Get The App

'બેફામ વૃક્ષો કાપવા બદલ જેલ જવા તૈયાર રહો..' સુપ્રીમ કોર્ટે તેલંગાણાની કોંગ્રેસ સરકારનો ઉધડો લીધો

Updated: Apr 17th, 2025

GS TEAM


Google News
Google News
'બેફામ વૃક્ષો કાપવા બદલ જેલ જવા તૈયાર રહો..' સુપ્રીમ કોર્ટે તેલંગાણાની કોંગ્રેસ સરકારનો ઉધડો લીધો 1 - image


- 100 એકર જમીનમાં રાતોરાત વૃક્ષો કાપવાની શું ઉતાવળ હતી ? : સુપ્રીમ ધૂંઆપૂંઆ

- બાંધકામ કરવું હોય તો કરો પરંતુ પહેલા મંજૂરી તો લો, પશુઓની સુરક્ષા માટે વોર્ડન તાત્કાલીક વ્યવસ્થા કરે : સુપ્રીમનો આદેશ

- વૃક્ષો કાપવાથી ભાગી રહેલા પશુ-પક્ષીઓને કુતરાઓએ ફાડી ખાધા તે જોઇને અમે વિચલિત થઇ ગયા : સુપ્રીમ

Supreme court and telangana government: ઓથોરિટીની મંજૂરી વગર જ હૈદરાબાદમાં 100 એકરમાં બેફામ રીતે વૃક્ષો કાપવા બદલ સુપ્રીમ કોર્ટે તેલંગાણાની કોંગ્રેસ સરકારનો ઉધડો લીધો હતો. સુપ્રીમે કહ્યું હતું કે 100 એકરમાં ફેલાયેલા જંગલનો નાશ કરવા માટે તમારા જે બુલડોઝર તૈનાત છે તેના પર અમારુ ધ્યાન છે, જો તમારે કોઇ બાંધકામ કરવું હતું તો પહેલા મંજૂરી લીધી હોત, જંગલને કાપતી વખતે તેમાં રહેતા પશુઓની જે હાલત થઇ છે તેના વીડિયોની પણ સુપ્રીમ કોર્ટે નોંધ લીધી હતી. 

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બીઆર ગવઇ અને ન્યાયાધીશ એજી મસિહની બેંચે તાત્કાલીક આ પશુઓની સુરક્ષા માટે રાજ્યના વાઇલ્ડલાઇફ વોર્ડનને પુરતી વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો. એટલુ જ નહીં સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી હતી કે જમીનને ફરી જંગલમાં ફેરવવામાં ના આવી તો જવાબદાર અધિકારીઓ સામે આકરા પગલા લેવામાં આવી શકે છે, તેમને જેલ પણ થઇ શકે છે. આ મામલે હવે ૧૫મી મેના રોજ ફરી સુનાવણી કરવામાં આવશે. 

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બીઆર ગવઇએ કહ્યું હતું કે જો તમારે તમારા મુખ્ય સચિવને બચાવવા હોય તો અમને જવાબ આપો કે આ 100 એકર જમીનમાં ફરી વૃક્ષો કેવી રીતે સ્થાપિત કરશો? યોગ્ય પ્લાન સાથે આવો, નહીં તો અમે નથી જાણતા કે તમારા કેટલા અધિકારીઓ જેલ જશે. માત્ર ત્રણ જ દિવસમાં આ વૃક્ષોનું નિકંદન કાઢવાની શું ઉતાવળ હતી? જો તમે ફરી જંગલ સ્થાપિત કરવાની ના પાડશો તો તમારા અધિકારીઓની જેલ માટે તૈયાર રહો. આ દરમિયાન એક પણ વૃક્ષ કાપવામાં નહીં આવે. 

તેલંગાણા સરકાર દ્વારા હૈદરાબાદમાં કાંચા ગચીબોલી વિસ્તારમાં 100 એકરના જંગલ વિસ્તારમાં રાતોરાજ બુલડોઝર અને ભારે મશીનરી દ્વારા વૃક્ષો કાપવામાં આવ્યા હતા, આ વિસ્તારમાં મોર સહિતના પક્ષીઓ રહે છે જેઓને ભારે મુશ્કેલી થઇ હતી, સોશિયલ મીડિયા પર પશુ-પક્ષીઓની હાલતના વીડિયો અને તસવીરો વાયરલ થયા હતા. જેની સુપ્રીમ કોર્ટ દ્વારા પણ નોંધ લેવામાં આવી છે. કેટલાક પશુ-પક્ષીઓને રખડા કુતરાઓ દ્વારા ફાડી ખવાયા હતા. જે જોઇને અમે વિચલિત થઇ ગયા તેમ સુપ્રીમે કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે હાલ આ બુલડોઝર કાર્યવાહીને અટકાવી દીધી છે સાથે જ રાજ્ય સરકારનો ઉધડો લીધો છે. હવે આ મામલે ૧૫મી મેના રોજ વધુ સુનાવણી થશે.

Tags :