સૂચના સેઠ કેસ: દીકરાની હત્યા પહેલા હાલરડું ગાયું, ડૉક્ટરના સંપર્કમાં પણ હોવાનો ઘટસ્ફોટ
આઠમી જાન્યુઆરીની રાત્રે પુત્રની હત્યા કર્યા બાદ સૂચના ગોવાથી કેબમાં બેંગલુરુ જવા નીકળી હતી
Suchana Seth murders son: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરનારી 39 વર્ષીય સૂચના સેઠે કરેલી ચાર વર્ષના દીકરાની હત્યાના કેસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. હત્યા પહેલા સૂચનાએ હાલરડું ગાઈ પુત્રને સુવડાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે, ઉપરાંત હત્યા પહેલા એક ડૉક્ટરના પણ સંપર્ક હોવાની પણ તેણે કબુલાત કરી છે.
પહેલા હાલરડું... પછી હત્યા... હત્યારી માતાની કબૂલાત
પોલીસ પૂછપરછમાં સૂચના સેઠે કહ્યું કે, ‘દીકરો સૂઈ ગયા બાદ તેનું ગળું દબાવી શકાય તે માટે મેં દીકરાની હત્યા પહેલા હાલરડું ગાયું હતું.’ આ સાથે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે સૂચના તેના દીકરાની હત્યા કરતા પહેલા તેના ડૉક્ટરના સંપર્કમાં હતી.
પોલીસને સૂચના સેઠના હસ્તાક્ષર વાળો પત્ર મળ્યો
આ હત્યા કેસ મામલે ગોવા પોલીસને સૂચના સેઠના હસ્તાક્ષર વાળો પત્ર મળ્યો હતો. આ પત્ર ગોવામાં સૂચનાના ભાડાના મકાનમાંથી મળ્યો હતો. જેમાં સૂચનાએ લખ્યું હતું કે, 'હું કોર્ટના એ આદેશને સહન કરી શકતી નથી જેમાં મારા પતિને મારા દીકરાને મળવા દેવામાં આવે. મારો પૂર્વ પતિ હિંસક છે, તે મારા દીકરાને ખોટી બાબતો શીખવતો હતો. હું તેને એક દિવસ માટે પણ દીકરાને મળવા ન આપી શકું.' પોલીસે આ પત્રને એફએસએલમાં મોકલી આપ્યો છે. જેથી હેન્ડરાઈટિંગ એક્સપર્ટ તેની તપાસ કરી શકે.
પતિ વેંકટ રમણે આપી પોસ્ટમોર્ટમની પરમિશન
સૂચના સેઠના લગ્ન 2010માં થયા હતા. 2019માં તેણે એક પુત્રને જન્મ આપ્યો. આ દરમિયાન દંપતિ વચ્ચે વિખવાદ વધી ગયો અને 2020માં મામલો કોર્ટ પહોંચ્યો અને બંનેએ છુટાછેડા લીધા. કોર્ટે આદેશ આપ્યો હતો કે, બાળકના પિતા રવિવારે પુત્રને મળી શકે છે. આ વાતથી સૂચના સેઠ ગુસ્સે ભરાઈ હતી. હાલ તો આને જ બાળકની હત્યાનું કારણ માનવામાં આવે છે. સૂચના સેઠ મૂળ બંગાળની રહેવાસી છે અને બેંગલુરુમાં રહે છે. તેના પૂર્વ પતિ કેરળના છે, જે હાલ ઈન્ડોનેશિયામાં છે. ગોવા પોલીસ દ્વારા તેમને તાત્કાલિક ભારત બોલવવામાં આવ્યા હતા અને તેમણે જ બાળકના પોસ્ટમોર્ટમની પરમિશન આપી હતી.