રાજસ્થાનની સૌથી હોટ સીટ પર ચૂંટણી બાદ હોબાળો, યુવા નેતા રવિન્દ્રસિંહ ભાટી ધરણા પર બેઠા
Lok Sabha Elections 2024 : રાજસ્થાનની સૌથી હોટ બેઠક ગણાતા બાડમેર લોકસભા ક્ષેત્રમાં મતદાન દરમિયાન બાયતું વિસ્તારમાં થયેલ મારપીટની ઘટનાને લઈને અપક્ષ ઉમેદવાર રવિન્દ્રસિંહ ભાટી પોતાના હજારો સમર્થકો સાથે બાલોતરા પહોંચ્યા હતા. રવિન્દ્ર ભાટીએ એસપી કચેરી સામે ધરણાં યોજ્યા હતા. જેને પગલે ત્યાં મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવાઈ હતી. આ બાદ ભાટી અને એસપી વચ્ચે બેઠક યોજાઇ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, શુક્રવારે મતદાન દરમિયાન બાડમેર જેસલમેર લોકસભા બેઠકના બાયતુ વિધાનસભા વિસ્તારમાં વિવાદ સર્જાયો હતો. રવિન્દ્રસિંહ ભાટી પોતાના સમર્થકો સાથે ત્યાંથી નીકળતા સમયે અકદડા ગામના એક બુથ પર ગયા હતા. અહીં કોંગ્રેસ કાર્યકરો સાથે માથાકૂટ થઈ હતી. જેને લઇને કોંગ્રેસ કાર્યકરોએ ભાટીના સમર્થકો સાથે મારપીટ કરી હતી. તેમની ગાડીઓ તોડી નાખી હતી. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડયો હતો.
પોલીસે શાંતિભંગના આરોપસર 13 વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમાં ભાટી સમર્થક ઘાયલ કાર્યકરો પણ હતાં. ભાટીએ પોલીસ સ્ટેશને પહોંચી અધિકારીઓ સાથે વાત કરી હતી. તેમણે પોલીસ પર એકતરફી કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમનો આરોપ હતો કે પોલીસે તેમના ઘાયલ કાર્યકરોએ જરૂરી તબીબી સુવિધા આપી નહોતી. કારણ વગર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા. પરંતુ પોલીસે તેમની ફરિયાદ ગંભીરતાથી લીધી નહોતી.
રવિન્દ્રસિંહ ભાટીએ ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, 'જે લોકો વોટ આપવા આવી રહ્યા હતા ત્યારે તેમની સાથે મારપીટ કરાઈ અને તેમની ધરપકડ કરવામાં આવી હતી.'