બાંગ્લાદેશ હિંસાની અસર, ભારતથી-ઢાકા વચ્ચે રેલવે સેવા ઠપ, ફ્લાઇટને પણ અસર

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશ હિંસાની અસર, ભારતથી-ઢાકા વચ્ચે રેલવે સેવા ઠપ, ફ્લાઇટને પણ અસર 1 - image


Bangladesh Violence: બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ સાથે લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યા છે. એવામાં પાંચમી ઑગસ્ટે વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે અને પોતાનો દેશ છોડીને ઢાકાથી અગરતલા થઈને ભારત આવી ગયા છે. ત્યારે બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ ઘણી ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો છે. કોલકત્તાથી ઢાકા અને ખુલના જતી ચાર પેસેન્જર ટ્રેન અને માલસામાન ટ્રેનોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે. 

આ ટ્રેન રદ કરવામાં આવી!

અહેવાલો અનુસાર, 13109/13110 કોલકત્તા-ઢાકા-કોલકત્તા મૈત્રી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. આ ટ્રેન કોલકત્તાથી મંગળવાર અને શુક્રવારે અને ઢાકાથી બુધવાર અને શનિવારે દોડે છે. 

13107/13108 ઢાકા-કોલકત્તા-ઢાકા મૈત્રી એક્સપ્રેસ જે કોલકત્તાથી શનિવાર, સોમવાર, બુધવાર અને ઢાકાથી શુક્રવાર, રવિવાર, મંગળવારના રોજ ઉપડે છે, તે પણ રદ કરવામાં આવી છે.

13129/13130 કોલકત્તા-ખુલના-કોલકત્તા બંધન એક્સપ્રેસ પણ રદ કરવામાં આવી છે. આ ટ્રેન કોલકત્તાથી ગુરુવાર અને રવિવારે અને ખુલનાથી ગુરુવાર અને રવિવારે ચાલે છે. 

13131/13132 ઢાકા-ન્યુ જલપાઈગુડી-ઢાકા મિતાલી એક્સપ્રેસ ટ્રેન સેવાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, માલવાહક કામગીરી પણ બંધ કરી દેવામાં આવી છે. હાલમાં, ભારતીય રેલવે પાસે બાંગ્લાદેશમાં 168 લોડેડ વેગન અને 187 ખાલી વેગન છે. આ ઉપરાંત બાંગ્લાદેશ માટે 8 લોડેડ રેક ભારતમાં રોકવામાં આવ્યા છે.

એર ઇન્ડિયાએ ઢાકાની ફ્લાઇટ પર પ્રતિબંધ મૂક્યો

બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં રાખીને, એર ઇન્ડિયાએ સોમવારે(પાંચમી ઑગસ્ટ) ઢાકા આવતી-જતી તમામ ફ્લાઇટ્સ તાત્કાલિક સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. એર ઇન્ડિયાએ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'બાંગ્લાદેશમાં કથળતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અમે તાત્કાલિક અસરથી ઢાકા અને ત્યાંથી અમારી ફ્લાઇટ્સનું નિર્ધારિત સંચાલન રદ કર્યું છે. અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ.'

બાંગ્લાદેશ હિંસાની અસર, ભારતથી-ઢાકા વચ્ચે રેલવે સેવા ઠપ, ફ્લાઇટને પણ અસર 2 - image


Google NewsGoogle News