ચીને પાકિસ્તાન મોકલેલાં પ્રતિબંધિત રસાયણો પર સુરક્ષા એજન્સીઓની તરાપ, તમિલનાડુના બંદરે જપ્ત
સીએસ તરીકે ઓળખાતું રસાયણ ટિયરગેસમાં વપરાય છે
હ્યુન્ડાઇ શાંઘાઇ જહાજમાંથી 25 કિલોનું એક એવા 103 પીપમાં ભરેલો સીએસ રસાયણોનો જથ્થો સુરક્ષા એજન્સીઓએ જપ્ત કર્યો
China Chemical News | ચીને પાકિસ્તાનમાં જૈવિક અને રસાયણ યુદ્ધમાં વાપરવા માટે મોકલેલાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત સીએસ રસાયણોના 2560 કિલોના જથ્થાને ગુરૂવારે તમિલનાડુના કટ્ટપલ્લિ બંદરે કસ્ટમ્સ ઓથોરીટી દ્વારા આંતરી તેને સુરક્ષા એજન્સીઓ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. ઓર્થોક્લોરો બેન્ઝિલિડીન માલોટોનોનાઇટ્રાઇલ નામના આ રસાયણને સીએસ તરીકે ઓળખવામાં આવે છે. જેનો ઉપયોગ ટિયરગેસ અને તોફાન નિયંત્રિત કરવા માટે ઉપયોગમાં લેવાતાં રસાયણ તરીકે કરવામાં આવે છે. પણ આ વિરાટ જથ્થો દર્શાવે છે કે તેનો ઉપયોગ લશ્કરી હેતુ માટે થવાની સંભાવના વધારે છે.
ચીનના શાંઘાઇ બંદરેથી 18 એપ્રિલ 2024ના રોજ પાકિસ્તાનના કરાચી જવા રવાના થયેલાં હ્યુન્ડાઇ શાંઘાઇ નામના જહાજમાં 25 કિલોનું એક એવા 103 પીપમાં આ સીએસ રસાયણોનો જથ્થો લાદવામાં આવ્યો હતો. આ જહાજ આઠ મેના રોજ તમિલનાડુના કટ્ટુપલ્લિ બંદરે પહોંચ્યું હતું ત્યારે કસ્ટમ્સ ઓથોરિટી દ્વારા રૂટિન ચેક અપ બાદ તેને અટકાવવામાં આવ્યું હતું. આ રસાયણ કસ્ટમ્સને ભારતના નિકાસ નિયંત્રણ યાદીમાં નિયંત્રિત પદાર્થ તરીકે સમાવવામાં આવેલું જણાયું હતું.
વધુ તપાસ કરતાં જણાયું હતું કે આ રસાયણ વાસેનાર વ્યવસ્થા અનુસાર ડયુઅલ યુઝ ગુડઝ તરીકે સમાવિષ્ટ હતું. જુલાઇ ૧૯૯૬માં સ્થાપવામાં આવેલી વાસેનાર વ્યવસ્થા સ્વૈચ્છિક નિકાસ નિયંત્રણ તંત્ર છે. ભારત સહિત 42 દેશો આ વ્યવસ્થામાં સભ્યો છે. સભ્ય દેશો પરંપરાગત શસ્ત્રોની ટ્રાન્સફર અને ડયુઅલ યુઝ ગુડઝ એન્ડ ટેકનોલોજી એટલે કે જેનો યુદ્ધમાં પણ ઉપયોગ થઇ શકે તેવી સામગ્રીની માહિતીની આપલે કરે છે. પાકિસ્તાન અને ચીન આ વ્યવસ્થામાં સામેલ નથી.
પાકિસ્તાનમાં હાલ જે આંતરવિગ્રહની સ્થિતિ છે તે જોતાં આટલા મોટા પ્રમાણમાં આ રસાયણને પાકિસ્તાન મોકલવામાં આવી રહ્યું હતું તે ચિંતાજનક બાબત છે. હાલ સુરક્ષા દળો બલુચિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આંદોલનોને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તે જોતાં આ રસાયણોનો ક્યાં અને કેવો ઉપયોગ થશે તેનું અનુમાન લગાવવું મુશ્કેલ નથી. ચીન પાકિસ્તાનને મોકલેલી લશ્કરી હેતુ માટે પણ વપરાતી આ ચીજોના જથ્થા પકડાવાને પગલે ચીન અને પાકિસ્તાન વચ્ચેનું નેટવર્ક ઉઘાડું પડી ગયું છે. ચીન પાકિસ્તાનના લશ્કરી વિકાસને આ રીતે સહાય કરી રહ્યું છે.
અગાઉ માર્ચ મહિનામાં સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાનના સંરક્ષણ ઉદ્યોગમાં વપરાવા જઇ રહેલી કમ્પ્યુટર ન્યુમરિકલ કન્ટ્રોલ-સીએનસી-મશીનરી જપ્ત કરી હતી. એપ્રિલમાં પાકિસ્તાનનાબેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ માટે જરૂરી પૂર્જા પુરા પાડતી ત્રણ ચીની કંપનીઓ પર અમેરિકાએ નિયંત્રણો લાદ્યા હતા. આ જપ્તીઓ દર્શાવે છે કે ચીન અને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનો ભંગ કરી ગેરકાયદે પ્રવૃત્તિઓ કરે છે. પાકિસ્તાનની લશ્કરી પ્રવૃત્તિઓને ચીન દ્વારા મળતાં ટેકાને કારણે પ્રાદેશિક સ્થિરતા અને વૈશ્વિક સુરક્ષા માટે જોખમ ઉભું થયું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિઓ સામે તાકીદે પગલાં લેવામાંઆવે એ બાબત પર અધિકારીઓ દ્વારા ભાર મુકવામાં આવ્યો હતો.