કોંગ્રેસના દિગ્ગજ નેતાની મોટી ભવિષ્યવાણી, કહ્યું - 'તૈયાર રહો, એક વર્ષમાં ફરી યોજાશે ચૂંટણી...'
Lok Sabha Elections Result 2024 | દેશમાં નવી સરકાર રચવાની કવાયત તેજ બની રહી છે. નરેન્દ્ર મોદી ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ 9મી જૂને લેવાના છે. ત્યારે એનડીએ અને I.N.D.I.A. ગઠબંધનની બેઠકોના દોર ચાલી રહ્યાં છે.
ભારતીય જનતા પાર્ટીનાં નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધને ત્રીજીવાર બહુમતી પ્રાપ્ત કરી છે તેણે 292 બેઠકો મેળવી છે. જોકે ભાજપે માત્ર 240 બેઠકો જ જીતી છે જે 272ના બહુમતના અંકથી ઘણી દૂર છે. જ્યારે I.N.D.I.A. ગઠબંધને 234 સીટી જીતી છે.
આ સંજોગોમાં કોંગ્રેસના નેતા અને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલે ટ્વિટર પર પોસ્ટ કર્યું છે કે કાર્યકર્તા સાથીઓ તૈયાર રહો 6 મહીના કે એક વર્ષમાં જ મધ્યાવધી ચૂંટણીઓ થઈ શકે તેમ છે. ફડનવીસ ત્યાગપત્ર આપી રહ્યા છે. યોગીજીની ખુરશી ડોલી રહી છે. ભજનલાલ શર્મા પણ ડગમગી રહ્યાં છે. સરકાર હજી રચાણી પણ નથી ત્યાં તો જ.દ.(યુ)ના પ્રવક્તાએ અગ્નિવીર યોજના દૂર કરવાની અને જાતિગત જનગણનાની વાત કરે છે. આ બધા તે મુદ્દાઓ જ છે કે જે રાહુલ ગાંધીજીએ જ ઊઠાવ્યા હતા.
ભૂપેશ બધેલનાં આ કથન અંગે વિશ્લેષકોમાં બે અલગ અલગ મંતવ્યો પ્રવર્તે છે. વિશ્લેષકોનો એક વર્ગ તેમ કહે છે કે, ભાજપાને બહુમતી ન મળતાં તે સરકાર રચી જ નહીં શકે તેવી આશા બાંધીને બેઠા હતા. છતાં ગમે તેમ કરી એનડીએ સરકાર રચાશે તે નિશ્ચિત થતાં કોંગ્રેસના કેટલાક નેતાઓ હતાશ થઈ જતાં આ બખાળા કાઢે છે. તો વિશ્લેષકોનો બીજો વર્ગ ભૂપેશ બધેલનાં આ વિધાનોને હળવાશથી ન લેવા કહે છે. તેઓ કહે છે કે કદાચ પાકિસ્તાન સામે એક યા બીજાં બહાને યુદ્ધ કરી છેવટે કહેવાતાં આઝાદ-કાશ્મીરની જનતાએ માગેલી સહાયને આગળ ધરી નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ અને ડૉ. એસ. જયશંકરની ત્રિમૂર્તિ આગામી કે તે પછીના કોઈ શિયાળામાં તે કહેવાતું આઝાદ કાશ્મીર ભેળવી પણ દે. શિયાળો એટલે પસંદ કરે કે તિબેટમાંથી કે કાશ્મીરની ઉત્તરે રહેલી કારાકોરમ ગિરિમાળાના ઘાટો હિમાચ્છાદિત થઈ બંધ થઈ જતાં ચીન સીધી રીતે સેનાકીય સહાય પાકિસ્તાનને પહોંચાડી ન શકે. નરેન્દ્ર મોદીનો ડંકો વાગી જાય કહેવાતું આઝાદ કાશ્મીર ભારતમાં ભળી જાય પછી મોદી મધ્યાવધિ ચૂંટણી જાહેર કરે તો જેમાં કારગીલ યુદ્ધ પછી અટલ બિહારી વાજપેયીનો ડંકો વાગી ગયો હતો અને ભાજપા ત્યારે બહુમતીથી તે પછી તુર્ત જ જાહેર થયેલી મધ્યાવધિ ચૂંટણી જીતી ગઈ હતી તેમજ મોદી પણ મધ્યાવધિ ચૂંટણી વડે કહેવાતું આઝાદ કાશ્મીર લઈ ભારે બહુમતીથી ચૂંટણી જીતી શકે. અને ભાજપા જ 272નો જાદૂઈ આંક વટાવી સાથી પક્ષોની દયા ઉપર જીવવાનું છોડી પોતાની જ સરકાર રચે તે અસંભવિત પણ નથી.