અજાયબીભર્યો રિવાજ! દેવી-દેવતાને પણ કસૂરવાર ઠેરવીને સજા કરાય છે, બસ્તરનું અનોખું ન્યાયતંત્ર
Bastar Chhattisgarh News | છત્તીસગઢનો આદિવાસી પ્રભુત્વ ધરાવતો બસ્તર પ્રદેશ અવારનવાર નક્સલવાદીઓ અને તેમની અદાલતોને કારણે ચર્ચામાં રહે છે. આ અદાલતોમાં માઓવાદીઓ તેમની વિરુદ્ધ કામ કરનારાઓને સજા આપે છે. જો કે, બસ્તરમાં બીજી પણ એક કોર્ટ છે, જે વર્ષમાં એકવાર મળે છે અને તેના ચૂકાદામાંથી દેવી-દેવતા પણ બાકાત નથી. મંદિરમાં મળતી આ કોર્ટ દેવી-દેવતાઓને પણ કસૂરવાર ઠેરવે છે અને સજા પણ આપે છે. આ કોર્ટમાં ગામવાસીઓ ફરિયાદી, નેતાઓ વકીલ અને કૂકડાઓ સાક્ષી તરીકે હાજર રહે છે. આ પરંપરામાં એવી માન્યતા દ્રઢ છે કે દેવતાઓ અને માનવીઓ વચ્ચેના સંબંધમાં પારસ્પરિક જવાબદારી હોવી જોઈએ.
છત્તીસગઢની રાજધાની રાયપુરથી લગભગ ૨૫૦ કિલોમીટર દૂર બસ્તર વિભાગના કોંડાગાંવ જિલ્લાના કેશકલમાં એક અનોખી અદાલતની સ્થાપના કરવામાં આવી છે. બસ્તરના આદિવાસી પ્રભુત્વ ધરાવતા બસ્તર વિસ્તારમાં ભાદો જાત્રા તહેવાર દરમ્યાન ભંગારામ દેવી મંદિર ખાતે એક અનોખી પરંપરા યોજવામાં આવે છે.
અહીં જન અદાલત યોજવામાં આવે છે જ્યાં દેવી-દેવતાઓ સામે કાર્યવાહી થાય છે અને તેમને સજા પણ સંભળાવવામાં આવે છે. આ દૈવી કોર્ટ ભક્તો અને દેવતાઓ વચ્ચેના પારસ્પરિક સંબંધ ઉજાગર કરે છે જેમાં દેવતાઓ પાસે તેમના ભક્તોની સુરક્ષા અને સગવડ પૂરી પાડવાની તેમની ફરજ નિભાવવાની અપેક્ષા રાખવામાં આવે છે. દેવતાઓ ભક્તોની પ્રાર્થના સાંભળવામાં અથવા આફત ટાળવામાં નિષ્ફળ જાય તો તેમની સામે આરોપ મુકીને કેસ ચલાવવામાં આવે છે.
ત્રણ દિવસના આ તહેવાર દરમ્યાન મંદિરના દેવતા ભંગારામ દેવી આ કેસના ન્યાયાધીશ બને છે જેમાં ગામના નેતાઓ વકીલ અને કૂકડાઓ સાક્ષી તરીકે હાજર રહે છે. દેવતાઓને મંદિરમાંથી કાઢી મુકવાની ગંભીર સજા અથવા તેમની પ્રતિમાઓને બેકયાર્ડમાં અથવા કોઈ વૃક્ષ નીચે મુકી દેવાની સાંકેતિક જેલ જેવી સજા આપવામાં આવે છે. કહેવાય છે કે ચુકાદો સંભળાવનારા ગામના નેતા દેવીની સૂચના અનુસાર બોલે છે.
આ કેસો માત્ર સજા માટે નથી હોતા પણ દેવતાઓને પ્રાયશ્ચિતની તક પણ આપવામાં આવે છે. દેવતાઓ તેમના કૃત્યોમાં સુધારો કરે અને લોકોની પ્રાર્થના સાંભળે તો તેમની સજા માફ કરીને ફરી મંદિરમાં પાછા લાવવામાં આવે છે.
આ સમગ્ર યંત્રણાનું ચીવટથી દસ્તાવેજીકરણ પણ થાય છે અને આવા પ્રત્યેક કેસનું રજિસ્ટર પણ રાખવામાં આવે છે જેમાં પ્રત્યેક કેસની વિગતો, આરોપ મુકાયેલા દેવતાઓ, તેમની સામે મુકાયેલા આરોપના પ્રકારો, સાક્ષીઓ અને અંતિમ ચુકાદાની વિગતો જાળવવામાં આવે છે.
બસ્તરના આદિવાસીઓને પોતાના દેવી-દેવતાઓ છે જેમાંથી અનેક પહેલા માનવ હતા પણ તેમના ઉમદા કાર્યોને કારણે તેમને દેવતાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ભંગારામ દેવી મંદિરનો પણ પોતાનો એક સમૃદ્ધ ઈતિહાસ છે. એક માન્યતા મુજબ ૧૯મી સદીમાં રાજા ભૈરામદેવના શાસન દરમ્યાન તેની સ્થાપના થઈ હતી. કહેવાય છે કે સદીઓ અગાઉ હાલના તેલંગણના વારાંગલમાંથી આવેલા ભંગારામ દેવી માઈજીને કેશકલ પર્વતો નજીક જમીન આપવામાં આવી હતી. માઈજી અને તેમની સાથે આવેલા ડો. ખાને કોલેરા અને શીતળાની મહામારી દરમ્યાન આદિવાસીઓની અમૂલ્ય સેવા કરી હતી. ત્યારથી માઈજી અને ડો.ખાનને દૈવી દરજ્જો આપવામાં આવ્યો હતો. માઈજીને ભંગારામ દેવી અને ડો. ખાનને ખાન દેવતા અથવા કાના ડોક્ટર તરીકે ઓળખવામાં આવે છે. ભંગારામ મંદિરમાં અન્ય દેવતાઓની પ્રતિમા સાથે રાખવામાં આવેલી ખાન દેવતાની પ્રતિમાને ગામવાસીઓ લીંબુ અને ઈંડા ધરાવે છે.