Get The App

સીરિયામાં સત્તા પરિવર્તનથી ભારતને લાભ કે નુકસાન? જાણો ગૃહયુદ્ધમાં ફસાયેલા આ દેશને ભારત સાથે કેવા સંબંધ છે

Updated: Dec 9th, 2024


Google NewsGoogle News
સીરિયામાં સત્તા પરિવર્તનથી ભારતને લાભ કે નુકસાન? જાણો ગૃહયુદ્ધમાં ફસાયેલા આ દેશને ભારત સાથે કેવા સંબંધ છે 1 - image


India-Syria Relations : સીરિયામાં બશર અલ-અસદ (Bashar Al Assad)ની હકાલપટ્ટી કરીને બળવાખોરોએ આખા દેશ પર કબજો કરી લીધો છે. અસદ દેશ છોડીને ભાગી ગયા છે અને સીરિયાનું સંચાલન નવા હાથોમાં જઈ રહ્યું છે. અત્યાર સુધી ભારતના સીરિયા સાથેના સંબંધ હૂંફાળા રહ્યા છે, અસદ-રાજમાં તો સૌથી સાનુકૂળ બન્યા હતા, પણ હવે રાજકીય સમીકરણો બદલાયા છે ત્યારે એ હૂંફ અને સાનુકૂળતા કેવીક જળવાશે એ કહી શકાય એમ નથી. 

આવા રહ્યા ભારત-સીરિયા વચ્ચેના સંબંધ

ભારત અને સીરિયા લાંબા સમયથી ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક રીતે જોડાયેલા રહ્યા છે. કટોકટીના આ સમયમાં પણ ભારત સીરિયાના પક્ષમાં ઊભું રહ્યું છે. તેની એકતા, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા જાળવી રાખવાની કામના ભારતે કરી છે. બળવાખોરો સીરિયન સમાજના તમામ વર્ગોના હિતો અને આકાંક્ષાઓને ધ્યાનમાં લઈને શાંતિપૂર્ણ રીતે આગળ વધશે અને રાજકીય પ્રક્રિયા હાથ ધરશે એવી આશા ભારતે વ્યક્ત કરી છે. 

આ પણ વાંચો : આંખનો ડૉક્ટર કઈ રીતે બન્યો સીરિયાનો ક્રૂર તાનાશાહ? 30 વર્ષ અગાઉ એક દુર્ઘટનાથી બદલાયું જીવન

પરસ્પર રાજકીય સમર્થ આપ્યા છે

ભારતે વિવાદાસ્પદ ગોલાન હાઇટ્સ પર સીરિયાના દાવા બાબતે સીરિયાને હંમેશાં સમર્થન આપ્યું છે. પેલેસ્ટાઇન મુદ્દે પણ ભારત સીરિયાને ટેકો આપતું રહ્યું છે. કોવિડ રોગચાળા દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સીરિયા પર અમુક પ્રતિબંધો લાદવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેનો ભારતે સીરિયાના સમર્થનમાં વિરોધ કર્યો હતો. સામે છેડે, કાશ્મીર બાબતે સીરિયાએ હંમેશાં ભારતને સમર્થન આપ્યું છે, એમ કહીને કે કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો છે અને એનો ઉકેલ ભારતે જ લાવવાનો છે.

ભારતે યોગ્ય મુદ્દે ટીકા પણ કરી છે

અલબત્ત, ભારત ફક્ત સીરિયાને મસકા મારે છે એવું પણ નથી. ગૃહયુદ્ધમાં ઘેરાયેલા સીરિયામાં અસદના શાસન અને વિપક્ષી બળવાખોરો એમ બંને પક્ષો દ્વારા આચરવામાં આવેલી હિંસાની ભારતે નિંદા કરી જ છે.

