મહિલા જન ધન બેંક ખાતામાં રૃ. ૫૦૦નો બીજો હપ્તો સોમવારથી જમા થશે
કોરોનાને પગલે સરકાર એપ્રિલ,મે અને જૂનમાં મહિલા જન ધન ખાતાઓમાં રૃ ૫૦૦ જમા કરાવશે
બેંક ખાતાના છેલ્લા આંકને આધારે અલગ અલગ તારીખે રકમ જમા થશે
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨
મહિલા જન ધન બેંક ખાતાધારકોને ૫૦૦ રૃપિયાનો બીજો હપ્તો સોમવારથી મળવાનું શરૃ થઇ જશે તેમ નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. નાણા પ્રધાન નિર્મલા સિતારમને આ અંગે માર્ચ મહિનામાં જાહેરાત કરી હતી.
કોરોના મહામારીને પગલે ગરીબોને મદદ કરવા માટે સરકારે ૨૬ માર્ચે જાહેરાત કરી હતી કે આગામી ત્રણ મહિના સુધી મહિલા જન ધન બેંક ખાતાધારકોના ખાતામાં ૫૦૦ રૃપિયા જમા કરવામાં આવશે.
નાણાકીય સેવાઓના સચિવ દેબાશીશ પાંડાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ પ્રધાન મંત્રી જન ધન યોજનાના મહિલા ખાતાધારકોના બેંક ખાતામાં મે મહિનાના ૫૦૦ રૃપિયા જમા કરાવી દેવામાં આવ્યા છે.
સરકારે નક્કી કરેલી યોજના મુજબ જે ખાતા ધારકોના ખાતાનો છેલ્લો અંક ૦ કે ૧ છે તેમના ખાતામાં ૪ મેના રોજ ૫૦૦ રૃપિયા જમા કરવામાં આવશે. જે ખાતાનો છેલ્લો અંક ૨ કે ૩ છે તેમના ખાતામાં પાંચ મેના રોજ રકમ જમા કરવામાં આવશે. જે ખાતાનો છેલ્લો અંક ૪ કે ૫ છે તેમના ખાતામાં ૬ મે અને છેલ્લો અંક ૬ કે ૭ છે તેમના ખાતામાં ૮ મેના રોજ રકમ જમા કરવામાં આવશે. છેલ્લો આંક ૮ કે ૯ છે તેમના ખાતામાં ૧૧ મેના રોજ રકમ જમા કરવામાં આવશે. એપ્રિલ મહિનામાં કુલ ૨૦.૦૫ કરોડ મહિલા જન ધન ખાતા ધારકોના ખાતામાં કુલ ૧૦,૦૨૫ કરોડ રૃપિયા જમા કરાવવામાં આવ્યા હતાં.