Get The App

કાયદાનો અભ્યાસ હવે અઘરો: લૉ સ્ટુડન્ટ્સની પૃષ્ઠભૂમિની તપાસ બાદ જ એડમિશન મળશે

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News
કાયદાનો અભ્યાસ હવે અઘરો: લૉ સ્ટુડન્ટ્સની પૃષ્ઠભૂમિની તપાસ બાદ જ એડમિશન મળશે 1 - image


Bar Council Of India's Circulars: હવે ગમે તે વ્યક્તિ કાયદાનો અભ્યાસ કરી શકશે નહીં. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ બે પરિપત્ર જારી કરી વિદ્યાર્થીઓનું બેકગ્રાઉન્ડ ચકાસી એડમિશન આપવા નિર્દેશ જારી કર્યો છે.  તેમજ દેશની તમામ સ્ટેટ બાર કાઉન્સિલ અને લૉ કોલેજોને નિર્દેશ કર્યો છે કે, લૉ કોલેજોએ કાયદાનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ગુનાઈત પૃષ્ઠભૂમિની તપાસ કરવી પડશે અને વિદ્યાર્થીઓએ તેમની વિરુદ્ધ કોઈ પણ એફઆઈઆર કે ફોજદારી કેસ ચાલુ હશે તો તેની જાહેરાત કરવી પડશે. એટલું જ નહીં, જો વિદ્યાર્થી સત્ય હકીકતો જાહેર કરવામાં નિષ્ફળ જશે તો તેની માર્કશીટ અને ડિગ્રી રોકી દેવાશે. આ જાહેરાત વિદ્યાર્થીએ કરવાની રહેશે અને ત્યાર પછી જ કોલેજ તેને માર્કશીટ-ડિગ્રી આપી શકશે. આ ઉપરાંત સ્ટેટ બાર કાઉન્સિલે પણ આ નિયમોનું પાલન થઈ ગયા પછી જ વકીલોની નોંધણી કરવાની રહેશે.

આ નિયમોનું પાલન કરવું પડશે

આ અંગે ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન અને ફાઈનાન્સ કમિટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના આદેશ મુજબ, 'જે તે રાજયની સ્ટેટ બાર કાઉન્સિલે પણ એ સુનિશ્ચિત કરવું પડશે કે નોંધણી ઇચ્છતા ઉમેદવારોએ તેના દ્વારા નિર્ધારિત નિર્દેશોનું ચુસ્તપણે પાલન કર્યું છે. લૉ સ્ટુડન્ટ્‌સના ગુનાઇત પૃભૂમિની તપાસ યોગ્ય રીતે હાથ ધરવામાં આવી છે અને કોઈ ગેરલાયક ઠરે તેવા રેકોડ્‌ર્સ અસ્તિત્વમાં નથી. વધુમાં ઉમેદવારોએ તેમના કાનૂની શિક્ષણ દરમિયાન કોઈપણ એક સાથે ડિગ્રી પ્રોગ્રામ્સ, નિયમિત શૈક્ષણિક કાર્યક્રમો અથવા નોકરી-રોજગાર કે વ્યવસાયની સ્થિતિ વિશે જરૂરી ઘોષણાઓ કરી છે. વધુમાં બાર કાઉન્સિલે એ પણ ચકાસવું પડશે કે ઉમેદવારોએ ફરજિયાત હાજરીની આવશ્યકતા સહિતના બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમો-શરતોની પૂર્તિ કરી છે.'

આ પણ વાંચોઃ વક્ફ બોર્ડ ખતમ કરવાની માગ સાથે દેખાવ કરતી વખતે જ VHP કાર્યકરનું હાર્ટ એટેકથી મોત

ડબલ ડિગ્રી માટે મંજૂરી મેળવવી પડશે

દેશના તમામ રાજયોની સ્ટેટ બાર કાઉન્સિલે પણ આ મામલે ખાતરી આપવી પડશે કે, ઉમેદવારોએ નોંધણી કરાવતાં પહેલાં ઉપરોકત તમામ નિર્દેશોનું પાલન કર્યુ છે. જ્યાં સુધી કાનૂની શિક્ષણની ગુણવત્તા અને અખંડિતતાને જાળવવા અને ઉમેદવારો કાનૂની વ્યાવસાયિકો દ્વારા અપેક્ષિત ઉચ્ચ ધોરણોને પરિપૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવા માટે રચાયેલ આ પગલાંઓનું સંપૂર્ણ પાલન ન થાય ત્યાં સુધી કોઈપણ ઉમેદવારની નોંધણી કરવામાં આવે નહી તેવી તમામ સ્ટેટ બાર કાઉન્સિલોને કડક તાકીદ કરવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, જે સંસ્થાઓ અને વિદેશી યુનિવર્સિટીઓ સાથે ડબલ ડિગ્રી પ્રદાન કરે છે તેના સંદર્ભમાં, તેઓએ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પૂર્વ મંજૂરી મેળવવી પડશે.

એક ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ એ એવી વ્યવસ્થાનો ઉલ્લેખ કરે છે જ્યાં વિદ્યાર્થી બે સંસ્થાઓમાંથી બે અલગ-અલગ ડિગ્રી મેળવે છે, સામાન્ય રીતે બે અલગ-અલગ અધિકારક્ષેત્રોમાં, જ્યારે સંયુક્ત ડિગ્રી પ્રોગ્રામમાં બે અથવા વધુ સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે ઓફર કરવામાં આવતી એક ડિગ્રીનો સમાવેશ થાય છે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા આદેશ અપાયો છે કે, ભારતીય કાયદા સંસ્થાઓ અને વિદેશી યુનિવર્સિટીઓ વચ્ચેના આવા કોઈપણ ડબલ અથવા સંયુક્ત ડિગ્રી પ્રોગ્રામ માટે પૂર્વ મંજૂરી મેળવવી આવશ્યક છે. લૉ કોલેજોએ આ તમામ જવાબદારી સુનિશ્ચિત કરવા સીસીટીવી કેમેરા અને રેકોર્ડિંગ એક વર્ષ માટે રાખવું પડશે. તો લૉ સ્ટુડન્ટસની ફરજિયાત હાજરીની આવશ્યકતા પરિપૂર્ણ થાય તે માટે બાયોમેટ્રિક સિસ્ટમ અમલી બનાવવા પણ નિર્દેશ જારી કરાયા છે. 

બોગસ વકીલો ના ઘૂસે તે માટે લેવાયેલો નિર્ણય

અગાઉ ખુદ સુપ્રીમકોર્ટે લીગલ ફિલ્ડમાં બોગસ ભૂતિયા વકીલોના ઘૂસે તે માટે ગંભીર ચિંતા વ્યકત કરી હતી. લીગલ એજયુકેશનમાં ગુણવત્તા અને ઉત્કૃષ્ટ માપદંડોની સાથે સાથે વકીલાતના વ્યવસાયમાં પણ ઉચ્ચત્તમ ધોરણો પ્રસ્થાપિત થાય તેને લઇને પણ સુપ્રીમ કોર્ટે ભારે હિમાયત કરી હતી. આ માટે વેરિફિકેશન સહિતની પ્રક્રિયા હાથ ધરવા પણ નિર્દેશ કરાયો હતો. જેના અનુસંધાનમાં હાલ ગુજરાત સહિત દેશભરમાં સને 1990થી તમામ વકીલોની વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે.

કાયદાનો અભ્યાસ હવે અઘરો: લૉ સ્ટુડન્ટ્સની પૃષ્ઠભૂમિની તપાસ બાદ જ એડમિશન મળશે 2 - image


Google NewsGoogle News