ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ક્રિકેટરના પિતાની રાજકારણમાં એન્ટ્રી, નીતિશ કુમારના પક્ષમાં થયાં સામેલ
Bihar Election: દેશના ફેમસ ક્રિકેટર ઈશાન કિશનના પિતા પ્રણવ કુમાર પાંડે ઉર્ફે ચુન્નુ રવિવારે (27 ઓક્ટોબર) જનતા દળ યુનાઇટેડમાં સામેલ થઈ ગયાં છે. તેઓએ પટના સ્થિત પ્રદેશ જેડીયુ કાર્યાલયમાં પોતાના હજારો સમર્થકો સાથે પાર્ટીનું સભ્ય પદ મેળવ્યું છે. પટના સ્થિત પ્રદેશ કાર્યાલયમાં જેડીયુના પુનર્મિલન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. આ સમારોહમાં તેઓએ જેડીયુનું સભ્ય પદ લીધું.
શું ઈશાન કિશનના પિતા પ્રણવ કુમાર પાંડે?
ઈશાન કિશનના પિતા પ્રણવ કુમાર પાંડે વ્યવસાયે બિલ્ડર છે. તે પોતાના પરિવાર સાથે પટનામાં રહે છે. પટનામાં તેમની મેડિકલ સ્ટોર પણ છે. પ્રણવ કુમાર પાંડેનું નાનપણ નવાદામાં વીત્યું છે, જ્યાં જિલ્લાના પ્રસિદ્ધ રાજનેતા અને ચિકિત્સક ડૉ. શત્રુઘ્ન પ્રસાદ સિંહે તેમનું માર્ગદર્શન કર્યું, જે નીતિશ કુમારની સમતા પાર્ટીના સંસ્થાપક સભ્ય પણ રહ્યાં છે. પ્રણવ કુમાર પાંડે સમાજ સેવામાં પણ રસ દાખવે છે. તેમના દીકરા ઈશાન કિશને 2 ટેસ્ટ મેચ સિવાય 27 વનડે અને 32 ટી20 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ સિવાય તે આઈપીએલની 105 મેચ રમી ચુક્યો છે.
2025માં છે બિહાર વિધાનસભાની ચૂંટણી
હકીકતમાં આવતા વર્ષે 2025માં બિહાર વિધાનસભા ચૂંટણી છે. તેને ધ્યાને લઈ વિભિન્ન પાર્ટીઓમાં પ્રદેશના જાણીતા અને રાજકીય પરિવારથી સંબંધ ધરાવનાર લોકો અત્યારથી મનપસંદ પાર્ટીમાં જોડાવા લાગ્યા છે. જેથી, આવતા વર્ષે ચૂંટણીની તૈયારી શરૂ કરી શકાય. જણાવી દઈએ કે, આજે જ પટનામાં 10 સર્ક્યુલર રોડ સ્થિત રાબડી આવાસમાં પૂર્વ સાંસદ શહાબુદ્દીનના નાના દીકરા ઓસામા શહાબ આરજેડીમાં સામેલ થશે. હવે જોવાનું રહેશે કે, જેડીયુ ઈશાન કિશનના પિતા અને આરજેડી ઓસામા શહાબને ક્યાંથી ટિકિટ આપે છે.