નકલી દસ્તાવેજો પર ભારતમાં રહેતી બાંગ્લાદેશી પોર્ન સ્ટાર પકડાઈ, મહારાષ્ટ્રમાં પોલીસે કરી ધરપકડ
Image: Freepik
Maharashtra Police: મહારાષ્ટ્રની ઉલ્હાસનગર પોલીસે પોર્ન સ્ટાર રિયા બર્ડેની ધરપકડ કરી લીધી છે. રિયાને ભારતીય પોર્ન ઈન્ડસ્ટ્રીમાં આરોહી બર્ડે અને બન્ના શેખના નામથી ઓળખવામાં આવે છે. રિયા બર્ડે પર બનાવટી દસ્તાવેજો દ્વારા ભારતમાં રહેવાનો આરોપ છે અને આ આરોપના કારણે ઉલ્હાસનગર સ્થિત હિલ લાઈન પોલીસે અરેસ્ટ કર્યા છે.
આ મામલે આઈપીસી 420, 465, 468, 479, 34 અને 14 એ હેઠળ કેસ નોંધાયો છે. રિયા પર આરોપ છે કે મૂળ બાંગ્લાદેશી છે અને તેની માતા, ભાઈ અને બહેન બનાવટી દસ્તાવેજ બનાવીને ભારતમાં ગેરકાયદેસર રીતે રહી રહ્યાં છે. મહત્વની વાત એ છે કે બાંગ્લાદેશી હોવા છતાં ભારતીય ડોક્યુમેન્ટ બનાવવા માટે રિયાની માતાએ અમરાવતીના એક શખ્સ સાથે લગ્ન કર્યા હતા.
સમગ્ર પરિવારને આરોપી બનાવાયો
હાલ આ મામલે પોલીસે રિયા સિવાય તેની માતા અંજલી બર્ડે ઉર્ફે રુબી શેખ, પિતા અરવિંદ બર્ડે, ભાઈ રવિન્દ્ર ઉર્ફે રિયાજ શેખ અને બહેન રિતુ ઉર્ફે મોની શેખને પણ આરોપી બનાવ્યા છે. પોલીસે જણાવ્યું કે રિયા ઘણા પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલી હતી અને તેણે ઘણી પોર્ન ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય રિયા આરોહી નામથી પણ પોર્ન ઈન્ડસ્ટ્રીમાં જાણીતી છે.
સમગ્ર મામલાની તપાસ કરનાર પોલીસ સબ-ઈન્સ્પેક્ટર સંગ્રામ માલકરે જણાવ્યું કે તપાસમાં જાણ થઈ છે કે રિયાની માતા અંજલી બાંગ્લાદેશની રહેવાસી છે અને તે પોતાની બે પુત્રીઓ રિયા અને પુત્રની સાથે ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતી હતી. રિયાની માતાએ પશ્ચિમ બંગાળની હોવાનો દાવો કરતા અમરાવતીના રહેવાસી અરવિંદ બર્ડે સાથે લગ્ન કર્યા અને બાદમાં પોતે અને બાળકો માટે બનાવટી જન્મ પ્રમાણ પત્ર અને અન્ય બનાવટી દસ્તાવેજ બનાવીને ભારતીય નાગરિકનો પાસપોર્ટ બનાવી દીધો જેથી તે પોતાની ભારતીય ઓળખ સાબિત કરી શકે.
રિયાના માતા-પિતા કતારમાં રહે છે
પોલીસને જાણકારી મળી કે રિયાના માતા અને પિતા બંને હાલ કતારમાં રહે છે જ્યારે પોલીસ તેના ભાઈ અને બહેનની પણ શોધખોળ કરી રહી છે. પોલીસે જણાવ્યું કે રિયાને પહેલા મુંબઈ પોલીસે એક મામલામાં અનૈતિક ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે રિયાના મિત્ર પ્રશાંત મિશ્રાને જાણ થઈ કે તે મૂળ બાંગ્લાદેશની રહેવાસી છે અને દેશમાં ગેરકાયદેસર રીતે રહે છે. તેણે પોલીસમાં તેની ફરિયાદ કરી જે બાદ પોલીસે તેના દસ્તાવેજોની તપાસ કરી અને સમગ્ર મામલાનો ખુલાસો કર્યો.