અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ધાટન પહેલા મુસ્લિમ સમુદાયની મોટી માંગ, વડાપ્રધાન પાસે કરી આ અપીલ
- 22 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન દ્વારા સમય લઈને નવી બાબરી મસ્જિદના નિર્માણનો પણ પાયો નાંખવામાં આવે: મૌલાના રઝવી બરેલવી
નવી દિલ્હી, તા. 16 ડિસેમ્બર 2023, શનિવાર
અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઈ ગયુ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીના રોજ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. આ વચ્ચે હવે ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવીએ એક મોટી માંગ કરી છે. મૌલાનાએ કહ્યું કે પીએમ મોદી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે પ્રસ્તાવિત જમીન પર નવી મસ્જિદના નિર્માણનો પણ પાયો નાખે.
અયોધ્યામાં રામ મંદિરના બદલામાં સુપ્રીમ કોર્ટના આદેશ પર બીજી જગ્યા પર મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીન આપવામાં આવી છે જેના પર અત્યાર સુધીમાં મસ્જિદ નિર્માણનું કામ શરૂ નથી થઈ શક્યું. મૌલાના શહાબુદ્દીન રઝવીએ કહ્યું કે, મુસલમાનોનો સેન્ટ્રલ વક્ફ બોર્ડ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. અમે કાબા શરીફ ઈમામના બદલે પીએમ મોદીના હાથે મસ્જિદનો પાયો નંખાવવા માંગીએ છે. આથી 22 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન દ્વારા સમય લઈને નવી બાબરી મસ્જિદના નિર્માણનો પણ પાયો નાંખવામાં આવે.
PM મોદીના હસ્તે નાંખવામાં આવે પાયો
મૌલાના રઝવી બરેલવીએ કહ્યું કે, બાબરી મસ્જિદના બદલામાં મૌઝા ધાનીપુર જિલ્લા ફૈઝાબાદમાં સુપ્રીમ કોર્ટે 5 એકર જમીન આપી હતી. પરંતુ મસ્જિદના નિર્માણ માટે હજુ સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. જે ખૂબ જ અફસોસજનક બાબત છે જ્યારે બીજી તરફ રામ મંદિર બનીને તૈયાર થઈ ગયુ છે અને 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે.
મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવીએ કરી માંગ
મૌલાનાએ કહ્યું કે મુસ્લિમોને સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ પરથી વિશ્વાસ ઉઠી ચૂક્યો છે. આ વક્ફ બોર્ડની જવાબદારી પર ભરોસો ન કરી શકાય. તેથી મસ્જિદનો પાયો નાંખવા માટે કાબા શરીફના ઈમામને બદલે વડાપ્રધાનને વિનંતી કરીને સમય લઈ લેવામાં આવે કારણ કે, 22મી જાન્યુઆરીના રોજ તેઓ અયોધ્યામાં હાજર રહેશે તેથી તેમના માટે ધનીપુર મસ્જિદમાં જવું ખૂબ જ સરળ રહેશે.
મૌલાનાએ કહ્યું કે, અનેક વર્ષો પસાર થઈ ગયા બાદ પણ મસ્જિદના નિર્માણ માટે કોઈ પગલું નથી ભરવામાં આવ્યું પરંતુ મસ્જિદના નામ પર ફંડ કરવાની અપીલ કરવામાં આવી રહી છે. આ તમામ બાબતોથી ભારતનો મુસલમાન દુ:ખી છે.