સરહદે દાણચોરી, ઘૂસણખોરી જેવી ગંભીર ગુનાખોરી રોકવા BSFનો પ્લાન, અપનાવશે ખતરનાક હથિયાર
વરિષ્ઠ અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર આ પ્રકારની પ્રથમ યોજના નાદિયા જિલ્લાના સરહદી વિસ્તારમાં શરૂ કરાઈ
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ના જવાનોએ સરહદે મધમાખીઓના મધપુડા લગાવવાનું શરૂ કરી દીધું
image : IANS |
India-Bangladesh Border | ભારત-બાંગ્લાદેશ સરહદે દાણચોરી સહિત અન્ય ગુનાખોરીને રોકવા માટે એક નવી રીત અપનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ના જવાનોએ સરહદે મધમાખીઓના મધપુડા લગાવવાનું શરૂ કરી દીધું છે.
ક્યાંથી શરૂઆત કરાઈ?
વરિષ્ઠ અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર આ પ્રકારની પ્રથમ યોજના નાદિયા જિલ્લાના સરહદી વિસ્તારમાં શરૂ કરાઈ છે. આ અનોખા પ્રયોગની મદદથી સરહદે સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરાશે. તેની સાથે સ્થાનિક લોકોને રોજગારી પણ મળશે.
ભારત અને બાંગ્લાદેશની સરહદ કેટલી લાંબી?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સરહદની વાત કરીએ તો તેની લંબાઈ આશરે 4096 કિલોમીટર છે. જેમાંથી 2217 કિ.મી. લાંબી સરહદ પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલી છે. આ પ્રોજેક્ટ માટે બીએસએફને આયુષ મંત્રાલયની પણ મદદ મળી રહી છે. મંત્રાલય બીએસએફને મધપુડા અને મિશ્ર ધાતુથી બનેલા સ્માર્ટ ફેન્સ પર યોગ્ય રીતે તેને બેસાડવા માટે યોગ્ય માહિતી પૂરી પાડી છે.
દાણચોરીનો ખતરો વધુ
અધિકારીઓએ કહ્યું હતું કે મધમાખીઓના મધપુડા લગાવવાની પરિકલ્પના બે નવેમ્બરે શરૂ થઇ હતી. નાદિયા જિલ્લામાં સરહદી વિસ્તારોમાં ઢોરઢાંખર, સોનું, ચાંદી અને નશીલા પદાર્થોની દાણચોરી જેવા અપરાધોનો ખતરો વધુ છે. અહીં પહેલાથી નશીલા પદાર્થોની તસ્કરી જેવા અપરાધનો ખતરો વધુ છે. અહીં એવા ઘણાં કેસ સામે આવ્યા હતા જ્યારે તસ્કરોએ ફેન્સ કાપીને ઘૂસણખોરી કરી હતી. મધમાખીના મધપુડા આ વાડને કાપવાનો પ્રયાસ કરનારા દાણચોરોને જડબાતોડ જવાબ આપી શકશે.