ભારતે સીરિયામાં અબજોનું રોકાણ કર્યું છે

ભારતે સીરિયામાં સારું એવું રોકાણ કર્યું છે. જેમ કે, તિશરીન થર્મલ પાવર પ્લાન્ટ પ્રોજેક્ટ માટે 240 મિલિયન અમેરિકન ડૉલરની લોન આપી છે. સીરિયાના આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં, સ્ટીલ પ્લાન્ટનું આધુનિકરણ કરવામાં, ખાતર ક્ષેત્ર અને તેલ ક્ષેત્રમાં પણ ભારતે રોકાણ કર્યું છે. ભારત સીરિયામાં ચોખા, દવાઓ અને ટેક્સટાઇલનું પણ નોંધપાત્ર કહી શકાય એટલી માત્રામાં નિકાસ કરે છે. 

આ પણ વાંચો : સીરિયામાં સત્તાપલટો થતાં જ અમેરિકાની એરસ્ટ્રાઈક, ઈઝરાયલનો પણ 100થી વધુ સ્થળે હુમલો

અસદનું પતન સીરિયા-ભારતના સંબંધો પર કેવી અસર કરશે?

  • અસદના પતન અને રાજકીય અનિશ્ચિતતાને કારણે સીરિયા સાથેના ભારતના રાજકીય સંબંધો અને આર્થિક હિતોમાં પરિવર્તન આવી શકે છે. 
  • સત્તામાં આવેલા ‘હયાત તહરિર અલ-શામ’ (HTS) મૂળ તો અલ-કાયદામાંથી બેઠું થયેલું હોવાથી એક આતંકવાદી સંગઠન જ છે, તેથી તેની સફળતા જોઈને સીરિયામાં નવા-નવા આતંકી સંગઠનો ફૂટી નીકળે એવું બની શકે. એમાંથી કેટલા ભારતને સાનુકૂળ હોય, કોને ખબર? ISISનું સંભવિત પુનરુત્થાન પણ સીરિયા-ભારતના સંબંધો પર પ્રતિકૂળ અસર પાડી શકે છે. 
  • સીરિયાના તેલ ક્ષેત્રમાં ભારતના બે નોંધપાત્ર રોકાણ છે. પહેલું, તેલ અને કુદરતી ગેસની શોધ માટે ભારતની ONGC (ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન) અને IPR ઇન્ટરનેશનલ (ઈજિપ્ત અને અમેરિકાની કંપની) વચ્ચે 2004નો કરાર, અને બીજું, ONGC અને ચીનની CNPC દ્વારા સીરિયામાં કાર્યરત કેનેડિયન ફર્મમાં 37 ટકા હિસ્સો મેળવવા માટેનું બીજું સંયુક્ત રોકાણ. બંને મુદ્દે બળવાખોરોનો અભિગમ ભારતના આર્થિક સમીકરણો ખોરવી શકે છે.
  • મધ્યપૂર્વથી લઈને સુએઝ નહેર, મેડિટેરેનિયન સમુદ્ર અને યુરોપ સુધીનો બિઝનેસ કોરિડોર બનાવવા માટેના અબજોના પ્રોજેક્ટમાં મોટું રોકાણ કરવાનું ભારતનું લક્ષ્ય છે. આ કોરિડોર સીરિયામાંથી પસાર થતો હોવાથી એનું ભાવિ શું હશે, એય વિચારણીય મુદ્દો છે.
  • સીરિયા સાથેના હૂંફાળા સંબંધોને આધારે મધ્યપૂર્વના અન્ય ઈસ્લામિક દેશો સાથે પણ સાનુકૂળ સંબંધો કેળવવા ભારત પ્રયત્નશીલ હતું, પણ સીરિયન શાસનમાં આવેલા બદલાવને કારણે ભારત આ દિશામાં શું કરી શકશે, એ પ્રશ્ન સર્જાયો છે. 

સીરિયાની રાજકીય સ્થિતિ અસ્પષ્ટ છે ત્યારે ભારતે હવે સીરિયાના મુદ્દે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી પડે એવો મત નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.


Google NewsGoogle News