ઓનલાઇન શોપિંગ કરનારા થઈ જજો સાવચેત! આવી ભૂલ ન કરતાં નહીંતર ભારે પડી જશે
Image: Freepik
Online Fraud: તહેવારની સિઝન શરુ થતાં જ મોટી કંપનીઓ અને જુદી-જુદી બ્રાન્ડ્સે પોતાની વાર્ષિક ઑફર્સ આપવાની શરુ કરી દીધી છે. ખાસ કરીને, ઈ-શોપિંગ પોર્ટલ પર તમને લોભામણી ઓફર ખૂબ સરળતાથી જોવા મળશે, પરંતુ આમાં તમારે સતર્ક રહેવાની જરૂર છે, કેમ કે સાયબર ઠગ બનાવટી વેબસાઇટ બનાવીને ખરીદી કરનારની સાથે છેતરપિંડીની ઘટનાને અંજામ આપવાના ઇરાદામાં રહે છે. ગ્રાહક થોડી પણ સાવધાની રાખે તો છેતરપિંડીથી બચી શકે છે.
આ વાતોને અવગણવાનું મોંઘુ પડી શકે છે
વેબસાઇટની સત્યતા કેવી રીતે તપાસવી
- ક્યારેય પણ ઓનલાઇન ખરીદી કરતી વખતે ઉતાવળ ન કરો. વેબસાઇટની સત્યતા તપાસવા માટે તેની યુઆરએલ લિંક અને ડોમેન નામ જરૂર તપાસો.
સ્પેલિંગ જરૂર ચેક કરો
- કોઈ અજાણ્યા નામથી મોકલેલા ઈ-મેલ અને વેબસાઇટને ખોલ્યા પહેલા તેની પર લખેલી ટેક્સ્ટની સ્પેલિંગ જરૂર ચેક કરો. સામાન્ય રીતે નકલી ઈ-મેલ અને સાઇટ પર સ્પેલિંગ ખોટો લખેલો હોય છે.
...તો કોઈ પણ ખરીદી ન કરો
- વેબસાઇટ પર સામાન, તેની રેટિંગ અને ગ્રાહક સેવા નંબર એટલે કે કસ્ટમર કેર નંબરની જાણકારી ન હોય તો કોઈ પણ ખરીદી ન કરો.
મેસેજ અને ઓટીપીને ધ્યાનથી વાંચો
- ઓનલાઇન ચૂકવણી કરતી વખતે મોબાઇલ કે મેઇલ પર મળેલા મેસેજ અને ઓટીપીને ધ્યાનથી વાંચો. તેને સાચવીને રાખો, જ્યાં સુધી સામાન ડિલીવર ન થઈ જાય.
ફરિયાદ નોંધાવામાં મોડું ન કરો
- છેતરપિંડી થવાની સ્થિતિમાં જેટલું જલ્દી શક્ય હોય ફરિયાદ નોંધાવો. તેનાથી ફટાફટ કાર્યવાહીની શક્યતા વધી જાય છે.
લિંક ડાઉનલોડ ન કરો
- કોઈ પણ શોપિંગ એપને સત્તાવાર એપ સ્ટોરથી જ ડાઉનલોડ કરો. કોઈની મોકલેલી લિંકથી તેને ડાઉનલોડ ન કરો.
આ બિલકુલ ન કરો
- જે એપથી તમારે શોપિંગ કરવાની છે, તે એપમાં જઈને આપવામાં આવેલા ઈ-મેલ અને ગ્રાહક સેવા નંબર પર જ ફરિયાદ નોંધાવો. કોઈ અન્ય સર્ચ એન્જિન પર કસ્ટમર કેર નંબર શોધવાની ભૂલ ન કરો.
નકલી પોર્ટલની કેવી રીતે ઓળખ કરવી
કિંમતોમાં ભારે અંતર, ઘણી વખત આ પ્રકારની વેબસાઇટ મોંઘા સામાનની કિંમતોમાં ભારે છૂટ આપે છે. સંપર્કની જાણકારી ન હોવી, નકલી વેબસાઇટ પર કંપનીનું એડ્રેસ કે ગ્રાહક સેવા નંબર હોતો નથી. ચૂકવણીની શંકાસ્પદ રીત, નકલી ઈ-શોપિંગ વેબસાઇટ પર મોટાભાગે યુપીઆઇનો જ વિકલ્પ આપવામાં આવે છે. ચૂકવણી દરમિયાન કંપનીનું જ નહીં, કોઈ અન્ય વ્યક્તિનું નામ જોવા મળે છે.
ફરિયાદ ક્યાં કરવી
ઓનલાઇન ફ્રોડ થયું છે તો તાત્કાલિક ફરિયાદ નોંધાવો. ઘણી વખત લોકોને એ ખબર પડતી નથી કે સાયબર ફ્રોડની ફરિયાદ ક્યાં નોંધાવી કે પછી લોકો ઘણી વખત પોલીસ સ્ટેશન જવાનું પણ ટાળે છે, પરંતુ તમે ઓનલાઇન પણ સાયબર ફરિયાદ નોંધાવી શકો છો. આ માટે https//www.cybercrime.gov.in સાઇટ પર જાવ અને પછી નેશનલ હેલ્પલાઇન નંબર 1930 (પહેલા આ નંબર 155260 હતો) પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો.
આ રીતે વેબસાઇટની હકીકતની જાણકારી મેળવો
સૌથી પહેલા તેનું ડોમેન નેમ ચેક કરો. જુઓ કે યુઆરએલમાં https હોય ન કે માત્ર http પછી સાઇટનો સ્પેલિંગ પણ જુઓ.
ડોમેન કોના નામ પર છે, આ ચેક કરવા માટે http//www.whois.com પર જાવ. સર્ચ બોક્સમાં સંબંધિત વેબસાઇટની યુઆરએલ લિંક નોંધો. તેનાથી તે વેબસાઇટની સમગ્ર જાણકારી મળી જશે.
ગ્રાહક અન્ય વેબસાઇટ scamadviser.com પર જઈને કંપનીની વિશ્વસનીયતાની રેટિંગ પણ જાણી શકો છો. આનાથી એ જાણ થઈ જશે કે કંપની ખરીદી કરવા માટે કેટલી સુરક્ષિત છે.