બાંગ્લાદેશ ટ્રિબ્યુનલનું શેખ હસીના અને 45 લોકો વિરુદ્ધ અરેસ્ટ વોરન્ટ
- શેખ હસીના-અવામી લીગના નેતાઓ સામે માનવતા વિરુદ્ધ ગુનાના કેસ
- ધરપકડ વોરન્ટના આધારે વચગાળાની સરકાર પૂર્વ પીએમ શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે ભારત સમક્ષ માગ કરે તેવી શક્યતા
નવી દિલ્હી : બાંગ્લાદેશના ઈન્ટરનેશનલ ક્રાઈમ્સ ટ્રિબ્યુનલે ગુરુવારે પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને અન્ય ૪૫ લોકો વિરુદ્ધ કથિત માનવતા વિરુદ્ધ ગૂના બદલ ધરપકડ વોરન્ટ ઈશ્યુ કર્યું છે. સરકાર વિરુદ્ધ વિદ્યાર્થીઓના હિંસક દેખાવો પછી શેખ હસીનાએ બાંગ્લાદેશમાંથી ભાગવું પડયું હતું અને ભારતમાં આશરો લેવાની ફરજ પડી હતી. ટ્રીબ્યુનલે ઓથોરિટીને ૧૮ નવેમ્બર પહેલાં શેખ હસીના અને અન્ય ૪૫ આરોપીઓને તેના સમક્ષ રજૂ કરવા માટે આદેશ આપ્યો છે તેમ સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું છે.
ન્યાયાધીશ મોહમ્મદ ગોલમ મુર્તઝા મજૂમદારના અધ્યક્ષપદે ટ્રીબ્યુનલે ફરિયાદ પક્ષ તરફથી આરોપીઓ વિરુદ્ધ દાખલ ધરપકડ માગની બે અરજીઓ અંગે આ આદેશ આપ્યો હતો. મુખ્ય ફરિયાદી મોહમ્મદ તાજુલ ઈસ્લામે આ માહિતી આપી હતી.
ટ્રીબ્યુનલે અધિકારીઓને શેખ હસીના સહિત બધા જ ૪૬ આરોપીઓને ૧૮ નવેમ્બર સુધીમાં ધરપકડ કરવા અને તેની સમક્ષ રજૂ કરવા આદેશ આપ્યો છે. શેખ હસીના વિરુદ્ધ આ ધરપકડ વોરન્ટના આધારે બાંગ્લાદેશની વચગાળાની સરકાર ભારત સમક્ષ શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે માગ કરે તેવી સંભાવના છે. જોકે, શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે ભારતનો સંપર્ક કરવાનો નિર્ણય રાજકારણ પ્રેરિત હોઈ શકે છે. મુખ્ય ફરિયાદી તાજુલ ઈસ્લામે કહ્યું કે, શેખ હસીના સહિતના ભાગેડુઓને પાછા લાવવા માટે ઈન્ટરપોલની મદદ લેવામાં આવે તેવી શક્યતા છે.
ઢાકા ટ્રીબ્યુનના અહેવાલ મુજબ વિદ્યાર્થીઓના હિંસક આંદોલન દરમિયાન શેખ હસીના સરકાર અને અવામી લીગના અન્ય ટોચના નેતાઓ સામે માનવતા વિરુદ્ધ ગુનાઓની તપાસ માટે રચાયેલી ટ્રીબ્યુનલની ન્યાયિક કાર્યવાહીના પહેલા જ દિવસે ધરપકડ વોરન્ટ ઈશ્યુ કરાયા હતા.
શેખ હસીના અને અવામી લીગના અન્ય ટોચના નેતાઓ વિરુદ્ધ ટ્રીબ્યુનલમાં અત્યાર સુધીમાં ૬૦થી વધુ ફરિયાદો દાખલ થઈ છે. આ સાથે શેખ હસીના સામે ૨૦૦થી વધુ કેસો નોંધાયા છે, જેમાં મોટાભાગે વિદ્યાર્થી આંદોલન દરમિયાન હત્યાના કેસોનો સમાવેશ થાય છે. બાંગ્લાદેશમાં જુલાઈની મધ્યમાં શેખ હસીના સરકાર વિરુદ્ધ શરૂ થયેલા વિદ્યાર્થીઓના હિંસક આંદોલનમાં ૧,૦૦૦થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં.