બાંગ્લાદેશના સાંસદ હની ટ્રેપનો શિકાર હોવાની શંકા, શબને કાપવા મુંબઇથી કસાઇ બોલાવ્યો હતો
હની ટ્રેપમાં ફસાવનારી મહિલાનું નામ શિલાસ્તી રહેમાન હોવાનો દાવો
લાશની ઓળખ ના થઇ શકે તે માટે પેક કરીને ઠેકાણે પાડી દેવાઇ
કોલકાતા,૨૪ મે,૨૦૨૪,શુક્રવાર
બાંગ્લાદેશની નેશનલિસ્ટ પાર્ટીના સાંસદ અનવારુલ અજીમની હત્યાની તપાસમાં ચોંકાવનારી માહિતી મળી રહી છે. પશ્ચિમ બંગાળની સીઆઇડીએ એક કસાઇની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. અનવારુલના મૃતદેહના ટુકડા કરવા માટે મુંબઇથી ખાસ ગોઠવણ કરીને કોલક્તા બોલાવવામાં આવ્યો હતો. શબ કાપનારા કસાઇની ઉંમર ૨૪ વર્ષની છે તેનું નામ જિહાદ હવાલદાર છે.
મુંબઇમાં રહેતો આ કસાઇ ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતો પ્રવાસી હોવાનું જણાય છે. આ શખ્સ અજીમની હત્યાના બે મહિના પહેલા કોલકાતા આવ્યો હતો. જીહાદે કબૂલી લીધું છે કે બાંગ્લાદેશી મૂળના અમેરિકી નાગરિક અખ્તરુજ્જમાના આદેશ અનુસાર હત્યા થઇ હતી જે માસ્ટર માઇન્ડ છે.
પોલીસને શંકા છે ભારતમાં સારવાર માટે આવેલા બાંગ્લાદેશના સાંસદ હનીટ્રેપનો શિકાર બન્યા હશે. સાંસદને એક મહિલા ન્યુ ટાઉનના એક ફલેટમાં લઇ ગઇ હતી. હની ટ્રેપમાં ફસાવનારી મહિલાનું નામ શિલાસ્તી રહેમાન હોવાનો દાવો કરવામાં આવી રહયો છે. આ જ ફલેટમાં કોઇ સોપારી કિલર દ્વારા હત્યા કરવામાં આવી હોય તેવું બની શકે છે.
સાંસદ અનવારુલ અજીમના શબ કોલકાતા પાસે ન્યૂ ટાઉનમાંથી મળી આવતા હત્યાનો ભેદ ખુલ્યો હતો. મૃતકની શરીર જ નહી તેમાં રહેલા હાડકાના પણ નાના ટુકડા કરી નાખવામાં આવ્યા હતા. લાશની ઓળખ ના થઇ શકે તે માટે પેક કરીને ઠેકાણે પાડી દેવામાં આવી હતી. હત્યા કેસમાં પકડવામાં આવેલો શખ્સ બાંગ્લાદેશની સરહદ સાથે સંકળાયેલા એક વિસ્તારનો છે. આ શખ્સે જ હત્યા કેસમાં મુખ્ય આરોપીમાંના જ એક સાથે મુલાકાત કરી હતી.બાંગ્લાદેશના એમ પી સારવાર માટે ભારત આવ્યા હતા પરંતુ 13 મેથી રહસ્યમયી રીતે ગુમ થયા પછી તેમની હત્યા થઇ હતી. આ સમગ્ર ઘટનાએ કોલકાતા જ નહી સમગ્ર દેશમાં ચકચાર જગાવી છે.