બેંગલુરુમાં અઝાન સમયે હુનમાન ચાલીસા વગાડવા બદલ મારપીટ : ત્રણની ધરપકડ
- ઘટનાનો વીડિયો સામે આવ્યો
- દુકાનદાર સાથે સ્થાનિકોએ ઝઘડો કર્યો પછી માર માર્યો, આરોપીઓ સામે ફરિયાદ દાખલ
બેંગલુરુ : બેંગલુરુમાં એક દુકાનદાર સાથે કેટલાક સ્થાનિક યુવકોએ મારપીટ કરી હતી, આ દુકાનદાર અઝાન સમયે ઉંચા અવાજમાં ભજન વગાડી રહ્યો હોવાથી સ્થાનિક યુવકો ઉશ્કેરાઇ ગયા હતા. અને દુકાનદાર સાથે મારપીટ કરી દીધી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી, જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
વીડિયો વાયરલ થયા બાદ પોલીસે દુકાનદારના નિવેદન પર મારપીટ કરનારા યુવકોની સામે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર આ ઘટના બેંગ્લુરુના સિદ્ધાન્ના વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરની હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી, જેને પગલે પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં પણ આ સીસીટીવી ફૂટેજની મદદ લીધી છે.
દુકાનદારે કહ્યું હતું કે લોકો અગાઉ પણ રૂપિયા માગવા માટે દુકાન પર આવતા હતા, જોકે મે રૂપિયા આપવાની ના પાડતા અગાઉ પણ મારી સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો. હવે જ્યારે હું દુકાનમાં હનુમાન ચાલીસા વગાડી રહ્યો હતો ત્યારે મારી સાથે ફરી ઝઘડો કર્યો હતો. જે બાદ મારી સાથે મારપીટ કરવામાં આવી હતી. બેંગલુરુ પોલીસે જણાવ્યું હતું કે અમે વીડિયોના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ટુંક સમયમાં તેમની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે.