બેન્કો ક્રેડિટ કાર્ડના બાકી બિલ પર 50 ટકા સુધીનો ચાર્જ વસૂલી શકે: સુપ્રીમ કોર્ટ
- બેદરકાર ગ્રાહકો માટે ક્રેડિટ કાર્ડ મુસીબત બની શકે
- એનસીડીઆરસીની 30 ટકાની ટોચમર્યાદાનો 16 વર્ષ જૂનો આદેશ સુપ્રીમ કોર્ટે ફગાવતા બેન્કોને રાહત મળી
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ક્રેડિટ કાર્ડ આપતી બેન્કો માટે અત્યંત મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદા મુજબ ક્રેડિટ કાર્ડ આપતી બેન્કો ગ્રાહકો પાસેથી ૩૦ ટકા કરતાં વધુ ચાર્જ વસૂલી શકે છે. આમ તેણે ૧૬ વર્ષ જૂનો નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશનનનો આદેશ રદ કર્યો છે, જેણે ક્રેડિટ કાર્ડ કંપનીઓ પર ૩૦ ટકાની ટોચમર્યાદા લાદી હતી. હવે બેન્કો કાર્ડના બાકી લેણા પર ૫૦ ટકા સુધીનું વ્યાજ વસૂલી શકે છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સીધો અર્થ એવો થાય કે જો તમે બિલ પેમેન્ટ કરો છો કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કોઈ ખરીદદારી કરો છો. તેમા જો તમે બિલ ભરવાનું ભૂલી ગયા તો બેન્ક પોતાની મનમરજી મુજબ આ ભૂલ માટે પેનલ્ટી લગાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે એનસીઆરડીસીએ ૩૦ ટકાની ટોચમર્યાદા લગાવ્યા પછી બેન્કોએ આ મુદ્દે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. બેન્કોના તરફથી દલીલ કરવામાં આવી હતી કે ૩૦ ટકાની ટોચમર્યાદા નક્કી કરવામાં આવ્યા પછી તેઓ ક્રેડિટ કાર્ડ ડિફોલ્ટરને અસરકારક રીતે પહોંચી વળી શકતા નથી. કોર્ટ તરફથી બેન્કોની તરફેણમાં આવેલો આ ચુકાદો ક્રેડિટ કાર્ડધારકોની આંખ ખોલી નાખનારો ચુકાદો છે.
ન્યાયાધીશ બેલા એમ ત્રિવેદી અને સતીશ શર્માની બેન્ચે જણાવ્યું હતું કે એનસીડીઆરસીનું નિરીક્ષણ છે કે ૩૦ ટકાથી ઊંચો વ્યાજદર અયોગ્ય ધંધાકીય રીતરસમ છે તો તેને અયોગ્ય ઠેરવવી જોઈએ. આ સ્પષ્ટપણે રિઝર્વ બેન્કના આદેશનો રીતસરનો ભંગ છે. કોર્ટે જણાવ્યું હતું કે આ આદેશ બેન્કિંગ નિયંત્રણ ધારા ૧૯૪૯ના આદેશનો ભંગ છે.
કોર્ટે તો ત્યાં સુધી જણાવી દીધું હતું કે એનસીડીઆરસીને કોઈ અધિકાર જ નથી કે તે બેન્કો અને ગ્રાહક વચ્ચે થતાં કરારને લઈને કોઈ આદેશ આપે. આ તેના અધિકાર ક્ષેત્ર બહારની વાત છે. બેન્ચે તેના ૨૦મી ડિસેમ્બરના ચુકાદામાં જણાવ્યું હતું કે અમે અહીં રિઝર્વ બેન્કની તે રજૂઆત સાથે સંમત છીએ કે વર્તમાન કિસ્સામાં રિઝર્વ બેન્કને બેન્કો સામે, બેન્કને કે બેન્કિંગ સેક્ટર સામે કોઈપણ પ્રકારના પગલાં લેવાનો આદેશ આપવાની જરૂર અહીં વર્તાતી નથી.