Get The App

બાંગ્લાદેશી-રોહિંગ્યા ઘૂસણખોરોનો ઝારખંડ પર કબજો વધી રહ્યો છે : મોદી

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશી-રોહિંગ્યા ઘૂસણખોરોનો ઝારખંડ પર કબજો વધી રહ્યો છે : મોદી 1 - image


- ઘૂસણખોરોને ઝારખંડનો જેએમએમ સાથ આપી રહ્યો છે : પીએમ

- ખરાબ હવામાનને કારણે મોદી જમશેદપુર મોડા પહોંચતા રોડ શો રદ કરાયો, રાંચીથી છ વંદેભારતને લીલી ઝંડી 

રાંચી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના જમશેદપુરમાં એક સભાને સંબોધતા સત્તાધારી પક્ષ ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ દાવો કર્યો હતો કે બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યા ઘૂસણખોરોને ઝારખંડનો સત્તાધારી પક્ષ જેએમએમ સાથ આપી રહ્યો છે. એટલુ જ નહીં આ ઘૂસણખોરો દેશમા ઘૂસ્યા બાદ જેએમએમમાં પણ ઘૂસી ગયા છે. આવુ એટલા માટે થઇ રહ્યું છે કેમ કે જેએમએમમાં કોંગ્રેસનુ ભૂત ઘૂસી ગયું છે.  

મોટો પડકાર બનેલા ઘૂસણખોરોનો જમીન-પંચાયત પર કબજો, દિકરીઓ પર અત્યાચાર કરી રહ્યા છે ઃ વડાપ્રધાન

આ પહેલા ખરાબ હવામાનને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમયસર જમશેદપુર નહોતા પહોંચી શક્યા, જેને કારણે તેમનો નક્કી કરાયેલો રોડ શો પણ અટકાવી દેવો પડયો હતો. મોદીએ ઝારખંડ, ઓડિશા, બિહાર અને ઉત્તર પ્રદેશ માટે રાંચીથી જ છ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી દીધી હતી. મોદી આ ટ્રેનોને ટાટાનગરથી લીલી ઝંડી આપવાના હતા જોકે હવામાન સારુ ના હોવાથી તેમનું હેલિકોપ્ટર ઉડી નહોતુ શક્યું. જે બાદ મોદી જમશેદપુર પહોંચ્યા હતા અને સભાને સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે ગમે તેટલો તેજ વરસાદ પડે, ગમે એટલી અડચણો આવે મને જનતાથી અલગ નહીં કરી શકે. હું તમારા દર્શન કર્યા વગર પરત ના જઇ શકું અને તેથી રોડ થકી જ તમારા દર્શન કરવા પહોંચી ગયો છું. 

ઝારખંડના વખાણ કરતા મોદીએ કહ્યું હતું કે આ ભગવાન બિરસા મુંડાના તપ અને ત્યાગ તેમજ આશિર્વાદની ધરતી છે. હું ઝારખંડની આ મહાન ધરતીને પ્રણામ કરું છું. પૂર્વ મુખ્યમંત્રી અને જેએમએમ છોડીને ભાજપમાં સામેલ થયેલા ચંપાઇ સોરેનનો ઉલ્લેખ કરીને મોદીએ કહ્યું હતું કે જેએમએમ માટે આદિવાસી સમાજનું સન્માન નહીં પણ પોતાનો રાજકીય ફાયદો સર્વોપરી છે. આજે ઝારખંડનો ગરીબ આદિવાસી પૂછી રહ્યો છે કે ચંપાઇ સોરેન આદિવાસી નહોતા? શું તેઓ એક ગરીબ પરિવારથી નહોતા આવતા? તેમની પાસેથી મુખ્યમંત્રીની ખુરસી લઇને તેમનું અપમાન કરવામાં આવ્યું. આજે દેશના આદિવાસી, દલિત-વંચિત, મહિલાઓને મોદી પર વિશ્વાસ છે. દેશના યુવાઓ મોદી પર ભરોસો કરી રહ્યા છે. 

મોદીએ બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરોનો ઉલ્લેખ કર્યો હતો, તેમણે કહ્યું હતું કે આ ઘૂસણખોરો ઝારખંડ માટે મોટુ સંકટ બની ગયા છે. ઝારખંડના સંથાલ પરગાસણ અને કોલ્હાન માટે મોટો પડકાર બની ગયા છે. જેને કારણે આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ બદલાઇ રહી છે. બીજી તરફ આદિવાસી વસતી ઘટી રહી છે. ઘૂસણખોરોએ પંચાયત વ્યવસ્થા પર કબજો કરી લીધો છે, જમીન પણ હડપી રહ્યા છે. રાજ્યની દિકરીઓ પર અત્યાચાર કરી રહ્યા છે. ઝારખંડનો દરેક વ્યક્તિ અસુરક્ષીત મહેસુસ કરી રહ્યો છે.   


Google NewsGoogle News