બિહારનું બેગુસરાય વિશ્વમાં સૌથી વધુ વાયુ પ્રદૂષણ ધરાવતું શહેર, વિશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડો કરતા ૨૩ ગણું વધારે
બેગુસરાઇમાં પ્રદૂષણ ૧૧૮.૯ માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર નોંધાયું હતું
વિશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડો કરતા ૨૩ ગણુ વધારે પ્રદૂષણ
નવી દિલ્હી,૧૯ માર્ચ,૨૦૨૪,મંગળવાર
તાજેતરમાં સ્વિસ સંગઠન આઇયૂ એર દ્વારા વિશ્વની વાયુ ગુણવત્તા અંગે બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર વર્ષ ૨૦૨૩માં દુનિયાના સૌથી વાયુ પ્રદૂષિત ૧૦ શહેરોમાં ભારતના ૯ શહેરોનો સમાવેશ થાય છે. એમાં પણ બિહારનું બેગુસરાય ભારત જ નહી દુનિયાનું સૌથી વધુ વાયુ પ્રદૂષણ ધરાવતું શહેર છે.
સૌથી નવાઇની વાત તો એ છે કે ૨૦૨૨ની વાયુ પ્રદૂષણ યાદીમાં બેગુસરાયનું કયાંય નામ જ ન હતું. હવે સૌથી પ્રદૂષિત બેગુસરાઇમાં પ્રદૂષણનું પ્રમાણ વિશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડો કરતા ૨૩ ગણુ વધારે છે. તેનું સરેરાશ એક કવોલિટી ઇન્ડેક્ષ ૧૮૪ જોવા મળે છે
પ્રાપ્ત માહિતી મુજબ ૨૦૨૩ના વર્ષમાં બેગુસરાઇમાં પ્રદૂષણ ૧૧૮.૯ માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર નોંધાયું હતું ત્યાર પછી ૧૦૪.૫ આંક સાથે આસામનું ગૌહાટી પ્રદૂષિત રહયું હતું. દિલ્હી દુનિયાના દેશોના રાજધાની શહેરમાં સૌથી વધુ ૭૭.૪ માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર સાથે ૬ઠ સ્થાને હતું.
વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર દર વર્ષે ૭૦ લાખ લોકોના અકાળે મુત્યુ વાયુ પ્રદૂષણના લીધે થાય છે. વાયુ પ્રદૂષણથી અસ્થમા, કેન્સર, સ્ટ્રોક અને ફેફસાને લગતી બીમારીઓ થાય છે. તાજેતરના અહેવાલ મુજબ માત્ર દસ દેશોની જ વાયુ ગુણવત્તા તેના માપદંડ પ્રમાણેની હતી જેમાં ફિનલેંડ, એસ્ટોનિયા, પ્યૂર્ટોરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ, બરમૂડા, આઇસલેન્ડ, મોરીશિયસ અને ફ્રેંચ પોલિનેશિયાનો સમાવેશ થાય છે.