માલદીવ વિવાદમાં બાંગ્લાદેશ પણ ભારતની પડખે, કહ્યું- ‘આવી મજાક સહન ના થાય’
PM મોદીનું અપમાન કરનાર મોહમ્મદ મુઈજ્જૂ સરકારની ચારેકોરથી ફજેતી
માલદીવ વિપક્ષે મુઈજેજૂને ભારતની માફી માંગવા કહ્યું, PM શેખ હસીના પણ ભારતની પડખે
Bangladesh Reaction On Maldives Row : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની લક્ષદ્વીપ યાત્રા પર ટિપ્પણી કરનાર માલદીવને માત્ર ભારતે જ નહીં હવે બાંગ્લાદેશે (Bangladesh) પણ આડે હાથ લીધું છે. ચીન સમર્થિત મોહમ્મદ મુઈજ્જૂ (Mohamed Muizzu) સરકાર પહેલેથી જ વિવાદમાં છે, હવે તેણે ભારત સાથે વિવાદ ઉભો કરી પોતાની જ ફજેતી કરી રહ્યું છે. માલદીવના ત્રણ મંત્રીઓની PM મોદી પરની ટિપ્પણી અંગે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના (Sheikh Hasina) અને વિદેશ મંત્રી ડૉ.એ.કે.અબ્દુલ મોમેને (Dr AK Abdul Momen) ભારતનું સમર્થન કર્યું છે. મોમેને માલદીવને કડક શબ્દોમાં ઘણુ બધુ સંભળાવ્યું અને કહ્યું કે, ‘પીએમ મોદીની મજાક ઉડાવવી સહન નહીં કરવામાં આવે.’
આપણે PM મોદીનું સન્માન કરવું જોઈએ : બાંગ્લાદેશ
મોમેને કહ્યું કે, ‘તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજાક ઉડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તે સહન નહીં થાય. મને લાગે છે કે, આ બાબત તેમના મૂલ્યોમાં ઘટાડો દર્શાવે છે, કારણ કે તેઓ જેમની મજાક ઉડાવી રહ્યા છે, તે પ્રમુખ ચહેરો છે અને આપણે તેમનું સન્માન કરવું જોઈએ, મજાક ન કરવી જોઈએ. મને લાગે છે કે, આ બાબત કોઈપણ વ્યક્તિ માટે અપમાનજનક છે. મારી પાસે આ બાબતની વધુ વિગતો નથી, પરંતુ મારી પાસે ચોક્કસ માહિતી છે કે, તેઓ વડાપ્રધાન મોદીની મજાક ઉડાવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે અયોગ્ય છે. અમે તેની નિંદા કરીએ છીએ અને અમે ઈચ્છતા નથી કે, કોઈપણ મોટા નેતાનું અપમાન થાય’
શેખ હસીનઆએ પણ ભારતનું સમર્થન કર્યું
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ભારતને સમર્થન આપી કહ્યું કે, ‘ભારત અમારું વિશ્વાસુ મિત્ર છે. તેણે હંમેશા અમારું સમર્થન કર્યું છે. તેમણે અમને લિબ્રેશન આંદોલનમાં પણ સાથ આપ્યો હતો. જ્યારે અમે આખો પરિવાર ખોયો હતો, ત્યારે તેમણે જ આશ્રય આપ્યો. અમારી શુભેચ્છા ભારતના લોકો સાથે છે.’
‘મુઈજ્જૂ સરકાર ભારતની માફી માંગે’
માલદીવના વિપક્ષી દળે પણ મોહમ્મદ મુઈજ્જૂ સરકારની ટીકા કરી માફી માગવાની માંગ કરી છે. માલદીવના પૂર્વ ડેપ્યુટી સ્પીકર અને સાંસદ ઈવા અબ્દુલ્લા (Eva Abdulla)એ કહ્યું કે, ‘માલદીવના ત્રણ મંત્રીઓએ કરેલી ટિપ્પણીથી સરકારને કોઈ લેવાદેવા નથી, ત્રણેયને સસ્પેન્ડ કરી દીધા છે, પરંતુ માલદીવ સરકારે ભારતના લોકોની ઔપચારિક માફી માંગવી જોઈએ. ટિપ્પણી ખુબ જ શરમજનક, જાતિવાદી અને અપમાનજનક છે. મંત્રીઓના શબ્દો માલદીવના લોકોના વિચારોથી તદ્દન અલગ છે. અમે સારી રીતે જાણીએ છીએ કે, માલદીવ ભારત પર કેટલું નિર્ભર છે, જ્યારે પણ અમને જરૂર પડે છે, ત્યારે ભારત હંમેશા આગળ આવે છે.’