ચૂંટણી પહેલા રોકડાની હેરફેર: ધારાસભ્યના પુત્રની ગાડીમાંથી પાંચ કરોડ રૂપિયા જપ્ત, ચારની ધરપકડ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં પુણે જિલ્લાના ખેડ શિવપુરાવિસ્તારમાં એક ખાનગી વાહનમાંથી મોટી માત્રામાં રોકડ જપ્ત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, પુણેથી કોલ્હાપુર જઈ રહેલી આ ખાનગી ગાડીમાંથી ચારથી પાંચ કરોડ સુધીની રકમ જપ્ત કરવામાં આવી છે.
પુણે ગ્રામીણ પોલીસ દ્વારા ચૂંટણીને ધ્યાને લઈ કરવામાં આવી રહેલી બૂથ તપાસ દરમિયાન આ મામલો સામે આવ્યો છે. સફેદ રંગની ઈનોવાને રાજગઢ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી છે. આ મામલે ચાર લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં ચૂંટણીની જાહેરાત થઈ ચુકી છે, ત્યારબાદ પોલીસ આ પ્રકારનું ચેકિંગ અભિયાન ચલાવી રહી છે.
ધારાસભ્યના દીકરાની કાર
કારમાં સાંગોલા બેઠકના ધારાસભ્ય શહાજી બાપુ પાટીલના કાર્યકર્તા શાહજી નલાવડે સવાર હતાં. શહાજી બાપુ એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના પાર્ટીના ધારાસભ્ય છે. મળતી માહિતી મુજબ, જે કારમાંથી પૈસા જપ્ત કરવામાં આવ્યા છે, તે શાહજી બાપુ પાટીલના દીકરાની છે.
પોલીસે ઇન્કમ આવકવેરા વિભાગને સોંપી દીધી રકમ
પુણે ગ્રામીણ પોલીસે સોમવારે મોડી રાત્રે ખેડ શિવપુર ટોલ પ્લાઝા પર નિયમિત વાહન ચેકિંગ દરમિયાન પાંચ કરોડ રૂપિયા રોકડ જપ્ત કરી હતી. આ પૈસા એક સફેદ ઈનોવામાંથી મળ્યાં. પૈસાના સ્ત્રોતને લઈને આગળની તપાસ માટે રોકડ આવકવેરા વિભાગને સોંપી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ બિનસાંપ્રદાયિક્તા હંમેશા બંધારણના મૂળ ઢાંચાનો હિસ્સો રહી છે : સુપ્રીમ
ગાડીમાં ચાર લોકો સવાર હતાં
રોકડ જપ્ત કર્યાં બાદ પોલીસે પ્રોટોકોલનું પાલન કરતાં તાત્કાલિક સ્થાનિક મામલતદાર અને રિટર્નિંગ ઓફિસરને ઘટનાસ્થળે બોલાવ્યાં. ગાડીમાં સવાર ચારેય વ્યક્તિઓની પોલીસ પૂછપરછ કરી રહી છે. જોકે, હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં નથી આવી અને આગળની તપાસ શરૂ છે. રોકડ કયા ઉદ્દેશ્યથી લઈ જવામાં આવી રહી હતી, તેની તપાસ ચાલી રહી છે. તપાસ આગળ વધતાં વધુ જાણકારી સામે આવશે.
'કારનો મારા પરિવાર સાથે કોઈ સંબંધ નથી'
આ મામલે શિવસેના ધારાસભ્ય શાહજી બાપુ પાટીલે કહ્યું કે, આ કાર મારી કે મારા પરિવારની નથી, તેનો અમારા સાથે કોઈ સંબંધ નથી. દિવસ-રાત સંજય રાઉત અમને જ જોઈ રહ્યાં છે. જ્યારથી અમે બળવો કરવામાં સફળ થયાં, ત્યારથી જ સંજય રાઉત અમને નિશાનો બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. કાર જે અમોલ નલાવડેની છે, તે કઈ પાર્ટીના છે તે કહી શકતાં નથી.