'બટેંગે તો કટેંગે' ને મહારાષ્ટ્રમાં 'નો એન્ટ્રી', યોગીના નારા સામે ભાજપના દિગ્ગજ મહિલા નેતાને વાંધો
Pankja Munde on Batenge to Katenge: મહારાષ્ટ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપેલા નારા 'બટેંગે તો કટેંગે' ને લઈને ભાજપમાં અંદરોઅંદર જ મતભેદો થવા લાગ્યા છે. ભાજપના એમએલસી પંકજા મુંડેએ આ નિવેદનથી પોતાને દૂર રાખતા કહ્યું કે માત્ર ભાજપ સાથે જોડાયેલા હોવાના કારણે હું આ નિવેદનને સમર્થન ન આપી શકું, કારણ કે મારો રાજકારણ પ્રત્યેનો અભિગમ અલગ છે.
ઉત્તર પ્રદેશની અને મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ અલગ છે: પંકજા મુંડે
પંકજા મુંડેએ એક મીડિયા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'મારા માટે વિકાસ એ જ વાસ્તવિક મુદ્દો છે. એક નેતાનું કામ આ ધરતી પર રહેતા દરેક વ્યક્તિને પોતાનું માનવાનું છે. અમારે મહારાષ્ટ્રમાં આવો મુદ્દો લાવવાની જરૂર નથી.' જો કે, તેમણે એમ પણ કહ્યું કે, 'યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશની રાજકીય પરિસ્થિતિમાં અલગ સંદર્ભમાં કહ્યું હતું, અને મહારાષ્ટ્રમાં તેનો જે અર્થ થાય છે તેવો અર્થ નથી.' પંકજા મુંડેએ વધુમાં કહ્યું કે, 'વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાતિ અથવા ધર્મને ધ્યાનમાં લીધા વિના દરેકને સમાન રીતે રાશન, આવાસ અને સિલિન્ડર આપ્યા છે.'
કોણ છે પંકજા મુંડે?
પંકજા મુંડે ભાજપના વરિષ્ઠ નેતા સ્વર્ગસ્થ ગોપીનાથ મુંડેના પુત્રી છે. તેમના સમર્થકો માને છે કે મોદી-શાહ યુગમાં પંકજા મુંડેને સાઈડલાઈન કરવામાં આવ્યા છે. જો કે, પંકજા મુંડેની વિરાસત અને તેમનું ઓબીસી સીટ પર વધુ પ્રભુત્વ હોવાથી પાર્ટી તેમને અવગણી શકે નહીં. તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં હારી ગયા હતા. આ પછી ભાજપે તેમને એમએલસી પદ આપ્યું હતું.
મહારાષ્ટ્ર વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે મતદાન થશે
યોગી આદિત્યનાથના આ નિવેદન સામે NCP નેતા અજિત પવાર પણ ખુલ્લીને સામે આવ્યા છે. તાજેતરમાં તેમણે કહ્યું હતું કે, 'મેં પહેલા પણ ઘણી વખત કહ્યું છે કે આ પ્રકારની રાજનીતિ મહારાષ્ટ્રમાં નહીં ચાલે. તે ઉત્તર પ્રદેશ, ઝારખંડ કે અન્ય સ્થળોએ ચાલશે, પરંતુ મહારાષ્ટ્રમાં નહીં.' મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે મતદાન થશે, જ્યારે મતગણતરી 23 નવેમ્બરે થશે.