નવરાત્રિના કાર્યક્રમમાં ભીડ પર કાર લઈને ફરી વળ્યો નશામાં ધૂત વ્યક્તિ, 12 લોકોને કચડી નાખ્યાં
Accident in Navratri | ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ નવરાત્રિની ઉજવણી ચાલી રહી છે ત્યારે રાજસ્થાનમાં પણ ઠેર ઠેર મંડપ અને શણગારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન અહીં બારા જિલ્લાના અટરુ વિસ્તારમાં ચાર રસ્તા પર લોકો જ્યારે નવરાત્રિ માટે તૈયાર કરવામાં આવેલી ઝાંકી જોઈ રહ્યા હતા ત્યારે જ લોકોની ભીડ પર નશામાં ધૂત વ્યક્તિએ કાર ફેરવી નાખી હતી. આ દુર્ઘટનામાં 12 લોકોને કચડી નાખ્યા હતા જેમને હૉસ્પિટલમાં ખસેડાયા છે. જેમાંથી 4ની હાલત ગંભીર જણાવાઈ રહી છે.
પોલીસે આપી માહિતી...
કોન્સ્ટેબલ મનોજ ગુર્જરે જણાવ્યું કે કાર ચાલક હાનિ હેડાનો છે જે લગભગ રાતે 10 વાગ્યે બસ સ્ટેન્ડ તરફથી નશામાં ધૂત થઈને પૂરપાટ ઝડપે કાર ચલાવીને આવી રહ્યો હતો. ત્યારે જ ચાર રસ્તા પર માતાની ઝાંકીમાં આરતીમાં સામેલ અનેક લોકો પર કાર લઈને ફરી વળ્યો હતો. આ કારની લપેટમાં એક ગાય પણ આવી ગઈ હતી જે મૃત્યુ પામી. જેના લીધે અફરાતફરી મચી ગઈ હતી.
ભીડના હથ્થે ચઢી ગયો ડ્રાઇવર
આ અકસ્માત બાદ અફરાતફરી વચ્ચે ભીડ વિફરતાં લોકોએ નશામાં ધૂત ડ્રાઇવરને બહાર કાઢીને બરાબરનો મેથીપાક આપ્યો હતો. ઘાયલોને અટરુ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોલીસે આ મામલે કાર્યવાહી કરતાં કાર જપ્ત કરી લીધી છે અને આરોપીની ધરપકડ કરી હતી.