના આશાવાદી છે.