વૃંદાવનમાં બાંકે બિહારીના દર્શન માટે પણ રજિસ્ટ્રેશન ફરજિયાત, મંદિરમાં એન્ટ્રી માટે બતાવવું પડશે આધાર કાર્ડ
નવી દિલ્હી,તા. 7 એપ્રિલ 2023, શુક્રવાર
મથુરાનું વૃંદાવન હંમેશા દેશભરના કૃષ્ણ ભક્તો માટે સૌથી પ્રિય સ્થાનોમાંથી એક રહ્યું છે. વૃંદાવન સ્થિત બાંકે બિહારીના દર્શન કરવા દરરોજ હજારો-લાખો ભક્તો આવે છે. રજા હોય કે સામાન્ય દિવસ વૃંદાવનમાં હંમેશા ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આ ઘસારાને ધ્યાનમાં રાખીને વૃંદાવન આવતા શ્રદ્ધાળુઓ માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
બાંકે બિહારી મંદિરમાં નવો નિયમ લાગુ
વૃંદાવન સ્થિત બાંકે બિહારી મંદિરમાં ભક્તોની વિશાળ ભીડને નિયંત્રિત કરવા માટે હવે એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. હવે કૃષ્ણ ભક્તોએ બાંકે બિહારીના દર્શન માટે અગાઉથી જ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજિસ્ટ્રેશનને આધારે જ તેઓ દર્શન કરી શકશે. ભારે ભીડ અને વૃંદાવનના બાંકે બિહારીના દર્શન માટે દરરોજ લાંબી કતારોને જોતા આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
ઓનલાઈન દર્શન પ્રક્રિયા શરૂ
પ્રશાસને વૃંદાવનના વેપારીઓ અને દુકાનદારોની સલાહ લીધા બાદ ઓનલાઈન દર્શન પણ શરૂ કર્યા છે. બહારથી આવતા તમામ ભક્તોએ ભગવાન બાંકે બિહારીની સાઈટ પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યાર બાદ જ ભક્તો ભગવાન બાંકે બિહારીના દર્શન કરી શકશે. આ સિવાય દર્શન કરવા માટે ભક્તોએ પોતાનું આધાર કાર્ડ પણ બતાવવાનું રહેશે. આ ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે.
કેવી રીતે પહોંચવું વૃંદાવન ?
તમે રોડ અને રેલવે દ્વારા સીધા વૃંદાવન પહોંચી શકો છો. જોકે હવાઈ માર્ગે વૃંદાવન જવા માટે તમારે પહેલા આગ્રા અથવા દિલ્હીમાં ઉતરવું પડશે, ત્યારબાદ તમે કાર, ટેક્સી અથવા કેબની મદદથી રોડ માર્ગે વૃંદાવન પહોંચી શકો છો. આ સિવાય તમે એક્સપ્રેસ વે દ્વારા દિલ્હી અથવા લખનૌથી સીધા વૃંદાવન પણ પહોંચી શકો છો.