પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર અયોધ્યા જતાં શ્રદ્ધાળુઓની ગાડી ઊભી બસ સાથે અથડાઈ, 4ના મોત
Road Accident: બારાબંકીમાં પૂર્વાચલ એક્સપ્રેસ-વે પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. રસ્તા પર બંધ પડેલી બસ સાથે પાછળથી આવી રહેલી એક મિની બસ અથડાઈ જતાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે છ ઈજાગ્રસ્ત થયા હતા. આ મિની બસ શ્રદ્ધાળુઓને લઈને મહારાષ્ટ્રથી અયોધ્યા જઈ રહી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર, આ અકસ્માત બારાબંકીના લોની કટરામાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વે 21/7 પર થયો હતો. જ્યાં બંધ પડેલી બસ રસ્તા પર ઉભી હતી. ત્યારે અચાનક પાછળથી ફૂલ સ્પીડે આવી રહેલી મિની બસ બેકાબૂ બનતાં અથડાઈ હતી. જેમાં 18 લોકો સવાર હતાં. તમામ મહારાષ્ટ્રથી અયોધ્યા જઈ રહ્યા હતા. જેમાંથી ચારના ઘટનાસ્થળે જ મોત થયા હતાં. જ્યારે અન્ય છ ઘાયલ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
આ પણ વાંચોઃ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન, 18મીએ મતગણતરી, રાજકીય પક્ષોએ કમર કસી
બારાબંકીના એસપી દિનેશ સિંહે જણાવ્યું કે, રવિવાર સવારે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર આ દુઃખદ ઘટના બની હતી. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે મોત થયા હતાં. મૃતકોના શબ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે ઘાયલોને સારવાર અર્થે સીએચસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
મિરઝાપુર-પ્રયાગરાજ હાઈવે પર ભીષણ અકસ્માત
શનિવારે પ્રયાગરાજમાં પણ ભીષણ અકસ્માત સર્જાયો હતો. મિરઝાપુર-પ્રયાગરાજ હાઈવે પર એક બોલેરો અને બસ વચ્ચે ભીષણ અકસ્માત થતાં બોલેરોમાં સવાર 10 લોકો મૃત્યુ પામ્યા હતાં. બોલેરોમાં સવાર તમામ યાત્રી છત્તિસગઢના કોરબા જિલ્લાના હતા. તેઓ મહાકુંભમાં સ્નાન કરી પરત ફરી રહ્યા હતાં. જ્યારે બસમાં મધ્યપ્રદેશના રાજગઢના લોકો હતો. તેઓ મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા. બસમાં સવાર 19 લોકો ઘાયલ થયા હતાં.