3 મોટા કૌભાંડીની 17,748 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ, લોકોના એકાઉન્ટમાં 22,280 કરોડ ટ્રાન્સફર થયા
Parliament Session : નાણામંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) મંગળવારે સંસદમાં કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર આર્થિક ગુનાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે. મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની મેહનત અને 2015માં લવાયેલા બ્લેક મની એક્ટ (BMA)ની સંપૂર્ણ અસર જોવા મળી રહી છે.
ત્રણ કૌભાંડીની સંપત્તિ બેંકોને પરત અપાઈ
સંસદમાં જવાબ આપતી વખતે નાણામંત્રીએ કહ્યું કે, ‘એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આર્થિક ગુનાઓમાં સામેલ ગુનેગારોની સંપત્તિની હરાજી કરી તેમજ અન્ય કાર્યવાહીની મદદથી બેંકો તેમજ પીડિત પક્ષને રૂપિયા 22,280 કરોડ રૂપિયા પરત અપાવ્યા છે. વિજય માલ્યા (Vijay Mallya)ની 14131 કરોડ રૂપિયાની સંપત્તિ તેમજ નિરવ મોદી (Nirav Modi)ની 1052 કરોડ રૂપિયાની સંપત્તિ બેંકોને અપાઈ છે. મેહુલ ચોક્સી (Mehul Choksi)ની પણ 2565 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે અને તે સંપત્તિ બેંકોને પરત કરવામાં આવશે.
2024-25માં બે લાખ કરદાતાઓએ વિદેશમાં સંપત્તિ હોવાનો ખુલાસો કર્યો
તેમણે કહ્યું કે, કાળા નાણાંને પરત લાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં 582 કેસમાં 33,393 કરોડ રૂપિયાની અઘોષિત આવક શોધી કઢાઈ છે. કાયદા હેઠળ કરાયેલી કાર્યવાહીની અસરના કારણે આકારણી વર્ષ 2021-22માં 60,467 કરદાતાઓએ જ્યારે 2024-25માં બે લાખ કરદાતાઓએ વિદેશમાં તેમની સંપત્તિ હોવાનો ખુલાસો કર્યો છે.
આ પણ વાંચો : સંજય સિંહ પર નવી આફત, CM પ્રમોદ સાવંતની પત્નીએ 100 કરોડનો માનહાનિનો કેસ કર્યો
રૂ.2655 કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલાયો
તેમણે કહ્યું કે, ‘બ્લેક મની એક્ટ હેઠળ જૂન-2024 સુધીમાં 2655 કરોડ રૂપિયાના ટેક્સની વસૂલાત કરવામાં આવી છે. જ્યારે 697 કેસોનું મૂલ્યાંકન કરી દેવાયું છે અને તેમાં 17,520 કરોડ રૂપિયાની વસૂલી કરવાની બાકી છે. બીએમસી હેઠળ 341 કેસોમાં 9971 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, HSBC, ICIJ, પનામા, પેરાડાઈઝ અને પેનડોરા લીક સંબંધી 120 કેસમાં કાર્યવાહી ચાલી રહી છે.
આ પણ વાંચો : નહેરુ-એડવિનાના પત્રોનું ભૂત ફરી ધૂણ્યું, જાણો આઝાદીના 78 વર્ષ પછીયે કેમ છુપાવી રખાયા છે