મહારાષ્ટ્ર ચૂંટણીના મોટા સમાચાર, ભાજપે શિંદે સેના સાથે કર્યો ખેલ! રાજ ઠાકરેના દીકરાને આપ્યું સમર્થન
Maharastra Election 2024 | મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને હવે માત્ર 20 દિવસ બાકી છે. માહિમ વિધાનસભા બેઠકના ઉમેદવારોને લઈને મહાયુતિ ગઠબંધનમાં હજુ મૂંઝવણ છે. ત્યારે આ સીટ પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે, શિંદેની શિવસેનાના વર્તમાન ધારાસભ્ય સદા સરવણકર અને શિવસેના (UBT) ના મહેશ સાવંત વચ્ચે ત્રિકોણીય મુકાબલો થવાનો છે તે નક્કી દેખાય છે. જોકે ભાજપે અમિત ઠાકરેને સમર્થન આપવાનું વચન આપતાં અહીંની લડાઈ રસપ્રદ બની ગઈ છે.
શિંદેની સેના મુંઝવણમાં મૂકાઈ!
ભાજપના આ નિર્ણયથી એકનાથ શિંદેની સેનાને જોરદાર ઝટકો લાગ્યો છે કેમ કે હાલ બંને ગઠબંધનવાળી સરકારમાં સત્તામાં છે. આ બેઠક પરથી સીએમ એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાએ તેના વર્તમાન ધારાસભ્યને ઉતારવાનો નિર્ણય કર્યો હતો અને બંને પક્ષો તેમના નિર્ણય પર અડગ છે.
ભાજપને શું હતી આશા અને શું થયું?
ભાજપને આશા હતી કે એકનાથ શિંદેની શિવસેના ધારાસભ્ય સરવણકરને બેઠક પરથી હટાવીને અમિત ઠાકરેને સમર્થન કરશે. જોકે, ભાજપના નેતાઓનો દાવો છે કે આ મામલે શિંદે સાથે સમજૂતી થઈ ગઈ છે. જ્યારે શિંદેની શિવસેનાના નેતાઓ દલીલ કરે છે કે જો તેઓ ઉમેદવારો ઉભા નહીં કરે તો તેમના મત ઉદ્ધવ જૂથને જતા રહેશે. સરવણકરે બુધવારે રાજ ઠાકરેને માહિમ બેઠક પરથી તેમના પુત્રની ઉમેદવારી પાછી ખેંચવા અને શિવસેનાને સમર્થન આપવા વિનંતી કરી હતી.